તસ્કરી:ચાલુ વાહને વૃદ્ધાનો ચેઇન ઝૂંટવાયો, પડી જતા ઇજા

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચાયતનગર મેઇન રોડ પર બનેલો બનાવ

શહેરમાં સમયાંતરે કળા કરતી ચીલઝડપ કરતી ટોળકીએ દશેરાની રાતે ચાલુ વાહને ચીલઝડપ કરી પલાયન થઇ ગઇ છે. બનાવમાં વૃદ્ધા ચાલુ વાહને રોડ પર પટકાતાં ફ્રેક્ચર જેવી ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.કાલાવડ રોડ, રામધામ પાર્ક ઓફિસર ક્વાર્ટરમાં રહેતા અને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા રૂપલબેન કિશોરભાઇ સોલંકી નામની મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, શુક્રવારે દશેરા હોય માતા શારદાબેન ગાંધીગ્રામના સત્યનારાયણનગર-2માં રહેતા ભાઇ રણજિતભાઇ કોલીના ઘરે ગયા હતા.

જેથી રાતે આઠ વાગ્યે માતાને તેડવા એક્ટિવા પર ગઇ હતી. ત્યાંથી નવેક વાગ્યાના અરસામાં માતાને ટુ વ્હિલરમાં બેસાડી માતા-પુત્રી ઘરે જવા નીકળ્યા હતા. દરમિયાન પંચાયતનગર મેઇન રોડ પર પહોંચ્યા ત્યારે પાછળથી એક ડબલસવારી બાઇક ધસી આવ્યું હતું. અને અચાનક બાઇક પાછળ બેઠેલા શખ્સે માતા શારદાબેનના ગળામાં ચાલુ વાહને ઝોંટ મારી હતી.

જેથી માતાએ તુરંત ચેઇન પકડી લેતા અડધો ચેઇન ઝૂંટવી બાઇકસવાર શખ્સો નાસી ગયા હતા. અચાનક બનેલી ઘટનાથી માતા શારદાબેન ચેઇન બચાવવા જતા ટુ વ્હિલર પરથી નીચે પટકાયા હતા. રોડ પર પટકાતા વૃદ્ધ માતાને મોઢા તેમજ શરીરના અન્ય ભાગોમાં ઇજા થતા તેઓ બેભાન થઇ ગયા હતા. જેથી તુરંત 108ને બોલાવી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. માતાને ફ્રેક્ચર જેવી ઇજાઓ થઇ છે.

અન્ય સમાચારો પણ છે...