તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લેન્ડ ગ્રેબિંગ:2001માં જેનું મોત થયું તેના નામનો 2014માં દસ્તાવેજ બનાવી લીધો, લેન્ડ ગ્રેબિંગના આઠ કેસમાં ફરિયાદ થશે

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 58 અરજીમાંથી 13 દફ્તરે કરી, 37 પેન્ડિંગ રાખવા એન્ટિ લેન્ડ ગ્રેબિંગ કમિટીનો નિર્ણય
  • NRI મહિલાએ મકાન ખાલી કરવા ફોન કરતા ભાડૂઆતે ધમકી આપતા યુકેથી પોલીસને રાવ કરાઈ

રાજકોટમાં એન્ટિ લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકમાં 58 અરજીઓ પર ચર્ચા થઈ હતી. જોકે 37 અરજીઓ હજુ પણ પેન્ડિંગ જ રાખવામાં આવી છે જેમાં ગોંડલના ચર્ચાસ્પદ કેસ સામેલ છે. 13 અરજીને રિજેક્ટ કરી દેવાઈ છે જ્યારે 8માં ફરિયાદ કરવા નિર્ણય કરાયો છે. જે ફરિયાદો થઈ છે તેમાંથી એક કેસમાં તંત્ર જ ફરિયાદી બનશે. રાજકોટમાં 2001માં મોત થયું હતું તે વ્યક્તિની જમીન તેના સંતાનો પાસે હતી ત્યાં અચાનક જમીન વેચાઈ ગઈ છે તેમ કહીને કબજો થતા સંતાનોએ દસ્તાવેજ ચકાસતા તેમના પિતાએ 2014માં વેચ્યાનો ઉલ્લેખ હતો.

સરકારી જમીન પર નકલી સૂચિત સોસાયટી ઊભી કરી દીધી
કોઠારિયાના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં દબાણ ઊભા થતા તેનું ડિમોલિશન કરાયું હતું અને ફરિયાદ પણ થઈ હતી. જોકે એ તપાસમાં બે વ્યક્તિએ સૂચિત સોસાયટીમાં જગ્યા લેવાનું કહ્યું હતું. આ સૂચિત સોસાયટી હતી જ નહિ પણ સરકારી જગ્યામાં બોર્ડ લગાવીને પ્લોટ વેચવાનો પ્રયાસ કર્યો હતો. આ સોસાયટીમાં બે વ્યક્તિના માલિક તરીકે નામ નોંધાયા છે આ વ્યક્તિઓ જ જવાબદાર છે કે પછી બીજા કોઇ તે જાણવા માટે તંત્ર જ ફરિયાદી બનશે.

2007માં કબજા સાથેની જગ્યાનો દસ્તાવેજ કર્યો અને ફસાઇ ગયા
2007માં બે વ્યક્તિ વચ્ચે જમીન લે-વેચનો સોદો થયો હતો. ખરીદનારને ધ્યાને આવ્યું ન હતું કે તે જે જમીન લઈ રહ્યા છે તેમાં 10 કાચા મકાન છે અને દબાણ છે. જમીનનો કબજો લેવા ગયા ત્યારે વાત બહાર આવી અને ત્યારથી તેઓને પોતાની જ જમીનમાં જવા મળ્યું નથી. દબાણકારોએ લાઈટબિલ અને વેરાબિલ પણ મેળવી લઈ લીધા છે આ બધા સામે ફરિયાદ દાખલ થશે.

કોર્ટ કેસ કરી મકાન 20 વર્ષ રાખીશ
યુકે રહેતા એનઆરઆઈ મહિલાનું રાજકોટના સાધુવાસવાણી રોડ પર મકાન છે. આ તેમણે એક વ્યક્તિને ભાડે આપ્યું છે. ભાડા કરાર પૂરો થયા બાદ મકાન ખાલી ન કરતા મહિલાએ યુકેથી ફોન કરીને ખાલી કરવા કહ્યું હતું તો ફોન પર તે શખ્સે ‘મારો કબજો છે કોર્ટ કેસ કરીને મામલો લાંબો ખેચીશ અને 20 વર્ષ સુધી મારી પાસે મકાન રાખીશ’ આ ઓડિયો ક્લિપ સાથે મહિલાએ પોલીસનો સંપર્ક સાધતા કેસ દાખલ કરવા આદેશ કરાયો છે.

ડોક્ટરને મેડિકલ સ્ટોર મોંઘું પડ્યું
મવડી વિસ્તારમાં એક તબીબે નવું ક્લિનિક ખોલ્યું હતું અને તેમાં મેડિકલ સ્ટોર બનાવી એક ફાર્માસિસ્ટને રાખ્યો હતો. જોકે તે ફાર્માસિસ્ટ અને તેના માણસોએ સ્ટોર પર કબજો જમાવી લીધો. ડોક્ટરે પીછો છોડાવવા મેડિકલનું લાઇસન્સ રદ કરાવી નાખ્યું છતાં જગ્યા ખાલી થઈ ન હતી. ફાર્માસિસ્ટ અને તેના માણસોએ તાળાં મારી ધમકી દેતા ડોક્ટરે એન્ટિ લેન્ડ ગ્રેબિંગમાં ફરિયાદ માટે અરજી કરી હતી જે માન્ય રહી છે.

અન્ય સમાચારો પણ છે...