ક્રાઇમ:રાજકોટમાં કારને રસ્તો આપવા મામલે હિમાલયા રેફ્રિજરેશનના માલિકે મારવાડી કોલેજના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, ધરપકડ કરી કારમાં તપાસ કરતા દારૂની બોટલ મળી

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસે આરોપીની ધરપકડ કરી. - Divya Bhaskar
પોલીસે આરોપીની ધરપકડ કરી.
  • કારમાં પાછળ ડેકીમાં જેક રાખવાની જગ્યાએ સંતાડેલી એક વિદેશી દારૂની બોટલ મળી આવી

કારને રસ્તો આપવા બાબતે ઝઘડો કરી મારવાડી કોલેજના વિદ્યાર્થી હરશ્યામસિંહ કિશોરસિંહ જાડેજાને ઢોર માર મારવાના ગુનામાં પોલીસે રાજકોટના હિમાલયા રેફ્રિજરેશનના માલિક રવિ ડોડિયાની મેટોડા સ્થિત કારખાનેથી ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આરોપી રવિ ડોડીયાની ઇનોવા કારની ઝડતી લેતા અંદરથી દારૂની બોટલ પણ મળી આવી હતી. આ અંગે અલગથી ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હરશ્યામસિંહ જાડેજાએ પોલીસ ફરિયાદ નોંધી
ફરિયાદમાં હરશ્યામસિંહ કિશોરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હું ગાંધીગ્રામમાં ધરમનગર મેઈન રોડ પર રાજ બેંક વાળી શેરીમાં મારા પરિવાર સાથે રહું છું અને મારવાડી યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનિયરિંગમાં બીજા વર્ષમાં અભ્યાસ કરું છું. ગઈકાલે બપોરના સાડા બારેક વાગ્યાના અરસામાં હું મારી પાસેની કાર નં. GJ-03-LM-1008વાળી લઇને મારા નાનાભાઇ ધર્મદીપસિંહને જી.કે. ધોળકીયા સ્કૂલ મુકવા જવા રવાના થયો હતો. ત્યારે પોણા એક વાગ્યા આસપાસ ગોપાલ ચોક નજીક કૈલાસનગર મેઇન રોડ આર.એમ.સી ગાર્ડન સામે પહોંચ્યા તે વખતે ત્યાં રોડ ઉપર એક ઇનોવા કાર કદાચ રિવર્સમાં લેતા હોય એવું મને લાગ્યું.

ઢીકાપાટુનો માર મારી મને બે વખત જમીન ઉપર પટક્યો
આથી મેં મારી કારનું હોર્ન મારી તેને મને હાથથી પાંચ મિનીટ એવો ઈશારો કર્યો હતો. આથી મેં તેને હોર્ન મારી મારે સીધુ જ જવું છે તેવો ઇશારો કરતા હું કંઈ સમજુ તે પહેલા તેની ઇનોવા કારનો ચાલક નીચે ઉતરી મારી પાસે આવેલા અને એકદમ ઉશ્કેરાય જઇને અપશબ્દો બોલવા લાગેલ અને મારો કાઠલો પકડી લીધો હતો. મને મારી કારમાંથી બહાર કાઢી ઢીકા પાટુનો માર મારવા લાગ્યો અને મને બે વખત જમીન ઉપર પટક્યો હતો.

મારા પિતાએ વચ્ચે પડીને મને વધુ મારથી છોડાવ્યો હતો
આ મારામારી અને બોલાચાલી થઈ રહી હતી ત્યારે જ મારા નાના ભાઇએ મારા પિતાને ફોનથી જાણ કરતા તેઓ સ્થળ ઉપર આવી ગયેલા હતા અને મારા પિતાએ વચ્ચે પડીને મને વધુ મારથી છોડાવ્યો હતો. આ વખતે મારા પિતાને પણ અપશબ્દો કહી ઇનોવા ચાલકે ઉશ્કેરાયને ધમકી આપી હતી કે આજે તો તમારા દીકરાને જવા દઉં છું નહીં તો જાનથી મારી નાખીશ. આવી ધમકી આપતા મારા પિતાએ પોલીસ સ્ટેશન જવાનું જણાવતા તેણે તેનું આધારકાર્ડ બતાવ્યું હતું. જેનો મેં ફોટો પાડતા તેનું નામ ડોડીયા રવિ અભયસિંગભાઇ લખેલું હતું અને તેની ઇનોવા કાર નંબર GJ-03-KC-0055 હતા.

કારમાં જેક રાખવાની જગ્યાએ સંતાડેલી એક વિદેશી દારૂની બોટલ મળી
પોલીસે આરોપીના રહેણાંક મકાન તથા મેટોડા ખાતે આરોપીની તપાસ કરતા આરોપી રવિ અભેસિંહ ડોડીયા(ઉ.વ.30) મેટોડા જી.આઇ.ડી.સી. ગેઇટ નં.1 પ્લોટ નં. 2222 ખાતે આવેલા તેના હિમાલયા રેફ્રિજરેશન ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનેથી ઇનોવા કાર સાથે મળી આવ્યો હતો. પોલીસે કારની ઝડતી લેતા કારમાં પાછળ ડેકીમાં જેક રાખવાની જગ્યાએ સંતાડેલી એક વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. જેમાં 250 એમ.એલ. જેટલો દારૂ ભરેલો હતો. જેથી તે અંગે પણ પોલીસે કાયદેસર કાર્યવાહી કરી અલગથી ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે પોલીસના પૂછપરછ દરમિયાન આરોપી રવિ ડોડીયાએ કબૂલાત આપી છે કે, આજથી ત્રણેક વર્ષ પહેલા મુંબઇ આર્થર રોડ પોલીસ સ્ટેશન ખાતે ચીલઝડપના ગુનામાં તે પકડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...