હનુમાનજયંતી:યાત્રાધામ વીરપુરમાં મહિલાના નામ પરથી પડ્યું પવનપુત્રના મંદિરનું નામ, પુરુષો નહીં, મહિલાઓ પૂજા અને આરતી કરે છે

રાજકોટએક મહિનો પહેલા
  • મંદિરનાં તમામ કામ મહિલાઓ કરે, ભજન-કીર્તન અને હનુમાન ચાલીસાના પાઠ પણ થાય

દીપક મોરબિયા, વીરપુરઃ આજે હનુમાનજીની જન્મજયંતી છે. ભારતભરમાં શ્રીરામભક્ત હનુમાનજી અલગ અલગ સ્વરૂપે બિરાજે છે. આમ તો ભક્તોના દુઃખહર્તા હનુમાનજી સામાન્ય રીતે કપિના સ્વરૂપે પૂજાય છે અને તેમની પૂજા પણ પુરુષો જ કરતા હોય છે. આજે એક એવા હનુમાનજી મંદિરની વાત કરવી છે, જ્યાં પુરુષો નહીં, મહિલાઓ પૂજા અને આરતી કરે છે. આ મંદિર રાજકોટના યાત્રાધામ વીરપુરમાં આવેલું છે. આ મંદિરની વિશેષતા એ છે કે મહિલાના નામ પરથી પવનપુત્રના મંદિરનું નામ ‘સંજાવાળી હનુમાનજી મંદિર’ રાખવામાં આવ્યું છે.

મંદિરનું નામ પડવા પાછળનો ઇતિહાસ
આ હનુમાનજી મંદિરનું નામ સંજાવાળી હનુમાનજી તરીકે ઓળખાય છે, એ પણ એક મહિલાના નામ પરથી જ પડ્યું છે. વર્ષો પહેલાં એક ભરવાડ સમાજની સંજયાબાઈ નામની મહિલા રોજ હનુમાજીની સેવા, પૂજા અને આરતી કરતી હતી. તેમણે મૃત્યુ સુધી અહીં પૂજા અને આરતી કરી હતી. તેમને લઈને આ હનુમાજીનું નામ સંજાવાળી હનુમાનજી રાખવામાં આવ્યું છે. લોકોના કહેવા મુજબ અહીં બિરાજતા માનવ સ્વરૂપ હનુમાનજીનાં દર્શન માત્રથી લોકોનાં દુઃખ-દર્દ દૂર થાય છે. આ સંજાવાળી હનુમાનજીની મૂર્તિ ભક્તોને આશીર્વાદ આપતી મુદ્રામાં બિરાજમાન છે અને અહીં કોઈ સાચા મનથી માનતા કે બાધા રાખે તો સંજાવાળી હનુમાનજી મહારાજ દરેકની મનોકામના પૂરી કરે છે.

રોજ સવાર પડે ને મહિલાઓ મંદિરમાં આવી જાય
આ મંદિરનો ચોક્કસ ઇતિહાસ કે સમયગાળો તો મળતો નથી, પરંતુ એ ખૂબ જ પૌરાણિક અને રાજાશાહી યુગનું હોવાનું જાણવા મળ્યું છે. આ હનુમાનજી મંદિર અન્ય હનુમાનજી મંદિર કરતાં કંઈક અલગ છે. સામાન્ય રીતે કોઈપણ હનુમાજી મંદિરની અંદર કપિ સ્વરૂપે હનુમાનજીની પૂજા-અર્ચના કરવામાં આવતી હોય છે, પરંતુ આ સંજાવાળી હનુમાનજી મંદિરમાં માનવસ્વરૂપે હનુમાજી મહારાજ બિરાજે છે અને મહિલાઓ તેમની પૂજા-અર્ચના કરે છે. સંજાવાળી હનુમાનજી મંદિરમાં રોજ સવાર પડે ને મહિલાઓ આવી જાય છે. મંદિરનાં તમામ કામ મહિલાઓ કરે છે, જેમાં મંદિરની સફાઈથી શરૂ કરીને અહીં બિરાજતા માનવસ્વરૂપ હનુમાજીની પૂજા અને આરતી પણ મહિલાઓ કરે છે.

મંદિરમાં અન્ય દેવી-દેવતાઓ પણ બિરાજમાન
મંદિરમાં રામ, લક્ષ્મણ અને સીતા માતા પણ બિરાજમાન છે તેમજ રાધાકૃષ્ણ પણ બિરાજમાન છે. રોજ સવાર-સાંજ મહિલાઓ પહોંચી જાય અને મંદિરની સાફસફાઈ કરી બાદમાં પૂજા-અર્ચના કરે છે તેમજ દિવસ દરમિયાન ભજન-કીર્તન અને હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવે છે. સીઝન પ્રમાણે હનુમાનજીને અલગ અલગ ફળોનો ભોગ તેમજ મોટા તહેવારોમાં અવનવી વાનગીઓનો ભોગ ધરાવવામાં આવે છે.