આપઘાતની કોશિશના વધુ ત્રણ બનાવમાં બે પરિણીતા અને યુવાને આપઘાતની કોશિશ કરતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. હંસરાજનગર-1માં રહેતા સુમિતાબેન વિજયભાઇ ભૂરિયા નામની પરિણીતાએ ગત મોડી રાતે તેના ઘરે ઘઉંમાં નાંખવાની ઝેરી ટીકડીઓ ખાઇ લીધી હતી. રાત્રીના તબિયત લથડતાં પતિ વિજય તુરંત સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા.
સારવાર લઇ રહેલા સુમિતાબેનના પતિ વિજયે પોલીસને જણાવેલી વિગત મુજબ, પોતે કડિયાકામ કરી ગુજરાન ચલાવે છે. 18 વર્ષના લગ્નજીવન દરમિયાન સંતાનમાં જોડિયા પુત્ર છે. હાલ બંને પુત્ર ખાનગી સ્કૂલમાં ધો.8માં અભ્યાસ કરે છે. કોરોનાકાળ પછી પણ કડિયાકામ ન મળવાને કારણે ઘણા સમયથી આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે.
દરમિયાન બંને પુત્રની રૂ.70 હજારની ફી ભરવાની હોય પોતે અને પત્ની સુમિતા ચિંતિત રહેતા હતા કે જો ફી નહિ ભરીએ તો પુત્રોનો અભ્યાસ બગડશે. પત્ની સુમિતાને આ ચિંતા સતત સતાવતી હોવાને કારણે પગલું ભર્યાનું વિજયભાઇએ જણાવ્યું છે. બીજા બનાવમાં રૈયામાં માતાના ઘરે આવેલા નદીમ યુસુફભાઇ કટારિયા નામના યુવાને આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
પૂછપરછમાં નદીમના છ મહિના પહેલા જ લગ્ન થયા છે. લગ્ન બાદ પત્ની સાથે જૂનાગઢ રહેવા ગયો હતો, પરંતુ કોઇ કામ ન હોવાથી પત્ની તેના માવતર જતી રહી હતી. જે વાતનું માઠું લાગતા રાજકોટ માતાના ઘરે આવી પગલું ભરી લીધાનું જણાવ્યું છે. ત્રીજા બનાવમાં લોધિકાના ચાંદલી ગામે રહેતી સેજલબેન ભીખાભાઇ પરમાર નામની પરિણીતાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી. પરિવારજનોના જણાવ્યા મુજબ, સેજલના લગ્ન બે વર્ષ પહેલા થયા છે. અને ચાર દિવસ પહેલા જ સેજલના પતિ ભીખાભાઇનું મોત નીપજતા તે પતિના વિયોગમાં ગુમસુમ રહ્યા કરતી હતી. બાદમાં સેજલે પગલું ભર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.