હિરાસર એરપોર્ટ પર શનિવારે ફ્લાઈટ કેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. જોકે ફ્લાઇટ લેન્ડિંગને મંજૂરી નહિ મળતા એક કલાક સુધી હવામાં જ ચક્કર લગાવ્યા હતા. આજે પણ કેલિબ્રેશન થશે. જો ફ્લાઈટ લેન્ડિંગને મંજૂરી મળશે તો આજે ફ્લાઈટ લેન્ડિંગ થશે. કેલિબ્રેશન માટે જયપુરથી વિમાન આવ્યું હતું.
આ અંગે એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ આજે સવારે 9.00 કલાકે જૂના એરપોર્ટથી ફ્લાઈટ ટેકઓફ થઇ હતી. શનિવારે જે કેલિબ્રેશન કરાયું હતું તે વિઝિબિલિટી માટે, હિરાસર એરપોર્ટ આસપાસ હવાની ગુણવત્તા, ડસ્ટિંગ વગેરે ફ્લાઈટને કેટલી અસર કરશે તે સહિતના મુદ્દે આજે ચકાસણી કરાઈ હતી. ફ્લાઈટ લેન્ડિંગ માટે મંજૂરી નહિ મળતા લાંબા સમય સુધી ફ્લાઈટે હવામાં જ ચક્કર લગાવ્યા હતા.
એર ટ્રાફિક કંટ્રોલની ટીમ બન્ને એરપોર્ટ પર ગોઠવાઈ ગઇ હતી. જોકે એક કલાક સુધી ફ્લાઈટે હવામાં ચક્કર લગાવ્યા હતા. તેની સાથે રન વે સુધી ફ્લાઈટ પણ લાવવામાં આવી હતી, પરંતુ લેન્ડ કરવામાં આવ્યું નહોતું. ફ્લાઇટ લેન્ડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એપ્રિલમાં મોટા પ્લેનનું લેન્ડિંગ અને ટેકઓફની પ્રક્રિયા કરવામાં આવશે.
હિરાસર એરપોર્ટ પર અત્યારે ટર્મિનલ, વેઈટિંગ લોન્જ, ફાયર સ્ટેશન, મોબાઈલ ટાવર, હવામાન વિભાગ, કાર્ગો બિલ્ડિંગ સહિત કુલ 7 વિભાગ કાર્યરત રહેશે. આ ટેસ્ટિંગ માટે ઈન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ, સિસ્ટમ અને નેવિગેશન કંટ્રોલ સિસ્ટમ, એટીસી ટીમ વગેરે જોડાઈ હતી.
ફ્લાઈટ કેલિબ્રેશન માટે આ અગાઉ પણ ત્રણ વખત તારીખ જાહેર કરવામાં આવી હતી, પરંતુ તે પ્રક્રિયા થઈ શકી નહોતી. ત્રણ વખત મુદત પડ્યા બાદ શનિવારે ટેસ્ટિંગની કામગીરી કરાઈ હતી, પરંતુ તે પણ અડધી જ થઈ શકી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.