કોરોના રાજકોટ LIVE:સંક્રમણ વધ્યું, આજે નવા 4 કેસ દાખલ, શહેરમાં 3 દર્દીઓ કોરોનમુક્ત થતા 33 દર્દી સારવાર હેઠળ

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • દર વખતની જેમ આ વખતે પણ વેસ્ટ ઝોનમાં કેસની સંખ્યા વધુ

રાજકોટમાં આજે ફરી નવા 4 કેસ દાખલ થતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. છેલ્લા 9 દિવસમાં 3 દર્દીઓ કોરોનમુક્ત થતા 33 દર્દી સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, 2 જૂનના રોજ કોરોનાનો એક કેસ નોંધાયો હતો. જ્યારે ગઇકાલે એકસાથે 8 કેસ નોંધાતા 9 દિવસમાં કેસની સંખ્યા આઠ ગણી વધી છે. 9 દિવસમાં નોંધાયેલા 32 કેસમાંથી 50 ટકાથી વધુ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા હોવાનું આરોગ્ય વિભાગના નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડે જણાવ્યું હતું.

ગઇકાલે એક જ સોસાયટીના 2 સહિત 8 કેસ નોંધાયા
ગઇકાલે શુક્રવારે શહેરમાં કોરોનાના એકસાથે 8 નવા કેસ નોંધાયા હતા. જેમાં એક જ સોસાયટીના બે પોઝિટિવનો સમાવેશ થાય છે. આ કારણે રાજકોટમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 32 થઈ છે. જોકે મોટાભાગના હોમ આઈસોલેશનમાં જ છે. બે કેસમાં મનપાની ટીમ હજુ વિગત લઈ રહી છે. જે આઠ કેસ આવ્યા છે તેમાં મેહુલનગરમાં રહેતા 34 વર્ષના યુવાન અને 58 વર્ષના મહિલા સંક્રમિત થયા છે. આ બંને અગાઉ પોઝિટિવ આવેલા દર્દીના સંપર્કમાં આવ્યા હોવાથી ચેપ લાગ્યાનું નોંધાયું છે.

વેસ્ટ ઝોનમાં કેસની સંખ્યા વધારે
બીજી તરફ ગાંધીગ્રામ વિસ્તારના 45 વર્ષનો યુવાન જે તાજેતરમાં મથુરાથી આવ્યો હતો તેણે ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નવા કેસ સતત વધી રહ્યા છે તેની વચ્ચે એક દર્દીને ડિસ્ચાર્જ જાહેર કરાયા છે. રાજકોટમાં કેસમાં જે વધારો આવ્યો છે તેમાં દર વખતની જેમ વેસ્ટઝોનમાં જ પ્રમાણ વધારે રહે છે. શુક્રવારે જે 8 કેસ આવ્યા તેમાંથી 3 કેસ વોર્ડ નં.11 અને 8ના છે. આ સાથે કુલ એક્ટિવ કેસ 32 થયા છે જ્યારે કેસનો કુલ આંક 63742 પર પહોંચ્યો છે.

8 કેસ ક્યાં વિસ્તારમાં નોંધાયા
ગઈકાલે નોંધાયેલા 8 કેસમાં શાસ્ત્રીનગરમાં 45 વર્ષીય મહિલા, ગાંધીગ્રામમાં 45 વર્ષીય પ્રૌઢ, રેસકોર્સ પાર્કમાં 23 વર્ષીય યુવાન, મવડીમાં 60 વર્ષીય વૃદ્ધા, ઉદયનગરમાં 22 વર્ષીય યુવાન, મેહુલનગરમાં 34 વર્ષીય યુવાન, મેહુલનગરમાં 58 વર્ષીય વૃદ્ધા અને બાબારીયા કોલોનીમાં 36 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે.

શરીરમાં નબળાઈ અને ગળામાં દુખાવાની સમસ્યા વધુ
હાલ જે નવા કેસ આવી રહ્યા છે તેમાં તાવને બદલે શરીરમાં નબળાઈ અને ગળામાં દુખાવાની સમસ્યા વધુ રહે છે આ કારણે જીનોમ સિક્વન્સિંગ માટે કેટલાક સેમ્પલ મોકલવા માટે નિર્ણય કરાયો હતો. એક તરફ શાળાઓના વેકેશન ખુલ્યા છે તેમજ જન્માષ્ટમીનો મેળો યોજવા માટે નક્કી થયું છે તેવામાં ફરી કોરોનાના કેસ વધતા આરોગ્ય તંત્રએ લોકોને તકેદારી રાખવા માટે જણાવ્યું છે. જો કોઈ વ્યક્તિને તાવ આવતો હોય કે નબળાઈ લાગતી હોય અને દવા લેતા પણ સારું થતું ન હોય તો કોરોના ટેસ્ટ કરાવી લેવા. જેથી કેસની સંખ્યા વધતી અટકાવી શકાય.

અન્ય સમાચારો પણ છે...