શહેરના જામનગર રોડ, નાગેશ્વરના સાંનિધ્ય એપાર્ટમેન્ટમાં રહેતા કિરીટભાઇ કૃષ્ણકાંતભાઇ શાહ નામના વૃદ્ધ પર બે દિવસ પહેલા થયેલા ખૂની હુમલાની ઘટના હત્યામાં પરિણીમી છે. સાંનિધ્ય એપાર્ટમેન્ટમાં રહેતા અભય હર્ષદ વ્યાસ નામના શખ્સે શનિવારે સાંજે વૃદ્ધ પર પાવડાના હાથાથી હુમલો કરી માથામાં તેમજ પગમાં ઘા ફટકારી ગંભીર ઇજા પહોંચાડી ભાગી ગયો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધ કિરીટભાઇને સારવારમાં ખસેડાયા હતા.
ગાંધીગ્રામ પોલીસે ગંભીર રીતે ઘવાયેલા કિરીટભાઇના પુત્ર વિશાલભાઇની ફરિયાદ પરથી અભય ઉર્ફે મોન્ટુ સામે હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો. ફરિયાદને પગલે પોલીસે તુરંત આરોપી અભય ઉર્ફે મોન્ટુને સકંજામાં લઇ લીધો હતો. દરમિયાન સારવાર લઇ રહેલા વૃદ્ધ કિરીટભાઇએ ચાલુ સારવાર દરમિયાન દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી આરોપી અભય ઉર્ફે મોન્ટુની ધરપકડ કરી હતી. આરોપી અભય ઉર્ફે મોન્ટુની પૂછપરછમાં તે સાંનિધ્ય એપાર્ટમેન્ટમાં વૃદ્ધના ફ્લેટ નીચેના માળે માતા સાથે રહે છે.
વૃદ્ધ સાથે તેની મિત્રતા હોવાને કારણે શનિવારે બપોરે તે ઘરમાં સુતો હતો તે સમયે કિરીટભાઇ પોતાના ફ્લેટની ડોરબેલ વગાડી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં બેઠા હતા. બાદમાં પોતે નીચે જતા કિરીટભાઇ ત્યાં બેઠા હોય અત્યારે કેમ ડોરબેલ વગાડી કહી ચાર-પાંચ તમાચા ઝીંકી દીધા હતા. વૃદ્ધ કિરીટભાઇ ત્યાંથી ચાલતા થતા પોતે વધુ ઉશ્કેરાય પાવડાનો હાથો લઇ પાછળ જઇ ઘા ઝીંક્યાની કબૂલાત આપી છે. હત્યામાં પકડાયેલા આરોપીનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતા અભય ઉર્ફે મોન્ટુ સામે 2007થી 2013 વચ્ચે હત્યા, આર્મ્સ એક્ટ, મારામારી, પ્રોહિબિશન, જાહેરનામા ભંગ મળી કુલ 16 ગુના નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.