તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ATM સુરક્ષિત નથી:રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂમાં પોલીસ પેટ્રોલિંગના નામે મીંડુ, એક જ રાતમાં CCTV પર કાળો સ્પ્રે મારી ગેસ કટરથી બે બેંકના ATM તોડ્યા, 15.5 લાખની ચોરી

રાજકોટ25 દિવસ પહેલા
એક જ રાતમાં બે એટીએમ તૂટ્યા.
  • ચાર દિવસ પહેલા ત્રિશુળ ચોકમાં એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર શખસની ધરપકડ

કોરોનાની મહામારીમાં રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ ચાલી રહ્યું છે. ત્યારે રાત્રે પોલીસ કર્ફ્યૂના નામે મીંડુ હોય તેવો ઘાટ જોવા મળ્યો છે. રાત્રિ કર્ફ્યૂમાં પોલીસે બહાર નીકળનાર લોકોની પૂછપરછ કરવાની હોય છે અને તેની વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની હોય છે. પરંતુ રાત્રિ કર્ફ્યૂમાં જ તસ્કરોને મોકળું મેદાન મળ્યું હોય તેમ રોજ ચોરીના બનાવ સામે આવી રહ્યાં છે. શહેરમાં ગત રાત્રે બે બેંકના એટીએમ તૂટ્યા હતા. ચોરી કરતા પહેલા તસ્કરોએ બેંકના CCTV પર કાળો સ્પ્રે માર્યો હતા. જેમાં એકમાંથી 12 લાખ અને બીજામાંથી સાડા ત્રણ લાખની ચોરી થઈ છે.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
શહેરના જામનગર રોડ પર નાગેશ્વર સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરોએ અલગ અલગ બે બેંકના એટીએમ ગેસ કટરથી કાપીને એકમાંથી 12 લાખની રોકડ અને બીજામાંથી સાડા ત્રણ લાખની રોકડ ચોરી જતાં બેંકના અધિકારીઓમાં દોડધામ મચી ગઇ છે. ગાંધીગ્રામ પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ જે. જી. રાણા, હીરાભાઇ રબારી અને ડી. સ્ટાફની ટીમો તથા ક્રાઇમ બ્રાંચની ટીમોએ પહોંચી તપાસ શરૂ કરી છે.

ગેસ કટરથી એટીએમ તોડવામાં આવ્યું.
ગેસ કટરથી એટીએમ તોડવામાં આવ્યું.

પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી
વહેલી સવારે એટીએમના સીસીટીવી કેમેરા પર કાળો સ્પ્રે મારી દીધા બાદ ગેસ કટરથી બંને એટીએમને કાપીને ચોરી કરવામાં આવી હતી. જેમાં એક્સિસ બેંકમાંથી 12 લાખ રૂપિયા અને સેન્ટ્રલ બેંકના એટીએમમાંથી સાડા ત્રણ લાખ રૂપિયાની ચોરી થઇ છે. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવા અને આરોપીઓને શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરી છે.

ચાર દિવસ પહેલા એટીએમ તોડવાના પ્રયાસ થયો તેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા.
ચાર દિવસ પહેલા એટીએમ તોડવાના પ્રયાસ થયો તેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા.

ચાર દિવસ પહેલા એટીએમ તોડનાર શખસની ધરપકડ
બીજી તરફ ચાર દિવસ પહેલા જ એટીએમ તોડવાનો પ્રયાસ રાજકોટમાં થયો હતો. આથી પોલીસે એટીએમ તોડનાર શખસની આજે ધરપકડ કરી છે. હજુ ચાર દિવસ પહેલા ત્રિશુલ ચોકમાં એટીએમમાં ઘુસી ચોરીનો પ્રયાસ કરનારને એક તરફ ક્રાઇમ બ્રાંચે પકડી લીધો છે તો બીજી તરફ બે બે એટીએમ તોડી 15.5 લાખની ચોરી તસ્કરોએ કરી છે.

સેન્ટ્રલ બેંકના ATMમાં વાઘ આવ્યો જેવી ઘટના બની
નાગેશ્વર મંદિર પાસેના સેન્ટ્રલ બેંકના એટીએમમાં અગાઉ ત્રણેક વખત ઇમરજન્સી સાયરન વાગી હતી. જેની જાણ થતા તુરંત પોલીસવાન બનાવસ્થળે દોડી ગઇ હતી. પરંતુ પોલીસને એટીએમમાંથી કંઇ હાથ લાગ્યું ન હતુ. ત્યારે તપાસ કરતા એટીએમ રૂમમાં ઘૂસી ગયેલા ઉંદરે એલાર્મના કેબલ તોડી નાંખતા સાયરન વાગી હોવાનું જાણવા મળ્યું હતુ. દરમિયાન ગઇ કાલે ફરી આ જ એટીએમમાં સાચે જ તસ્કરો ઘૂસતા એલાર્મ જ નહિ વાગતા વાઘ આવ્યો રે...વાઘ જેવી ઘટના બની હતી.

બંને એટીએમમાં ચોકીદાર ન હતા
સેન્ટ્રલ બેંક અને એક્સિસ બેંકના એટીએમ તોડી થયેલી ચોરીના બનાવમાં દોડી ગયેલી પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ કરતા સામે સામે આવેલા બંને બેંકના એટીએમની સલામતી માટે રાખવામાં આવતા સિક્યુરિટી ગાર્ડ ત્યાં હાજર મળ્યાં ન હતા. એટીએમ રૂમમાં બેંક દ્વારા સિકયુરિટી ગાર્ડ રાખવામાં આવ્યા હતા કે કેમ, રાખ્યા હોય તો તે હાજર કેમ ન હતા. તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

બે વર્ષ પૂર્વે આ જ વિસ્તારમાં બે ATM તૂટયાં’તાં
પોલીસ સૂત્રના જણાવ્યા મુજબ, આ જ નાગેશ્વર વિસ્તારમાં 2019ના વર્ષની 2 જુલાઇના એક્સિસ સહિત બે બેંકના એટીએમ ગેસ કટરથી તોડી 11.55 લાખના રોકડની ચોરી થઇ હતી. બાદમાં પોલીસે બંને એટીએમ તોડતી ગેંગને પકડી પાડી હતી. ત્યારે ફરી એક વખત એક્સિસ સહિત બે બેંકના એટીએમ તૂટતા બેંક અધિકારીઓ આવી ઘટના અંગે ગંભીર ન હોવાનું ફલિત થયું છે.