NSUIએ સરકારને યુવા વિરોધી ગણાવી:ગુજરાત પ્રમુખે કહ્યું, તલાટી મંત્રી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર કરી યુવાનોને વખુ એક લોલીપોપ આપી

રાજકોટએક મહિનો પહેલા
ગુજરાત NSUIના પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકી.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી જુનિયર ક્લાર્ક (વહીવટ-હિસાબ) અને ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી-વર્ગ-3) સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની તારીખો ગઈકાલે જાહેર કરવામાં આવી છે. જેમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા 8 જાન્યુઆરી 2023 અને તલાટી કમ મંત્રી વર્ગ-3ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા 29 જાન્યુઆરીના રોજ યોજવાની જાહેરાત કરવામાં આવી છે. જેની સામે ગુજરાત પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ રોષ વ્યક્ત કરી સરકારને યુવા વિરોધી ગણાવવામાં આવી છે. તેણે જણાવ્યું હતું કે, જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર કરી યુવાનોને વખુ એક લોલીપોપ આપી છે.

સરકાર પોતાના કાર્યક્રમોમાં વ્યસ્ત
ગુજરાત પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ગઈકાલે જુનિયર કલાર્ક અને તલાટીની પરીક્ષા જાહેર કરવામાં આવી છે, પરંતુ આ જાહેરાત તૈયારી કરતા યુવાનો માટે માત્ર એક લોલીપોપ સમાન છે. ચૂંટણી પહેલા આ ભરતી કરવા માટે અમે અવારનવાર રજૂઆત કરી હતી. પરંતુ તેને સાંભળવામાં આવી નથી. સરકાર પોતાના કાર્યક્રમોમાં વ્યસ્ત અને મસ્ત રહી યુવાનો સાથે અન્યાય કરી રહી છે. ત્યારે આવતી ચૂંટણીમાં યુવાનોના મત મેળવવા માટે પરીક્ષા તારીખ જાહેર કરી યુવાનોને વધુ એક લોલીપોપ આપી છે.

યુવાનો એકસાથે બે પરીક્ષા કેમ આપશે
નરેન્દ્ર સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારે ગઈકાલે જાહેર કરેલી પરીક્ષા તારીખમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા 8 જાન્યુઆરી 2023ના રોજ લેવા નિર્ણય કર્યો છે, પરંતુ તેની સાથે સાથે GPSC દ્વારા અગાઉથી જ 8મી જાન્યુઆરીના રોજ કલાસ 1-2ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે યુવાનો એક સાથે બે પરીક્ષા કેવી રીતે આપી શકે તે મોટો સવાલ યુવાનોના મનમાં સતાવી રહ્યો છે.

તલાટી મંત્રીની 4337 જગ્યા પર ભરતી બહાર પડાઇ
ઉલ્લેખનીય છે કે, મંડળ દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરીની (તલાટી કમ મંત્રી) કુલ 4337 જગ્યાઓ પર ભરતી બહાર પાડી હતી. આ જગ્યાઓમાં સમાન્ય માટે 1557, ઈડબ્લ્યુએસ માટે 331, એસઈબીસી માટે 851, અનુસુચિત જાતિ માટે 259, અનુસુચિત જન જાતિ માટે 439, દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યા 251, માજી સૈનિક માટે અનામત જગ્યા 330 રાખવામાં આવી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા 8 જાન્યુઆરી 2023ના રોજ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...