તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

181ની ટીમ મદદે આવી:માતા-પિતાએ છૂટાછેડા કરાવ્યા, પછી દીકરીને મહેણાંટોણાં માર્યા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં રહેતી રૂહીના લગ્ન રિતેષ નામના યુવક સાથે થયા હતા. લગ્ન સમયે રિતેષના પરિવારજનોએ તેની આવક અને સંપત્તિ મોટી બતાવી હતી, પરંતુ લગ્ન બાદ રૂહીના માતા-પિતાને ખબર પડી કે તેને પોતાની દીકરી માટે જે યુવક પસંદ કર્યો છે તે સરખું કમાતો નથી અને તેની પાસે કોઈ સંપત્તિ પણ નથી. 10 વર્ષ સુધી રાહ જોયા બાદ પરિસ્થિતિમાં કોઈ ફેર નહિ થતા રૂહીના માતા-પિતાએ દીકરીના છૂટાછેડા લેવડાવી લીધા હતા. રૂહી પિયરમાં આવીને રહેવા લાગી હતી.માનસિક ડિપ્રેશનમાં સરી પડેલી રૂહી રૂમમાં એકલી રહેતી હતી.તેવામાં તેના માતા- પિતાએ પોતાની દીકરીને માનસિક બીમાર કહેતા લાગી આવતા રૂહી ઘર છોડીને નીકળી ગઈ હતી. આ બનાવ અંગેની જાણ 181 ટીમને થતા યુવતીનું પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું.

181 ટીમના મહિલા કાઉન્સેલર શીતલબેન સોલંકીએ જણાવ્યું હતું કે, ગત 30 જૂનના રોજ મહિલા હેલ્પલાઇનમાં ફોન આવ્યો હતો અને ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.યુવતી અને માતા-પિતાનું કાઉન્સેલિંગ કરતા અંદાજિત 5 કલાકનો સમય લાગ્યો હતો. યુવતીએ પોતાની આપવીતી જણાવી હતી. યુવતીને સાસરીમાં જવું હતું અને જેની સાથે તેના લગ્ન થયા હતા તેની સાથે ફોન પર વાતચીત પણ કરતી હતી, પરંતુ માતા- પિતાએ તેનો ફોન છીનવી લીધો હતો. પોતાની સાથે બનેલા બનાવથી તે માનસિક ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી.છૂટાછેડા બાદ તેના માતા- પિતા તેની સાથે અયોગ્ય વર્તન કરતા હતા.

જ્યારે યુવતીના માતા-પિતાએ જણાવ્યું હતું કે, દીકરી તેની સાથે ખરાબ વર્તન કરતી હોય તેનાથી કંટાળીને તેને માનસિક અસ્થિર કહ્યું હતું. માતા- પિતા અને દીકરીની વાત સાંભળ્યા બાદ 181ની ટીમે બન્નેનું કાઉન્સેલિંગ કર્યું હતું. યુવતીને પોતાનું ભવિષ્ય બનાવવા અને માતા- પિતાને દીકરી સાથે પ્રેમથી વર્તન કરવા સમજાવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. આમ, 181ની ટીમની મદદથી યુવતી અને તેના માતા- પિતા વચ્ચે જે ગેરસમજ હતી તે દૂર થઈ. (નોંધ યુવક-યુવતીના નામ બદલાવ્યા છે)

અન્ય સમાચારો પણ છે...