કાર્યવાહી:માતા-પુત્રીની પજવણી કરતા શખ્સને પોલીસે પાઠ ભણાવ્યા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઠપકો દેતા જાનથી મારી નાંખવાની ધમકી દીધી

છેલ્લા ત્રણ વર્ષથી માતા-પુત્રીની પજવણી કરી ધમકી દેનાર વિકૃત શખ્સ સામે ફરિયાદ નોંધાતા પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. માયાણી ચોક નજીક રહેતા પ્રૌઢે લક્ષ્મીનગર મેઇન રોડ, નંદકિશોર સોસાયટી-1માં રહેતા હિતેશ ઘનશ્યામ થોરિયા નામના શખ્સ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેની 14 વર્ષીય પુત્રી ત્રણ વર્ષ પૂર્વે સ્કૂલના પાર્કિંગમાં સાઇકલ રાખતી હતી. ત્યારે આરોપી હિતેશ ત્યાં આવી પુત્રીના અથવા પત્નીના મોબાઇલ નંબર માગી મોબાઇલ દેવાની કોશિશ કરી હતી, પરંતુ પુત્રીએ નંબર ન આપી મોબાઇલ પણ નહિ લેતા હિતેશ ત્યાંથી જતો રહ્યો હતો.

ત્યારથી હિતેશ પુત્રી અને પત્નીની પાછળ પાછળ જઇ પરેશાન કરતો હતો. પત્ની અને પુત્રી રિક્ષામાં સાસુના ઘરે જતા હતા. ત્યારે હિતેશે રિક્ષાને રોકી અંદર બેઠેલી પત્ની અને પુત્રીના મોબાઇલથી ફોટા પાડી લીધા હતા. એક વખત પત્ની અને પુત્રી રિક્ષાની રાહ જોતા હતા. ત્યારે હિતેશ તેની કાર લઇને આવી ચાલો મારી ગાડીમાં બેસી જાવ હું તમને મૂકી જાવ, જેથી પત્નીએ ના પાડતા હિતેશ ગાળો ભાંડી જતો રહ્યો હતો.

ગત મે મહિનામાં પત્ની અને પુત્રી નાસ્તો લેવા ગયા ત્યારે હિતેશ દારૂ પીને તેમની પાસે જઇ પુત્રીનો હાથ પકડી ચાલ મને સેન્ડવિચ ખવડાવ, પુત્રીએ સેન્ડવિચ ખવડાવવાની ના પાડતા હિતેશ પત્ની પાસે રહેલા વાહનમાંથી ચાવી કાઢી લીધી હતી. જેથી પત્નીએ દેકારો મચાવતા હિતેશ ત્યાંથી ભાગી ગયો હતો.

જે બનાવની પત્નીએ પોતાને વાત કરતા પોલીસમાં અરજી આપી હતી. બીજા દિવસે પત્ની અને પુત્રી ઘર નજીક કરિયાણું લેવા જતા હતા. ત્યારે હિતેશ બાઇક પર આવી હું પોલીસ સ્ટેશનથી છૂટી ગયો છું કહી ગાળો ભાંડી જતો રહ્યો હતો. પુત્રી સ્કૂલે જતી હોય ત્યારે હિતેશ પીછો કરતો હોવાથી આ મુદ્દે તેને ઠપકો આપ્યો હતો. ત્યારે તે લાજવાને બદલે ગાજવા લાગી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. મહિલા પોલીસે ફરિયાદ નોંધી આરોપીને કાયદાનું ભાન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...