રાજકોટ સત્તાનો સંગ્રામ LIVE:વિધાનસભાની ચાર બેઠકોનું ચિત્ર સ્પષ્ટ, ભાજપ, કોંગ્રેસ અને AAPના 65 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુનીલ સુરાણી મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા - Divya Bhaskar
સુનીલ સુરાણી મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા

વિધાનસભાની ચૂંટણી સમયે પક્ષપલટો થવો સામાન્ય વાત બની ગઈ હોય તેમ રાજકોટમાં દર બીજે કોઈને કોઈ કાર્યકર પક્ષ પલટો કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ શહેર મહામંત્રી અને વોર્ડ 13ના કોંગ્રેસના તથા ઋષિવંશી સમાજના ગુજરાતના ઉપપ્રમુખ નેતા સુનીલ સુરાણી મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા. જેને પગલે રાજકોટ વિધાનસભા- 70ના કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું હતું.

18 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના પ્રથમ ચરણના મતદાન અંતર્ગત આજે રાજકોટ જિલ્લાના ઉમેદવારો માટે ઉમેદવારી પત્રક ખેંચવાનો અંતિમ દિવસ હતો. જેમાં 68- રાજકોટ પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 08 ઉમેદવારો, 69 - રાજકોટ પશ્ચિમ વિધાનસભામાં કુલ 13 ઉમેદવારો, 70 - રાજકોટ દક્ષિણ વિધાનસભામાં કુલ 08 ઉમેદવારો, 71- રાજકોટ ગ્રામ્ય (અ.જા) વિધાનસભામાં કુલ 11 ઉમેદવારો અને 72 - જસદણ વિધાનસભામાં કુલ 06 ઉમેદવારો, 73 - ગોંડલ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 04 ઉમેદવારો, 74 - જેતપુર વિધાનસભા મત વિસ્તારમાં કુલ 08 ઉમેદવારો, 75 - ધોરાજી વિધાનસભા મત વિસ્તારમાં કુલ 07 ઉમેદવારો ચુંટણીમાં ભાગ લેશે. રાજકોટ જિલ્લાની આઠ વિભાનસભા માટે કુલ જિલ્લામાં 65 ઉમેદવારો ચૂંટણી લડશે એવું અધિક જિલ્લા ચૂંટણી અધિકારી, રાજકોટ દ્વારા જણાવવામાં આવ્યું છે.આખરી ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતા જ રાજકીય ગરમાવો આવવાની સાથે ઉમેદવારોનો પ્રચાર પણ કરંટ આવી ગયો છે.

PM મોદીની ચાર જાહેર સભા યોજાશે
વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે. 20 નવેમ્બરના રોજ સૌરાષ્ટ્રમાં નરેન્દ્ર મોદીની ચાર જાહેર સભા યોજાશે અને ચૂંટણી પ્રચાર કરશે. ત્યારે આજે રાજકોટ એરપોર્ટ પર ખાસ વિમાનો સાથે SPG કમાન્ડોનું આગમન થયું છે. આવતીકાલે રાજકોટમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને સી.આર. પાટીલ રાજકોટમાં જનસભાને સંબોધશે. તેમજ કાલે જ મોરબી પંથકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ચૂંટણી પ્રચાર કરશે.

ગુજરાતના પ્રથમ ટ્રાન્સજેન્ડર ઈલેક્શન આઈકોન દ્વારા મતદાનની અપીલ કરાઈ
વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઈને સમગ્ર તંત્ર દ્વારા જ્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે રાજકોટના આઠેય મતવિસ્તારમાં લોકોમાં મત આપવા અંગેની જાગૃતિ કેળવાય તે માટે વિવિધ પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.જેના ભાગ રૂપે એક નવતર પહેલ અન્વયે લોકોમાં મતદાનનું મહત્વ સમજાવતા એક નવતર પહેલ અન્વયે ટ્રાન્સજેન્ડર સમુદાયના રાગિણી પટેલને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં આઈકોન તરીકે નિયુક્ત કરાયા છે. જેઓ લોકો વચ્ચે જઈને તેઓને મતદાન અંગેની જાગૃતિ અને એક એક મતનું મહત્વ સમજાવવાની કામગીરી કરી રહ્યા છે. લોકશાહીના અવસરમાં દરેક નાગરિક સગર્વ જોડાય અને મતદાન કરવા જેવા પાવન અને નૈતિક ફરજને અદા કરી આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં પોતાનું યોગદાન નોંધાવે તે અંગેની અપીલ કરવામાં આવી છે.

40 લાખની રોકડ સાથે એક વ્યક્તિની અટકાયત
વિધાનસભાની ચૂંટણીને લઈને આચારસંહિતા લાગુ પડી ગઈ છે. ચૂંટણીને લઈ પ્રચાર પ્રસારની કામગીરી જોરશોરથી ચાલી રહી છે તો બીજી તરફ નાણાકીય હેરફેર મામલે તંત્ર પણ સાબદુ બની ગયું છે. આજે રાજકોટના દક્ષિણ વિસ્તારમાં 40 લાખની રોકડ સાથે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. શહેરના ઢેબર રોડ પર જસાણી સ્કૂલ પાસે ફોર્ચ્યુનર કાર સાથે એક વ્યક્તિને તપાસ ટીમે અટકાવ્યો હતો. નાણાકીય હેરફેર મામલે ટીમના ચેકિંગ દરમિયાન 40 લાખની રોકડ સાથે એક વ્યક્તિની અટકાયત કરાઇ છે. હાલ તો ઇન્કમટેક્સ વિભાગની ટીમ દોડી ગઈ છે અને નાણાકીય બાબતે કાગળો મગાવવામાં આવ્યા છે. આ અંગે રાજકોટના ડીડીઓએ પ્રાથમિક માહિતી આપી છે.

આજે ફોર્મ પાછો ખેંચવાનો છેલ્લો દિવસ
વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજકોટ શહેર અને જિલ્લાની 8 બેઠક પર કુલ 81 ફોર્મ માન્ય રહ્યા હતા. જેમાં ગઈકાલે 5 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે 76 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. પરંતુ આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે કેટલાક ઉમેદવારો ફોર્મ પરત ખેંચે તેવી શક્યતા છે. આજે 3 વાગ્યા સુધીમાં 8 બેઠક બેઠક પર ફાઈનલી કેટલા ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશો તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

ગઇકાલે 5 ઉમેદવારે ફોર્મ પાછા ખેંચાયા હતા
ગઇકાલે રાજકોટ પૂર્વ બેઠક પર 2, રાજકોટ પશ્ચિમ બેઠક પર 1, જસદણ બેઠક પર 1 અને ધોરાજી બેઠક પરથી 1 ફોર્મ પાછુ ખેંચવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ પૂર્વ બેઠક પરથી રાષ્ટ્રીય એકતા દળના ઉમેદવાર એજાજ અબ્દુલભાઈ પાયકે અને અપક્ષ ઉમેદવાર હાર્દિક રાબડિયાએ ફોર્મ પરત ખેંચ્યું હતું. જ્યારે રાજકોટ પશ્ચિમ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર વિપુલ તેરૈયા, જસદણ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ભરત બાલાળા અને ધોરાજી બેઠક પરથી અપક્ષ ઉમેદવાર દિલીપ ફળદુએ ફોર્મ પરત ખેંચ્યું હતું.

વીંછિયામાં ભાજપના નેતાઓનો વિરોધ
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે લોકો પોતાની સમસ્યાઓને લઈને રાજકીય નેતાઓનો વિરોધ કરવા મેદાને ઉતર્યા છે. રાજકોટમાં 15મીએ 25 સોસાયટીના લોકોએ પાણી ન આવતા ચૂંટણીનો બહિષ્કાર કરવાના બેનર સાથે વિરોધ કર્યો હતો.જ્યારે ગઈકાલે વીંછિયાના એસટી બસસ્ટેન્ડમાં ‘ભાજપના ડેમ ભરવાના વચન, ટીપુ પાણી ન આવતા નેતાજીએ મત માગવા આવવું નહીં’ના બેનર લાગ્યા હતા.

વીંછિયા બસસ્ટેન્ડમાં લાગ્યા હતા આ બેનર
વીંછિયા બસસ્ટેન્ડમાં લાગ્યા હતા આ બેનર

શું લખ્યું હતું બેનરમાં?
બેનરમાં લખવામાં આવ્યું હતું કે, ‘72/વિધાનસભા જદસણ-વીંછિયાના લોકોની એક જ માગ પાણી નહીં તો મત નહીં. ચૂંટણી અંતર્ગત ભાજપના એક પણ નેતાએ વીંછિયા તાલુકાના મતદારો પાસે મત માગવા આવવું નહીં. કારણ કે પેટા ચૂંટણીમાં વીંછિયાના રેવાણીયા, ભાડેર, પાનેલીયા એમ ત્રણ ડેમમાં સૌની યોજનાનું પાણી આવે પછી જ હું મત માગવા આવીશ અને પાણી નહીં આવે તો હું મત માગવા નહીં આવું તેવું વચન આપ્યું હતું. પણ આજ સુધી એક ટીપુ પણ પાણી આવ્યું નથી. જેથી ભાજપના ખોટા નેતાઓએ મત માગવા વીંછિયા તાલુકામાં આવવું નહીં.’

11 ઓબ્ઝર્વરે EVM સ્ટોરેજથી મત ગણતરી સુધીની સમીક્ષા કરી
રાજકોટ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા સઘન કામગીરી ચાલી રહી છે. આ ચૂંટણી તૈયારીઓની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ અધિકારીઓની એક બેઠક મળી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુએ 6 સામાન્ય નિરીક્ષક, 4 ખર્ચ નિરીક્ષક, 1 પોલીસ નિરીક્ષકને જિલ્લામાં આઠ વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલી ચૂંટણીની તૈયારીઓની વિગતવાર જાણકારી આપી હતી. ચૂંટણી પંચની માર્ગદર્શિકાના પાલન સાથે વિભાગવાર થઈ રહેલી કામગીરીની વિગતો રજૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...