હુમલો:ટાયર ચોરી કરતા શખ્સે દુકાનદારને દાતરડું ઝીંક્યું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા સહિત બે પર છ શખ્સ પાઇપથી તૂટી પડ્યા

શહેરની ભાગોળે મોરબી રોડ પર રવિવારે વહેલી સવારે 5 વાગ્યે એક શખ્સ ટાયરની દુકાનમાં ચોરી કરવા ઘુસ્યો હતો તે વખતે જ દુકાન માલિક આવી જતાં તસ્કરે તેના પર દાતરડાથી હુમલો કર્યો હતો. ઘવાયેલા દુકાનદારને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

મોરબી રોડ પર જકાતનાકા પાસે પંક્ચર સાંધવાની દુકાન ચલાવતો અને દુકાનથી થોડે દૂર જ રહેતો રિન્કુ રામબાલક રાઠોડ (ઉ.વ.19) રવિવારે સવારે 5 વાગ્યે પોતાના ઘરેથી દુકાને પહોંચ્યો હતો ત્યારે દુકાનની અંદર એક શખ્સ જોવા મળ્યો હતો, રિન્કુએ તેને ટપારતા તે શખ્સે દુકાનમાંથી ઉપાડેલા ટાયર ત્યાં મૂકી દીધા હતા અને રિન્કુ સાથે ઝપાઝપી કરી તેને દાતરડા જેવા હથિયારથી હુમલો કર્યો હતો તે વખતે જ બે રાહદારીઓ આવી જતાં તસ્કર નાસી ગયો હતો. હુમલામાં ઘવાયેલા રિન્કુને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે બી.ડિવિઝન પોલીસે વિશેષ તપાસ શરૂ કરી હતી.

અન્ય એક બનાવમાં સરધારના નવાગામમાં રહેતા મંજુબેન અરજણભાઇ રાઠોડ (ઉ.વ.45) અને લાભુભાઇ મશુરભાઇ રાઠોડ (ઉ.વ.60) રવિવારે સવારે 6.30 વાગ્યે ઘરે હતા ત્યારે દેવા વિભા, ભૂપત રાવત, ભાનુ જયતા, મયૂર વિભા, સુરેશ કચરા અને રાઘુબેન વિભાએ કોઇ મુદ્દે બોલાચાલી કરી પાઇપથી હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા મંજુબેન અને લાભુભાઇને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે આજી ડેમ પોલીસે રાબેતા મુજબ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...