રાજકોટ સત્તાનો સંગ્રામ LIVE:15 સોસાયટીમાં મતદાનનો બહિષ્કાર તથા ચૂંટણી તંત્રએ મનપા પાસે રિપોર્ટ માંગ્યો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

ગુજરાત વિધાનસભાની આગામી તા. 1 ડીસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધારવા માટે ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે તેમજ ગત ચૂંટણીની સાપેક્ષમાં મતદાનની ટકાવારીમાં 10 ટકાનો વધારો થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા કમર કસી દેવામાં આવી છે.આવા સમયે રાજકોટની ભાગોળે આવેલ મોટામવાની 15 જેટલી સોસાયટીઓ દ્વારા મતદાનનો બહિષ્કાર કરાતા ખળભળાટ મચી જવા પામેલ છે.આ અંગે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી ખાસ રિપોર્ટ માગવામાં આવેલ છે.

20 હજારથી વધુ પ્રચાર સામગ્રી હટાવાઈ
રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુના નિર્દેશ મુજબ, જિલ્લાના આઠ વિધાનસભા મત વિસ્તારોમાં આદર્શ આચારસંહિતાના અમલ સાથે ચૂંટણી તંત્રની મંજૂરી વિના લગવાયેલી પ્રચાર સામગ્રી હટાવવાની ઝુંબેશ સતત ચાલુ છે. જે અંતર્ગત ગઇકાલે આખા દિવસમાં સરકારી તેમજ ખાનગી ઇમારતો ઉપરથી કુલ મળીને 476 જેટલા પોસ્ટર, બેનર, દીવાલ પરના લખાણ સહિતની પ્રચાર સામગ્રી હટાવાઈ છે. આ સાથે અત્યાર સુધીમાં 20,157જેટલી સામગ્રીઓ દૂર કરાઈ છે.

હોર્ડિંગ્સ-કિઓસ્કની સાઈટ ફાળવવા કોંગ્રેસે મ્યુનિ. કમિશનરને રજૂઆત કરી
રાજકોટ કોંગ્રેસે મ્યુનિ. કમિશનરને હોર્ડિંગ્સ-કિઓસ્કની સાઈટ ફાળવવા રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે સમગ્ર રાજકોટ મહાનગરપાલિકાની હદના મુખ્ય રોડ અને મુખ્ય ચોક વગેરે જેવી જગ્યાએ રાજકોટ મહાનગરપાલિકાએ હોર્ડિંગ્સ-કિઓસ્કની સાઈટ માટે ટેન્ડરથી ફાળવેલ છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપનું શાસન હોવાથી રાજકોટ શહેરમાં હોર્ડિંગ્સ-કિઓસ્ક લગાડવા માટે અમારું અગાઉથી બુકિંગ હોવા છતાં વેન્ડર પર ભાજપના શાસકો અને નેતાઓ દ્વારા કાયમી ધંધો બગડવાની ધમકી આપી અમારા અગાઉથી બુક કરેલ સાઈટ પણ રદ કરી રહ્યા છે. ત્યારે અમોને સમાન હક્ક મળે તે પ્રકારની વ્યવસ્થા કરવા માટે વિનંતી છે.

રાજકોટ કોંગ્રેસે રૂબરૂ મ્યુનિ. કમિશનરને રજૂઆત કરી.
રાજકોટ કોંગ્રેસે રૂબરૂ મ્યુનિ. કમિશનરને રજૂઆત કરી.

એજન્સી એગ્રીમેન્ટનું પાલન કરે
વધુમાં જણાવ્યું છે કે, વિધાનસભા-68ના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજપૂત દ્વારા કુવાડવા રોડ, 80 ફૂટ રોડ, પારેવડી ચોક, ભક્તિનગર સહિતના વિસ્તારોમાં વિવિધ હોર્ડિંગ્સ અને કિઓસ્ક ડિસેમ્બર માસ સુધીના એગ્રીમેન્ટ કર્યા હોવા છતાં એજન્સી દ્વારા અમલ કરતા નથી. આ અમલ ન કરવાનું કારણ ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને પદાધિકારીઓ છે. તેઓ તમામ એજન્સીને દબાવતા હોય અને ધમકાવતા હોય ત્યારે અમારી રજૂઆત છે કે અમારી સાથે કરેલા એગ્રીમેન્ટનું પાલન કરે. અન્યથા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ એગ્રીમેન્ટનું પાલન ન કરવા અને છેતરપિંડી કર્યાની ફરિયાદ કરવામાં આવે અને એજન્સીને બ્લેકલિસ્ટેડ જાહેર કરવામાં આવે તેવી અમારી રજૂઆત છે.

20મીએ નરેન્દ્ર મોદીની સૌરાષ્ટ્રમાં 4 સભા
વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં થનાર છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ ભર્યા પછી રાજકીય પાર્ટીઓએ પ્રચાર વેગવંતો બનાવશે. સૌરાષ્ટ્રમાં ભાજપમાંથી ખુદ વડાપ્રધાન સ્ટાર પ્રચારક બની ઝંઝાવાતી પ્રચાર કરવા મેદાને ઉતરશે. 20મીએ નરેન્દ્ર મોદી અમરેલી, ધોરાજી, બોટાદ અને વેરાવળમાં જાહેર સભા સંબોધશે.

નરેન્દ્ર મોદી 20 નવેમ્બરે સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરશે.
નરેન્દ્ર મોદી 20 નવેમ્બરે સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરશે.

રાજકોટની 8 બેઠક પર 170 ફોર્મમાંથી 71 માન્ય
રાજકોટ શહેરની ચાર અને જિલ્લાની ચાર મળી આઠ બેઠક માટે તા.14ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પૂરી થયા બાદ ભરાયેલા તમામ ફોર્મની તા.15ના ઓબ્ઝર્વરની હાજરીમાં ચકાસણી કરવામાં આવી હતી, આઠેય બેઠકના મળી કુલ 170 ફોર્મ ભરાઇને રજૂ થયા હતા જેમાંથી 81 ફોર્મને માન્ય રાખવામાં આવ્યા હતા. રાજકોટ વિધાનસભા-68માં ઉમેદવારી માટે 92 ફોર્મ ઉપડ્યા હતા, જેમાંથી 28 ફોર્મ રજૂ થયા હતા, ફોર્મ ચકાસણીના અંતે 12 ફોર્મ માન્ય રહ્યાં હતાં, વિધાનસભા-69માં 75 ફોર્મ ઉપડ્યા હતા, 26 ફોર્મ રજૂ થયા હતા જેમાંથી 15 ફોર્મ માન્ય રહ્યાં હતાં, વિધાનસભા-70માં 77 ફોર્મ ઉપડવાની સામે 27 ફોર્મ ભરાયા હતા.

રાજકોટ-71 બેઠક પર 69 ફોર્મ ઉપડ્યા હતા
ચકાસણીના અંતે 9 ફોર્મ માન્ય રહ્યાં હતાં. વિધાનસભા-71માં 69 ફોર્મ ઉપડ્યા હતા, 25 ફોર્મ રજૂ થયા હતા, જ્યારે 14 ફોર્મ માન્ય રહ્યાં હતાં. જિલ્લાની જસદણ બેઠક માટે 48 ફોર્મ ઉપડ્યા હતા, 17 ફોર્મ ભરાયા હતા, જેની સામે 8 ફોર્મ માન્ય રહ્યાં હતાં, ગોંડલ બેઠક માટે 57 ફોર્મ ઉપડ્યા હતા, 10 ફોર્મ ભરાઇને રજૂ થયા હતા, જ્યારે 5 ફોર્મ માન્ય રહ્યાં હતાં. જેતપુર બેઠક માટે 46 ફોર્મ ઉપડ્યા બાદ 16 ફોર્મ રજૂ થયા હતા જ્યારે 9 ફોર્મ માન્ય રહ્યાં હતાં અને ધોરાજી બેઠક માટે 57 ફોર્મ ઉપડ્યા હતા, 21 ફોર્મ ભરાયા હતા અને 9 ફોર્મ માન્ય રહ્યાં હતાં.

17ની સાંજે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે
ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મુખ્ય ઉમેદવાર ઉપરાંત ડમી ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તે તમામ ફોર્મ આજે મંગળવારે ચકાસણીમાં અમાન્ય થઇ ગયા હતા, આ ઉપરાંત કેટલાક અપક્ષોના ફોર્મ અપૂરતી માહિતીને કારણે રદ થયા હતા, રાજકોટ વિધાનસભા-70ના કોંગ્રેસના ઉમેદવાર હિતેષ વોરા સામે અપક્ષોએ કેટલીક માહિતીના અનુસંધાને વાંધો લીધો હતો પરંતુ વાજબી કારણો નહીં લાગતા તે વાંધા ઉડાવી દેવાયા હતા અને હિતેષ વોરાનું ફોર્મ માન્ય રખાયું હતું. તા.17ની સાંજે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

કોંગ્રેસ આગેવાનોમાં રોષ
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોલીસે ચોક્કસ પાર્ટીનો હાથો બનીને કામગીરી કર્યાના તત્કાલીન સમયે ખૂબ આક્ષેપ થયા હતા, વિધાનસભા ચૂંટણીના મતદાનને આડે હવે પંદર દિવસ જ બાકી છે ત્યારે પોલીસે કોંગ્રેસના સિનિયર આગેવાન સહિતના કાર્યકરોને ફોન કરીને અટકાયતી પગલાં લેવાના છે તેવી વાત કરતા કોંગ્રેસ આગેવાનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.

મહેશ રાજપુત, મિતુલ દોંગાને ફોન થયા હતા
સોમવારે ક્રાઇમ બ્રાંચમાંથી કોંગ્રેસના આગેવાન મહેશ રાજપૂત, મિતુલ દોંગા સહિત કેટલાક આગેવાન અને કાર્યકરોને ફોન થયા હતા અને અગાઉના ગુનાના સંદર્ભે અટકાયતી પગલાં ભરવાના છે, આવા ફોન કરીને ક્રાઇમ બ્રાંચે કોંગ્રેસના કાર્યકરોને બોલાવવામાં આવી રહ્યા છે અને ધમકાવવામાં આવી રહ્યા છે. રાજ્યગુરુએ એવી પણ ચીમકી આપી હતી કે, કેટલાક પોલીસ કર્મચારીઓ ચોક્કસ જગ્યાએથી થતાં હુકમનું પાલન કરીને પોલીસની છાપ બગાડે છે.

અન્ય સમાચારો પણ છે...