વિવાદ:વહુએ બનાવેલી રસોઇ સાસુ ફેંકી દેતા અને કહેતા ‘તને ક્યાં કઇં આવડે છે’

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજા લગ્નમાં પણ પરિણીતાને સુખ નહીં, સાસરિયાનો ત્રાસ
  • કોઠારિયા રહેતા પતિ, સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી

શહેરના મવડી વિસ્તારમાં માવતરે રહેતી એંજલ નામની પરિણીતાએ કોઠારિયામાં રહેતા પતિ ચિરાગ, સસરા પરષોત્તમભાઇ રામજીભાઇ બારસિયા અને સાસુ હંસાબેન સામે ઘરેલુ હિંસા હેઠળ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બીસીએ સુધીનો અભ્યાસ કરનાર એંજલબેને નોંધાવેલી ફરિયાદ મુજબ, તેના અને ચિરાગના બંનેના આ બીજા લગ્ન છે. તેનું પ્રથમ લગ્નજીવન માત્ર 20 દિવસ જ ચાલ્યું હતું. છ વર્ષ પહેલા પ્રથમ લગ્નના છૂટાછેડા બાદ ગત નવેમ્બર મહિનામાં ચિરાગ સાથે જ્ઞાતિના રીતરિવાજ મુજબ બીજા લગ્ન કર્યા હતા.

લગ્નના પંદર દિવસ બાદ સાસરીમાં રાંદલના લોટા તેડાવ્યા હોય સાસુ હંસાબેન સાથે લોટી બાબતે ઝઘડો કર્યો હતો. પતિ ચિરાગ કામ અર્થે બહારગામ જાય ત્યારે સાસુ-સસરા ઘરકામ મુદ્દે ઝઘડા કરી ગાળો ભાંડતા હતા. પોતે રસોઇ બનાવે તો સાસુ રસોઇ બહાર ફેંકી દઇ તને રસોઇ કરતા આવડતી નથી તેમ કહી મેણાંટોણાં મારતા હતા. લગ્નના દોઢ મહિના બાદ પોતાની તબિયત બગડતા પતિને દવાખાને લઇ જવાનું કહેતા તે કોઇ બહાનું બતાવી વાતને ટાળી દેતા હતા. જેથી માતા-પિતાને ફોન કરી તબિયત અંગે જાણ કરતા તેઓ સાસરે આવી પોતાને તેડી ગયા હતા અને પિયરમાં સારવાર કરાવી હતી.

ત્યાર બાદ પતિને અનેક વખત કહેવા છતાં તેઓ તેડવા ન આવતા સાડા પાંચ મહિનાથી પિયરમાં છે. સમાધાન માટે અનેક પ્રયાસો કરવા છતાં પતિ કે તેમના માતા-પિતાએ કોઇ પ્રત્યુત્તર નહિ આપતા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મહિલા પોલીસમથકના એએસઆઇ એ.કે.સાંગાણીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે અન્ય બનાવમાં ગંજીવાડામાં રહેતો ચંદ્રેશ ધનજી ખીમસુરીયા (ઉ.વ.20) શેઠ હાઇસ્કુલ પાસેથી સ્કુટર પર શંકાસ્પદ હાલતમાં પસાર થતા ભક્તિનગર પોલીસે તેને અટકાવ્યો હતો. અને સ્કુટરની ડેકી ખોલતા તેમાથી એક બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને સ્કુટર સહિત રૂ.30500નો મુદ્દામાલ જપ્ત કરી ચંદ્રેશની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...