રાજકોટમાં રહેતા એક વૃદ્ધા થોડા દિવસ પહેલા કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી જતા તેના દીકરાને આઘાત લાગી જતા હૃદયરોગનો હુમલો આવતા તેનું નિધન થયું હતું. દીકરાના નિધનના 15 દિવસ બાદ પુત્ર વિયોગમાં માતા ફરી ઘરની બહાર નીકળીને બેડી ચોકડી સુધી પહોંચી ગયા હતા. આ અંગેની જાણ 181ની ટીમને થતા બેડી ચોકડીએ પહોંચી હતી અને વૃદ્ધાની પૂછપરછ કરીને તેના પરિવારજનો વિશે જાણકારી મેળવ્યા બાદ તેનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
181 ટીમના કાઉન્સેલર ચંદ્રિકાબેન મકવાણાએ જણાવ્યું હતુ કે, મંગળવારે મહિલા હેલ્પલાઇનમાં ફોન આવ્યો હતો કે, જેતપુરના કોઈ માજી બસમાં બેસી બેડી ચોકડી આવી ગયા છે. ટીમે ત્યાં પહોંચી તો જોવા મળ્યું કે, પીડિત મહિલા એક હોટેલ પાસે દયનીય હાલતમાં સૂતા હતા. પૂછપરછ કરતા તેમણે જણાવેલ કે, તેમના દીકરા જેતપુર કોલેજની બાજુમાં રહે છે અને દીકરો પકોડા વેચે છે. માજી દિવ્યાંગ હોય તેમને વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગયેલ. પૂછપરછમાં પોતાના પરિવારની જાણકારી આપી.
વૃદ્ધા પાસે રહેલો થેલો ચેક કરતા અંદરથી એક નાનું પાકીટ મળી આવ્યું હતું. જેમાં પીડિતના દીકરી તથા દીકરા અને દીકરાના નામ અને સરનામું મળી આવ્યું હતું. પરિવારજનો સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે રાજકોટમાં જ રહેતા હોવાનું જણાવ્યું હતું. અને ઘરના વૃદ્ધ મહિલા ઘરની બહાર નીકળી ગયા હોવાથી તેઓ અજાણ હતા. 181 સાથેની વાતચીતમાં વૃદ્ધાના પરિવારજનોએ જણાવ્યું હતું કે, વૃદ્ધા અવાર- નવાર આ રીતે ઘરની બહાર જતા રહે છે. દીકરાના મૃત્યુ બાદ તેઓ આઘાતમાં રહે છે.
દીકરાના નિધનનો આઘાત તેઓ સહન નથી કરી શક્યા. આથી માનસિક રીતે ભાંગી ગયા છે. વૃદ્ધાને પોતાના દીકરાના નિધન બાદ તેને ઘરમાં ક્યાંય ગમતું નથી. આથી, તેઓ નીકળી ગયા હોવાની સંભાવના છે. 181ની ટીમને સ્થળ પરથી માલૂમ પડ્યું કે, માજી જે વિસ્તારમાં રહે છે ત્યાંથી રોડ અને રિક્ષા સ્ટેન્ડ પણ દૂર પડે છે અને માજી અપંગ હોવાથી એટલે ચાલી પણ ન શકે. 181ની ટીમે પરિવાર અને વૃદ્ધાનું કાઉન્સેલિંગ પણ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.