લેન્ડ ગ્રેબિંગ:દાદીની સારવાર માટે રાખેલી નર્સે મકાન પચાવી પાડ્યું

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષથી મકાન ખાલી નહિ કરનાર નર્સની ધરપકડ

શહેરમાં પારકી જમીન કે મકાન પચાવી પાડવાના બનાવો વધી રહ્યાં છે. આવા બનાવો અટકાવવા માટે જમીન કે મકાન પચાવી પાડનાર તત્ત્વો સામે કલેક્ટર તંત્ર તપાસ કરી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવા પોલીસ તંત્રને આદેશ કરે છે. ત્યારે તાજેતરમાં જ કલેક્ટર તંત્રની લેન્ડ ગ્રેબિંગ હેઠળ આવેલી અરજીઓના નિકાલ માટેની બેઠકમાં વધુ એક બનાવમાં મહિલાએ મકાન પચાવી પાડ્યાનું તપાસમાં બહાર આવ્યા બાદ પોલીસને ગુનો નોંધવા આદેશ કર્યો હતો.

જે આદેશને પગલે માલવિયાનગર પોલીસે જાગનાથ પ્લોટ 3-13માં રહેતા અને ગાર્મેન્ટનો વેપાર કરતા ધવલ મનસુખભાઇ વાઘેલા નામના વેપારીની ફરિયાદ પરથી લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધ્યો છે. વેપારીની ફરિયાદ મુજબ, હેમુ ગઢવી હોલ પાછળ ઇન્દ્રપ્રસ્થનગર-3માં માતા પ્રફુલ્લાબેનની માલિકીનું મકાન આવેલું છે. જે મકાનમાં અગાઉ દાદી રંભાબેન રહેતા હતા. જેઓ બીમાર રહેતા હોય તેમની સારસંભાળ રાખવા માટે ઉમાબા રામસિંહ યાદવ નામની મહિલાને નર્સ તરીકે રાખ્યા હતા.

નર્સ તરીકે રાખેલી મહિલા ઉમાબા પાસે રહેવાની કોઇ વ્યવસ્થા ન હોવાથી તેને તે જ મકાનમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. દરમિયાન 2020માં દાદી રંભાબેનનું મૃત્યુ નીપજ્યું હતું. દાદીના અવસાન બાદ મકાનમાં રહેતા નર્સ ઉમાબાને મકાન ખાલી કરી પરત આપવા જણાવાયું હતું. અનેક વખત નર્સ ઉમાબાને મકાન ખાલી કરી આપવાનું જણાવવા છતાં તેમને મકાન ખાલી કરી આપ્યું ન હતું અને મકાન પચાવી પાડ્યું હતું. જે અંગે કલેક્ટર તંત્રમાં અરજી કરી હતી.

કલેક્ટર તંત્રે અરજીના આધારે તપાસ કરતા મકાનમાં રહેતી ઉમાબા યાદવ નામની મહિલા પાસે મકાન તેનું હોવાના કોઇ પુરાવાઓ ન હોવાનું ખુલ્યું હતું. અંતે કલેક્ટર તંત્રે પોલીસને ફરિયાદ નોંધવા આદેશ કરતા પોતાની ફરિયાદ પોલીસે નોંધી હોવાનું વેપારી ધવલભાઇએ જણાવ્યું છે. પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી નર્સ ઉમાબા યાદવની ધરપકડ કરી બનાવની તપાસ એસીપી જે.એસ.ગેડમને સોંપી છે.

અન્ય સમાચારો પણ છે...