ભાસ્કર બ્રેકીંગ:રાજકોટમાં માતાએ પ્રેમી સાથે મળી 5 વર્ષના પુત્રની ઝેરી દવા ખવડાવી હત્યા કરી લાશને ગોંડલ પાસે દફનાવી; અજાણ્યા શખ્સે ભાંડો ફોડ્યો

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • રાજકોટ આજી ડેમ પોલીસ આજે ગોંડલ જઇને દાટેલી લાશને બહાર કાઢશે
  • બે માસ પહેલાની ઘટના અંગે પોલીસને નનામી અરજી થયા બાદ તપાસમાં થયો ભાંડાફોડ

રાજકોટમાં રહેતી અને ગોંડલમાં પરણાવેલી પરિણીતાએ પ્રેમીને પામવા માટે પોતાના પાંચ વર્ષના બાળકને ઝેરી ટીકડાં ખવડાવી મોતને ઘાટ ઉતારી દઇ લાશને ગોંડલ નજીક ખાડો ખોદી દાટી દીધી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. રાજકોટ આજી ડેમ પોલીસમથકનો સ્ટાફ આજે ગોંડલ જઇને જ્યાં લાશ દાટી દેવાઇ છે ત્યાંથી બાળકની લાશ બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાવી આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરે તેવી સંભાવના છે.

ફેબ્રુઆરીમાં ઝેરી ટીકડાં ખવડાવ્યાં હતા
રાજકોટના માંડાડુંગર વિસ્તારમાં રહેતી અમીષા નામની યુવતીના ગોંડલમાં રહેતા હિતેષ કોળી સાથે લગ્ન થયા હતા. ગત ફેબ્રુઆરી મહિનામાં અમીષા પોતાના પિયર રાજકોટ માંડાડુંગર આવી હતી. આ સમયે તે તેના મુન્ના નામના પ્રેમીને અવારનવાર મળતી હતી, પરંતુ પોતાનો જ પાંચ વર્ષનો પુત્ર પ્રેમસંબંધમાં આડખીલીરૂપ થતો હોય અમીષા અને તેના પ્રેમી મુન્નાએ પાંચ વર્ષના બાળકને પતાવી દેવાનો પ્લાન ઘડ્યો હતો. અને તેના ભાગરૂપે જ ગત ફેબ્રુઆરી મહિનામા અમીષાએ તેના પુત્રને ઝેરી ટીકડાં ખવડાવી હત્યા કરી નાખી હતી. ​​​​​​​લાશને રાજકોટમાં દફન કરવામાં આવે તો સગાંસંબંધીઓને જાણ થઇ જાય આથી પ્રેમીપંખીડાં અમીષા અને મુન્નાએ બાળકની લાશને ગોંડલ લઇ જઇને દફનાવી દીધી હતી અને જાણે કંઇ બન્યું જ ન હોય તેમ બન્ને પોત પોતાના ઘેર ચાલ્યા ગયા હતા.

અજાણ્યા શખ્સે અરજી કરતા ભાંડો ફૂટ્યો
ઉપરોક્ત ઘટનાને દોઢેક મહિનાનો સમય થઇ ગયો હશે ત્યારે કોઇ અજાણી વ્યક્તિએ ગોંડલ પોલીસને અરજી કરી હતી અને અમીષાએ તેના પાંચ વર્ષના પુત્રની પ્રેમી માટે હત્યા કરી હોવાનું અને લાશને ગોંડલ પાસે દાટી દીધાનો ઉલ્લેખ કર્યો હતો. ગોંડલ પોલીસે નનામી અરજી સંદર્ભે અમીષા અને મુન્ના સહિતના શખ્સોની પૂછપરછ કરતા નનામી અરજીમાં કરાયેલી વિગતો સાચી સાબિત થઇ હતી.આથી રાજકોટ આજી ડેમ પોલીસને આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે.​​​​​​​ લાશને જ્યાં દાટી દેવામાં આવી છે ત્યાં આજે રાજકોટ આજી ડેમ પોલીસ જશે અને લાશ દાટી દેવામાં આવી છે કે કેમ ? તે અંગે તપાસ કરશે. ત્યાર બાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે. તેમ ટોચના પોલીસ સુત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું.