તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:હોટેલમાં અઢી માસ સગીરાને રાખી દુષ્કર્મ કરનાર યુપીથી ઝબ્બે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુત્રીના 30મીએ લગ્ન હોય આરોપી યુપી નાસી ગયો’તો
  • ચાર સંતાનના પિતાએ સગીરાને લગ્નની લાલચ આપી ફસાવી’તી

શહેરના સદર વિસ્તારમાં આવેલી હોટેલમાં સગીરાને અઢી મહિના રાખી તેના પર દુષ્કર્મ આચરનાર પ્રૌઢને પોલીસે અલીગઢના માદ્રક ગામેથી ઝડપી લીધો હતો. સગીરા પર શારીરિક અત્યાચાર કરનાર પ્રૌઢની પુત્રીના આગામી તા.30ના લગ્ન હોય તે રાજકોટથી માદ્રક નાસી ગયો હતો, પોલીસે તેને ત્યાંથી ઝડપી લઇ ત્રણ દિવસના રિમાન્ડ પર લીધો હતો.

સદરમાં આવેલી હોટેલ પાર્ક ઇનમાં ગત તા.16ના મહિલા પોલીસે દરોડો પાડી 17 વર્ષની સગીરાને મુક્ત કરાવી હતી, સગીરાની માતાએ તા.22ના ફરિયાદ નોંધાવી હતી જેમાં તેની પુત્રીનું અપહરણ કરી હોટેલમાં રાખી દુષ્કર્મ આચરવામાં આવ્યાનું કહ્યું હતું.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે પરપ્રાંતીય છે, તેના પતિનું નિધન થતાં બે પુત્રી સાથે રાજકોટ રહેતા તેના પુત્રના ઘરે આવ્યા હતા, પરંતુ તેના ઘરમાં સમાવેશ થઇ શકે તેમ નહી હોવાથી પુત્રના મિત્ર ઉત્તરપ્રદેશના અલીગઢ તાબેના માદ્રક ગામના વતની સંતોષ હરીસીંગ કુશવાહના રાજકોટમાં આવેલા કારખાનામાં રહેતા હતા.

સંતોષ કુશવાહે તેની સગીરવયની પુત્રીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અઢી મહિના પૂર્વે કારખાનેથી ઉઠાવી હોટેલમાં લઇ ગયો હતો અને ત્યાં સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. સંતોષ કુશવાહ સામે ગુનો નોંધાતા જ પોલીસની એક ટીમ અલીગઢના માદ્રક ગામે જવાના રવાના થઇ ગઇ હતી અને સંતોષને ત્યાંથી ઝડપી લીધો હતો.

ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સંતોષ ચાર સંતાનનો પિતા છે અને તેણે સગીરાને લગ્નની ખોટી લાલચ આપી તેની સાથે શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો, સંતોષની પુત્રીના આગામી તા.30ના લગ્ન લેવાયાછે, સંતોષ પુત્રીના લગ્નમાં ગયાની દ્રઢ શંકાએ પોલીસની ટીમ તેના વતન દોડાવી હતી અને તે ઝડપાઇ ગયો હતો. મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ પટેલ સહિતની ટીમે આરોપી સંતોષની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ પર પોલીસ હવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...