રિકન્સ્ટ્રક્શન:ઉપલેટામાં કાકીના હાથે ક્રૂર હત્યા પામનાર આયુષી કેસમાં પોલીસે ઘટના સ્થળે જઈ આરોપી સાથે રિકન્સ્ટ્રક્શન કર્યું

ઉપલેટા4 મહિનો પહેલા
ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું 
  • પોલીસે હત્યારી કાકી અને પૂરાવા નાશ કરવામાં મદદગારી કરનાર બાળકીના પિતા અને કાકાની અટકાયત કરી
  • મૃતકની માતાએ આરોપી કાકી,પિતા અને કાકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

ઉપલેટાના પાદવ રોડ ઉપર આવેલી સર્વોદય સોસાયટીમાં હૈયુ હચમચાવી મૂકે તેવી બે દિવસ પૂર્વે ઘટના ઘટી ગઈ હતી. જેમાં સગી કાકીએ ક્રૂર મિજાજમાં 9 વર્ષની ભત્રીજી આયુષીને માથા પર દસ્તાના ઘા ફટકારી કરપીણ હત્યા કરી હતી.આ અંગે આરોપી મૃતક બાળકીની માતાએ કાકી,પિતા અને કાકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ફરિયાદ આધારે બાળકીની હત્યાના આરોપસર દેરાણી વંદના મયુર નિમાવત સામે તેમજ હત્યાનું પાપ છુપાવવા મદદરૂપ બનનાર ખુદ બાળકીના પિતા ચેતન તથા બાળકીની કાકા મયુર સામે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી પૂછતાછ હાથ ધરી છે. જેને અનુસંધાને આજે ઉપલેટા પોલીસે આરોપીને સાથે લઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું

ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું
આ અંગે ઉપલેટા PI કે.કે. જાડેજા આરોપીઓને ઘટનાસ્થળ લઇ ગયેલ હતા અને વંદનાએ આયુષી ઉપર કઈ રીતે દસ્તાનો ઘા કર્યો અને મૃત થઇ ગયેલા બાદ લાશ ને કઈ રીતે પગથિયા ઉપરથી નીચે ધા કરી તેનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને પગથિયા ઉપર ને ચાંદરો ઉપર રહેલ લોહીના ધાબાને ને ધ્યાનમાં રાખી ત્યાંથી પુરાવા તરીકે તેમના સેમ્પલ લઇ એફ.એસ.એલ મોકલી આપેલ હતા.આ અંગે માહિતી આપતાં PI કે.કે. જાડેજાએ જણાવ્યું હતું કે આ બનાવમાં હજી સાક્ષી પુરાવા તરીકે આજુબાજુમાં રહેતા પાડોશી ઓના નિવેદન લેવામાં આવશે ઉપરાંત સ્મશાનયાત્રામાં ગયેલ સગા સંબંધીઓના પણ નિવેદન લઇ ઉપરાંત હોસ્પિટલ સાથે ગયેલ વ્યક્તિઓને નિવેદન લેવામાં આવશે ત્યારબાદ વધુ તપાસ કરવામાં આવશે

માહિતી મળી અને શંકાના આધારે તપાસને વેગ અપાયો
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કિરણબેન ચેતનભાઈ નિમાવત નામની એક મહિલા ગુરુવારે સવારે સાત વાગ્યે ઉપલેટા પોલીસ સ્ટેશને જઈને પોલીસ ઈન્સ્પેક્ટર કે.કે. જાડેજાને જણાવે છે કે, ‘મારી પુત્રીનું બે દિવસ પહેલાં દાદરા પરથી પડી જવાથી મૃત્યુ નીપજ્યું હતું અને તેની અંતિમ વિધિ પણ કરી નાખવામાં આવી છે. જોકે આ ઘટનામાં મને કંઈક અજુગતું થયાની શંકા લાગે છે. મહિલાની આ વાત સાંભળીને પોલીસ ઈન્સ્પેક્ટર જાડેજા અને તેમના સ્ટાફના મહેન્દ્રભાઈ, કુલદીપસિંહ, મહેશભાઈ અને જયશ્રીબેન સહિતનો સ્ટાફ ઉપલેટાના યાદવ રોડ પર આવેલી સર્વોદય સોસાયટીમાં નિમાવત પરિવારના ઘરે પહોંચે છે.

આયુષીની ફાઈલ તસવીર
આયુષીની ફાઈલ તસવીર

નિમાવત પરિવારે ઘટનાને દબાવી દેવાનો કર્યો પ્રયાસ
મંગળવારે ચાર વાગ્યે ચેતનભાઈ અને તેના ભાઈ મયૂરને ઘરેથી ફોન આવે છે કે, આયુષિ દાદરા પરથી પડી ગઈ છે. માટે ઘરે આવો, આ સમયે ચેતનભાઈએ મયૂરને કહ્યું કે, ઘરે રોજ ડખા ચાલે છે. માટે તું જા અને જોઈ આવ કે ઘરે શું થયું છે. મયૂરભાઈ તેમના ઘર પાસે પહોંચે તે પહેલાં તેમના પત્ની વંદનાબેન આયુષિને તેડીને ઘરની બાજુમાં જ રહેતા જય નામના યુવાનના એક્ટિવામાં બેસી જઈ રહ્યા હતા આથી મયૂરે કહ્યું કે, સીધા હોસ્પિટલે જ જઈએ અને ત્યાંથી બધા ડોક્ટર કણસાગરાની ક્રિષ્ના હોસ્પિટલે પહોંચ્યા. ડોક્ટરે આયુષિને તપાસીને મૃતજાહેર કરી અને કહ્યું કે, આને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જાવ. આ સમયે વંદના અને તેમની સાથે ગયેલાઓએ ડોક્ટરને કહ્યું હતું કે, આયુષિ દાદરા પરથી પડી ગઈ છે. બપોરે સાડાચાર વાગ્યે હોસ્પિટલે આયુષિને લઈ જવાયા બાદ તેની લાશ સાંજના છ વાગ્યા સુધી ત્યાં જ પડી રહી. ત્યારબાદ મયૂરભાઈ આયુષિની લાશને ઘરે લઈ ગયા હતા. આ સમય દરમિયાન ચેતનભાઈ પોતાના ઘરે ગયા હતા અને આયુષિ જ્યાંથી પડી ગઈ હતી ત્યાં દાદરા પર જઈને જોયું તો ઉપરના માળે અને અગાસી પર લોહીના ડાઘ જોવા મળ્યા હતા. આથી નાનાભાઈ મયૂરને પણ ઘરે બોલાવી લીધો હતો. આ સમયે મયૂરે તેમના ભાઈને કહ્યું કે, આ કામ વંદનાનું જ હોવું જોઈએ અને તેને જ આયુષિને મારી નાખી હતી.

પુરાવાનો બન્ને ભાઈઓએ નાશ કરવાનો પ્રયાસ કર્યો
આયુષિની વંદના નિમાવતે હત્યા કરી નાખ્યાની બન્ને ભાઈને જાણ હોવા છતાં બીજા માળના પગથિયાંથી અગાસી સુધીમાં જ્યાં પણ લોહીના ડાઘ હતા તે સાફ કરી નાખ્યા હતા અને અગાસી પર લોહીના ડાઘવાળું બ્લેન્કેટ અને ચાદર પણ સાફ કરવાની કોશિશ કરી હતી. બન્ને ભાઈઓએ નક્કી કર્યું કે, આ પ્રકરણમાં આપણે કંઈ કરવું નથી અને લાશનો બારોબાર નિકાલ કરી આવીએ. સાંજે છ વાગ્યે આયુષિની લાશને ખાનગી કારમાં ઘરે લઈ આવ્યા બાદ સગાં-વહાલા અને પાડોશી સહિત 15 વ્યક્તિએ આયુષિની અંતિમ વિધિ કરી નાખી અને મંગળવાળે રાત્રે 11 વાગ્યે બધા ઘરે આવી ગયા.

બુધવારે કેટલાક સંબંધીને સાચી ઘટનાની જાણ પણ કરી
આયુષિની અંતિમ વિધિ બાદ ચેતનભાઈ અને મયૂરે ઘરમાં બેસીને જ મનોમંથન કર્યું કે હવે કરવું શું? બન્નેએ એવું પણ વિચાર્યું કે, આકરાં સ્વભાવની વંદનાએ આયુષિને તો મારી નાખી છે. આગામી દિવસોમાં વધુ કંઈ કરશે તો? ત્યારબાદ બન્ને ભાઈઓએ તેમના બનેવી હિતેષભાઈ, મોરબી રહેતા ચેતનભાઈના સસરા સહિત 4થી 5 સગાસંબંધીઓને જાણ કરી બધા એક સ્થળે ભેગા થયા, મિટિંગ કરીને એવું નક્કી કરાયું કે, હવે પોલીસને જાણ કરી દેવી જોઈએ.

ગુરુવારે સવારે આયુષિની માતા પોલીસ સ્ટેશન પહોંચ્યા
નિમાવત પરિવારે નક્કી કર્યા મુજબ જેની હત્યા થઈ હતી તે આયુષિના માતા કિરણબેન ગુરુવારે પોલીસ પાસે પહોંચ્યા અને સમગ્ર ઘટનાની જાણ કરાઈ. પોલીસે કરેલી તપાસમાં સનસનીખેજ વિગતો બહાર આવી. પોલીસે સાંયોગિક સહિતના પુરાવાઓ એકત્ર કર્યા. આયુષિની જ્યાં અંતિમ વિધિ કરવામાં આવી હતી ત્યાંથી રાખ અને અસ્થિ પણ પુરાવારૂપે એકત્ર કરાયા. કુલ 35 વસ્તુ પોલીસે જપ્ત કરી તપાસ આગળ ધપાવી.

આ રીતે કરી વંદનાએ આયુષિની હત્યા
તપાસ કરનાર પોલીસ ઈન્સ્પેક્ટર જાડેજાએ જણાવ્યું હતું કે, મંગળવારે વંદનાનો પુત્ર ઓમ અને કિરણબેનની બીજી દીકરી કાવ્યા વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં બધાએ વંદનાને જ દોષિત ઠેરવી હતી. આથી વંદના ગુસ્સે ભરાઈ હતી અને આયુષિને પતાવી દેવાનો પ્લાન કર્યો. તેના ભાગરૂપે અગાસી પર એક ધાબળો અને લોખંડનો દસ્તો સવારે જ અગાસી પર મૂકી આવી હતી. કિરણબેન, તેમની પુત્રી કાવ્યા અને વંદનાનો પુત્ર માનવ સાથે બીજા માળે એક રૂમમાં હતા. આયુષિના દાદા-દાદી અને વંદનાનો નાનો પુત્ર મંત્ર ગ્રાઉન્ડ ફ્લોર પર હતા. આયુષિ હોલમાં બેસીને ટીવી જોઈ રહી હતી. આ સમયે મોકો જોઈને વંદના તેની પાસે આવી હતી અને કહ્યું ‘હાલ હું તને એક વસ્તુ બતાવું’ ત્યારબાદ આયુષિને અગાસી પર લઈ જઈ ધાબળા પર બેસાડીને કહ્યું તું ઊંધી સૂઈ જા. આયુષિ જેવી ધાબળા પર સૂતી તેની સાથે જ પાછળથી દસ્તાનો માથા પર ઘા ઝીંકી દીધો. આયુષિ પડખું ફરીને સીધી થઈ તે સાથે જ કપાળની વચોવચ્ચ બીજો ઘા મારી ખોપરી ફાડી નાખી. બાદમાં બે હાથથી આયુષિની લાશ હાથમાં લઈ બીજામાળે પહોંચી લાશ દાદરા પર ફેંકી દીધી.

વંદનાએ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો.
આયુષિની હત્યા કર્યા બાદ બાથરૂમમાં જઈ લોહીથી લથબથ કપડાં સાફ કર્યા અને દાદરા પરનું તેમજ અગાસીમાં લોહીના ખાબોચિયાં ભરાયાં હતા તે સાફ કરી નાખ્યા, તમામ સ્થળે પોતું પણ કરી નાખ્યું, એક બ્લેન્કેટ અને ચાદર લોહીથી સાફ કરી અગાસી પર સૂકવી દીધી. મંગળવારે બપોરે સાડાચાર વાગ્યા આસપાસ વંદનાએ નીચે આવીને બૂમાબૂમ કરી મૂકી કે ‘આયુષિ દાદરા પરથી પડી ગઈ છે’ ત્યારબાદ ઘરના સૌ સભ્યો ભેગા થઈ ગયા અને ખાનગી હોસ્પિટલે આયુષિને ખસેડી હતી.

લોહીવાળા કપડાં ટિપરવાનમાં નાખી દીધા
આયુષિએ જે કપડાં પહેર્યા હતા તે લોહીવાળા કપડાં વંદનાએ ટિપરવાનમાં નાખી દીધા હતા. આથી આ કપડાં કબજે કરવા માટે પોલીસે શહેરના ઉકરડાં પણ ફેંદી નાખ્યા હતા. પણ કપડાં મળ્યા ન હતા. તપાસનીશ પોલીસ અધિકારી જાડેજાએ જણાવ્યું હતું કે, ક્રિષ્ના હોસ્પિટલના ડોક્ટર કણસાગરાએ ઉપરોક્ત ઘટના અંગે પોલીસને જાણ નથી કરી આથી તેઓની આ કેસમાં શું ભૂમિકા છે તે મુદે્ પણ પૂછપરછ કરી તપાસ કરવામાં આવશે.