ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે અત્યારથી રાજકીય દાવપેચ શરુ કર્યા છે. કર્ણાટકના રાજ્યપાલ તરીકે વજુભાઈ વાળાનો કાર્યકાળ પૂરો થયો છે. હવે તેઓ રાજકોટ આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે હાલ ભાજપમાં જ્ઞાતિના આધારે નેતાઓની પસંદગી થઈ રહી છે. આ મુદ્દે આજે મીડિયાને વજુભાઇએ જણાવ્યું હતું કે, પક્ષ નક્કી કરશે કઈ જ્ઞાતિમાંથી કોને ટિકિટ આપવી બાકી ગુજરાતમાં જ્ઞાતિવાદનું રાજકારણ નહીં ચાલે. જ્ઞાતિ આધારિત ચૂંટણી હોતી જ નથી હોય તો લાંબી ટકતી નથી, હું સાત વાર ચૂંટાયો છું. છતાં મારા સમાજના મતદારો વધુ હતા નહીં.વજુભાઈના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક થવા લાગ્યા છે
નાના-મોટા પદ મળ્યાની માનસિકતા દૂર કરવાની જરૂર છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મેં પહેલા પણ કહ્યું હતું અને હજુ પણ કહું છું કે હું ચૂંટણી લડવાનો નથી મારું એવું માનવું છે કે આ દેશના યુવાનોને ચૂંટણી લડવા માટેની તક આપવી જોઈએ. ભાજપમાં એક માનસિકતા થઈ ગઈ છે કે જેને મોટું પદ મળ્યું હોય તો તે મોટો કાર્યકર્તા છે અને જેને નાનું પદ મળ્યું હોય તો તે નાનો કાર્યકર્તા છે. બસ એક આ માનસિકતા દૂર કરવાની જરૂર છે.
ભાજપ હંમેશા જ્ઞાતિવાદથી ઉપર રહ્યું છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પાર્ટીના સિદ્ધાંત પ્રમાણે જે કાર્યકર્તાને પાર્ટી તરફથી પદ અને હોદ્દો આપવામાં આવે તેનું પાલન કરવું જોઈએ જ્ઞાતિવાદ ની અંદર લોકો અપેક્ષા રાખે છે આજે કઈ જ્ઞાતિ એવી છે કે જે અપેક્ષા નથી રાખતી. કોઈ જ્ઞાતિ એમ કહે છે કે આ જ્ઞાતિના વ્યક્તિને પદ મળી ગયું એટલે તેનો વારો આવી ગયો હવે અમારો વારો આવવો જોઈએ. આવું કંઈ હોય જ નહીં પક્ષ નક્કી કરશે કે કઈ જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ આપવી. ભાજપ હંમેશા જ્ઞાતિવાદથી ઉપર રહ્યું છે
બે કાર્યકરો વચ્ચે કાર્ય પદ્ધતિને લઇને વિસંગતતા જોવા મળે છે
આંતરિક જૂથવાદ અંગે નિવેદન આપતા તેમણે જણાવ્યું હતું કે, બે કાર્યકરો વચ્ચે કાર્ય પદ્ધતિને લઇને વિસંગતતા જોવા મળે છે આ વિસંગતતાઓ દૂર કરીને બધાને એક જૂથ થઈને કામ કરવું જોઈએ અને રાજકોટ ભાજપમાં પણ ટૂંક સમયમાં આવું જોવા મળશે.
કઈ જ્ઞાતિનું કેટલું પ્રભુત્વ
ગુજરાતમાં ઓબીસી સમાજની સૌથી વધુ 42 ટકા જેટલી વસતિ છે. એમાં ઠાકોર, કોળી જેવી જ્ઞાતિઓ પ્રભાવશાળી ગણાય છે. બીજા ક્રમે 14થી 15 ટકા સાથે આદિવાસી મતદારો છે, પરંતુ દક્ષિણ ગુજરાત, નર્મદા-ભરૂચ, ગોધરા અને સાબરકાંઠા વિસ્તાર પૂરતું તેમનું પ્રભુત્વ છે. ત્રીજા ક્રમે આશરે 13થી 15 ટકા સાથે પાટીદાર મતદારો છે, જે ગુજરાતમાં હંમેશાં પ્રભાવશાળી જ્ઞાતિ રહી છે. અનુસૂચિત જાતિ 7-8% વસતિ ધરાવે છે અને દરેક રાજકીય પક્ષ એને નોંધપાત્ર વોટબેંક તરીકે સ્વીકારે છે. ક્ષત્રિય સમાજ 6 ટકા જેટલો છે, પરંતુ તેમાં ઓબીસીમાં સમાવિષ્ટ ક્ષત્રિયોને પણ ઉમેરવામાં આવે તો આ પ્રમાણ વધુ વધી જાય છે. બ્રાહ્મણ, વાણિયા, લોહાણા, જૈન 4થી 7 ટકા છે અને આ જ્ઞાતિઓ મોટા ભાગે ભાજપની કમિટેડ વોટબેંક ગણાય છે.
સંબંધો, સલાહ અને વ્યૂહરચનાથી ભાજપને ફાયદો થયો છે
જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી વજુભાઈ બંધારણીય હોદ્દા પર છે, પરંતુ હવે તેઓ આ જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા છે. જોકે તેમનું માર્ગદર્શન ગુજરાતના રાજકારણમાં મહત્ત્વપૂર્ણ સાબિત થતું રહ્યું છે. ચૂંટણી સમયે સૌરાષ્ટ્રની બેઠકોમાં વજુભાઈનું માર્ગદર્શન, સંબંધો, વ્યૂહરચના અને કૂટનીતિથી ભાજપને ફાયદો થયો છે. હવે જ્યારે વજુભાઇ બંધારણીય હોદ્દા પરથી પરત આવી રહ્યા છે, ત્યારે તેમની ભૂમિકા ગુજરાતના રાજકારણમાં મહત્ત્વની સાબિત થશે એમાં કોઈ શંકા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.