તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવચેતી:રાજકોટમાં વાવાઝોડાને પગલે મનપા દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી 1080 લોકોને શિફ્ટ કરાયા, 7 હજારથી વધુ સાઈન બોર્ડ, બેનરો ઉતારી લેવાયા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જ્યુબિલી ગાર્ડન ખાતે કંટ્રોલરૂમ કાર્યરત - Divya Bhaskar
જ્યુબિલી ગાર્ડન ખાતે કંટ્રોલરૂમ કાર્યરત
  • સ્થળ પર જ બોલબાલા દ્વારા સ્થળાંતરિત લોકોના જમવાની વ્યવસ્થા કરવામાં આવી

તાઉ-તે વાવાઝોડાની રાજકોટ શહેરમાં સંભવિત અસરો સામે રાજકોટ મહાનગરપાલિકાએ આવશ્યક પગલાંઓ લેવા માટે અગાઉથી જ પુરતી તૈયારી કરી રાખી હતી અને ભારે તોફાની પવનથી સર્જાતા અકસ્માતોની શક્યતા નિવારી શકાય તે માટે સંખ્યાબદ્ધ આવશ્યક પગલાંઓ લીધા હતાં. જેમાં વાવાઝોડાને પગલે મનપા દ્વારા 7 હજારથી વધુ સાઈન બોર્ડ અને બેનરો ઉતારી લેવાયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાંથી 1080 લોકોને શિફ્ટ કરવામાં આવ્યા હતા.

જમવાની વ્યવસ્થા બોલબાલા દ્વારા કરવામાં આવી હતી
આ અંગે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ એમ જણાવ્યું હતું કે, ત્રણેય ઝોનમાં નાયબ કમિશનર દ્વારા વોર્ડ ઓફિસર, વોર્ડ એન્જિનિયર, ટેક્સ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટર ઉપરાંત ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ, ટીપી શાખા, એસ્ટેટ શાખા, આરોગ્ય શાખા, પ્રોજેક્ટ શાખા, ગાર્ડન શાખા, સહિત અન્ય તમામ સંબંધિત શાખાઓ અને તેનો તમામ સ્ટાફ મારફત તમામ વોર્ડમાં સતત રાઉન્ડ લેવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તથા અલગ અલગ સ્થળોએથી 210 કુટુંબના 1080 લોકોને શિફ્ટ કરાયા છે. આ શહેરીજનો માટે સ્થળ પર જ જમવાની વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. જેમાં સામાજિક સેવાકીય સંસ્થા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બપોરે 1080 લોકોના જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

210 કુટુંબના 1080 લોકોને શિફ્ટ કરાયા છે
210 કુટુંબના 1080 લોકોને શિફ્ટ કરાયા છે

જ્યુબિલી ગાર્ડન ખાતે કંટ્રોલરૂમ કાર્યરત
કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ સ્થળો પરથી ભયજનક જણાતા 7027 જેટલા અલગ અલગ સાઈઝના બોર્ડ બેનરો ઉતારી લેવામાં આવ્યા છે. કોઇ પણ આપાતકાલિન પરિસ્થિતિમાં લોકો તુરંત જ ફરિયાદ કે જરૂરી માહિતીની આપ-લે કરી શકે તે માટે મ્યુનિ. કમિશનરે જ્યુબિલી ગાર્ડન ખાતે (ફોન નં.0281-2225707, અને 0281-2228741) કંટ્રોલ રૂમ કાર્યરત કરાવ્યા છે. જેથી કરીને અને ત્યાં નોંધાતી ફરિયાદોનો ત્વરિત નિકાલ લાવવા તમામ સંબંધિત અધિકારીઓને સતર્ક રહેવા તાકિદ કરી છે.

7027 જેટલા અલગ અલગ સાઈઝના બોર્ડ બેનરો ઉતારી લેવામાં આવ્યા
7027 જેટલા અલગ અલગ સાઈઝના બોર્ડ બેનરો ઉતારી લેવામાં આવ્યા

ઊર્જામંત્રી સૌરભ પટેલની ધોરાજીમાં વાવાઝોડાને લઇ બેઠક
ધોરાજી, જામકંડોરણા અને ઉપલેટા તાલુકાના વિસ્તારોમાં સંભવીત વાવાઝોડા અંગે તકેદારીના પગલાં ભરવા અને તકેદારીમાં શું શું આયોજનો કરવામાં આવ્યાં છે? તે બાબતે ઊર્જા મંત્રી સૌરભ પટેલે આજે ધોરાજી ખાતે બેઠક યોજી અધિકારીઓ પાસેથી વિગતો મેળવીને જરુરી સૂચનો કર્યા હતા. સંભવિત વાવાઝોડાં સામે હોસ્પિટલોમાં વિશેષ વ્યવસ્થા, પાણી પુરવઠો, વીજ સપ્લાય અને રસ્તા બંધ ન થાય તે બાબતે આયોજનબદ્ધ રીતે તમામ વિભાગોએ સંકલનમાં રહીને કામગીરી કરવા તાકીદ કરી હતી. આ સમયે કોરોના મહામારીને ધ્યાને લઇને હોસ્પિટલોમાં સુવિધા વીજ પુરવઠો સતત રહે તે માટે જનરેટર સેટ, રોડ-રસ્તા પર પરિવહન સુચારૂ ચાલુ રહે તથા ઓક્સિજન સપ્લાય અને સલામતી અંગેની વ્યવસ્થા માટે વહીવટી તંત્ર પોતાની અસરકારક કામગીરી માટે આયોજન કરે તે અંગે પણ સૂચનાઓ આપી હતી.