ક્રાઇમ:ડિગ્રી ન હોવા છતાં દર્દીના લોહી સહિતના સેમ્પલ લઇ રિપોર્ટ આપતો શખ્સ ઝડપાયો

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જંગલેશ્વરમાં પોલીસનો દરોડો, છ મહિનાથી લેબોરેટરી ચાલતી’તી
  • પોલીસે ડમી દર્દી મોકલી રિપોર્ટ કરાવ્યો, રિપોર્ટમાં સહી કરી તે સાથે જ પકડી લીધો

કોરોનાની મહામારીમાં કેટલાક લેભાગુ તત્ત્વોએ તબીબી ડિગ્રી નહીં હોવા છતાં ડોક્ટર તરીકેની કામગીરી કરી લોકો પાસેથી પૈસા પડાવ્યા હતા ત્યારે આવો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જંગલેશ્વરમાં ડિગ્રી વગર લેબોરેટરી ચલાવતા શખ્સને પોલીસે પકડી લઇ બ્લડ ટેસ્ટ કરવાના મશીન સહિત રૂ.90380નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

જંગલેશ્વરમાં ખ્વાઝા ચોક પાસે આવેલી સ્પર્શ લેબોરેટરીમાં લેબોરેટરી સંચાલક ઇર્શાદ ફિરોઝ નકાણી બી.એસ.સી (માઇક્રો) કે ડીએમએલટીની ડિગ્રી વગર લેબોરેટરી ચલાવતો હોવાની માહિતી મળતાં પીએસઆઇ અંસારી, હેડ કોન્સ્ટેબલ ઝહીરભાઇ તથા કોન્સ્ટેબલ શાંતુબેન અને સોનાબેન મુળિયા સહિતના સ્ટાફે છટકું ગોઠવ્યું હતું. પોલીસે નકલી દર્દીને એ લેબોરેટરીમાં મોકલ્યો હતો અને તે દર્દીએ સીબીસી-સીઆરપી રિપોર્ટ કરાવ્યો હતો, ઇર્શાદ નકાણીએ એ દર્દીના લોહીનું સેમ્પલ લઇને રૂ.400 વસૂલ્યા હતા અને થોડીવાર બાદ રિપોર્ટ તૈયાર કરી પોતાની સહી કરી તે રિપોર્ટ દર્દીને આપ્યો હતો, તે સાથે જ પીએસઆઇ અંસારી સહિતની ટીમ લેબોરેટરીમાં પહોંચી ગઇ હતી અને ઇર્શાદ પાસે જરૂરી ડિગ્રી માગતાં જ તે ગલ્લાં તલ્લાં કરવા લાગ્યો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ઇર્શાદ નકાણીએ બીસીએનો અભ્યાસ કર્યો હતો અને અગાઉ એક લેબોરેટરીમાં નોકરી કરતો હતો, અને છ મહિનાથી જંગલેશ્વરમાં પોતાની જ લેબોરેટરી ચાલુ કરી દીધી હતી અને દરેક પ્રકારના ટેસ્ટ કરી રિપોર્ટ તૈયાર કરી દર્દીને આપતો હતો. પોલીસે લેબોરેટરીમાંથી બ્લડ ટેસ્ટ કરવાના મશીન, સ્પિરિટની બોડેલ, બ્લડ કલેક્શનની સીરિંજનો જથ્થો સહિત કુલ રૂ.90380નો મુદ્દામાલ કબજે કર્યો હતો. લેબોરેટરીમાં પડદા પાછળ અન્ય કોઇની ભૂમિકા હતી કે કેમ સહિતના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...