વિશ્વ અનાથ દિવસ:રાજકોટમાં તીક્ષ્ણ હથિયારના 20 ઘા મારેલી હાલતમાં માતાએ બાળકીને તરછોડેલી, 3 મહિને સાજી થઈ, CPએ અંબા નામ રાખ્યું, ઈટાલીના દંપતીએ દત્તક લીધી

રાજકોટ5 મહિનો પહેલા
  • ફેબ્રુઆરી 2020માં ઠેબચડા ગામની સીમમાંથી અંબાને માતાએ ગંભીર હાલતમાં તરછોડી હતી
  • કલેક્ટર, કમિશનર, તત્કાલિન CM રૂપાણીએ અંબાને નવજીવન મળે તે માટે પ્રાર્થના કરી હતી

આજે વિશ્વ અનાથ દિવસ છે, ત્યારે દુનિયાભરમાંથી જેના શ્વાસ માટે પ્રાર્થના અને દુઆ થઈ હતી તે રાજકોટની ‘અંબા’ ટૂંક સમયમાં ઈટાલી પહોંચશે. ફેબ્રુઆરી 2020માં રાજકોટની ભાગોળે મહિકા અને ઠેબચડા ગામની વચ્ચે નિર્દયી રીતે તરછોડાયેલી ‘અંબા’ તીક્ષ્ણ હથિયારના 20 ઘા મારેલી હાલતમાં લોહીલુહાણ મળી આવી હતી. ત્રણ મહિના બાદ હોસ્પિટલના બિછાને મોત સામે લડીને તેણે જીતી મેળવી હતી. એ વખતે કલેક્ટર, કમિશનરથી લઈને ખુદ તત્કાલીન CM વિજય રૂપાણીએ અંબાને નવજીવન મળે એ માટે ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરી હતી. હવે તે અંબાને આશરો મળ્યો છે. અંબાને ઇટાલીના દંપતીએ દત્તક લીધી છે.

ગુંથર દંપતી ‘અંબા'ને દત્તક લીધી
હવે સૌકોઇની લાડકવાયી અંબાને માતાની મમતા અને પિતાનો પ્રેમ મળશે. છેલ્લા દોઢ વર્ષથી કાઠિયાવાડ બાલાશ્રમના સંચાલકોની સાથે ‘અંબા’ હવે સંપૂર્ણ સ્વસ્થ છે. થોડા સમય પહેલાં તેની દત્તકવિધિ માટે પ્રોસિજર કરવામાં આવી હતી, જેમાં ઈટાલીના ગુંથર દંપતીએ અંબાને દત્તક લેવા માટેની કાર્યવાહી પૂરી કરી છે અને હવે ટૂંક સમયમાં અંબા ઈટાલી પહોંચશે. અંબાને સ્પેશિયલ કાઠિયાવાડ બાલાશ્રમમાં સ્પેશિયલ દેખરેખની કેટેગરીમાં મૂકવામાં આવી હતી. ખુશીની વાત એ છે કે અગાઉ પણ ગુંથર દંપત્તીએ ભારતમાંથી જ એક બાળક દત્તક લીધેલું છે અને હવે ‘અંબા’ તેનું બીજું સંતાન બનશે.

અત્યારસુધીમાં કાઠિયાવાડ બાલાશ્રમ 350 જેટલાં બાળકો વિદેશ પહોંચ્યાં
કાઠિયાવાડ બાલાશ્રમના સુપરિન્ટેન્ડેન્ટ પ્રભાબેન ભેંસડિયાએ જણાવ્યું હતું કે ત્રણ મહિનાની લાંબી સારવાર બાદ હોસ્પિટલમાંથી વહાલસોયી દીકરીને પરિવાર મળ્યો છે. અંબા શારીરિક અને માનસિક રીતે નબળી હતી. અત્યારે અંબા બે વર્ષની થઈ છે અને હવે સંપૂર્ણ સ્વસ્થ છે. ઉલ્લેખનીય છે કે અત્યારસુધીમાં કાઠિયાવાડ બાલાશ્રમ 350 જેટલાં બાળકો વિદેશ પહોંચ્યાં છે. આજથી બે વર્ષ પહેલાં શહેરની ભાગોળે ઠેબચડાની સીમમાંથી અંબા મળી હતી. એ વખતે કૂતરાના મુખમાંથી આસપાસના યુવકોએ તેને છોડાવી હતી અને પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને ત્રણ માસની સઘન સારવાર બાદ તે સ્વસ્થ થઈ હતી.

કાઠિયાવાડ બાલાશ્રમમાં અંબાનો ઉછેર થઈ રહ્યો છે.
કાઠિયાવાડ બાલાશ્રમમાં અંબાનો ઉછેર થઈ રહ્યો છે.

અંબા રક્તરંજિત હાલતમાં મળી આવી હતી
2020ના ફેબ્રુઆરી મહિનામાં મહિકા અને ઠેબચડા ગામની વચ્ચે એક નવજાત તરછોડાયેલી દીકરી મળી આવી હતી. 108ની ટીમ જ્યારે ઘટનાસ્થળ પર પહોંચી હતી ત્યારે તરછોડાયેલી દીકરી રક્તરંજિત હાલતમાં હતી. 108ની ટીમ દ્વારા પ્રથમ તો આ દીકરીને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એ બાદ વધુ સારવાર અર્થે દીકરીને રૈયા ચોકડી સ્થિત અમૃતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

અમૃતા હોસ્પિટલમાં અંબાની ત્રણ મહિના સુધી સારવાર ચાલી હતી.
અમૃતા હોસ્પિટલમાં અંબાની ત્રણ મહિના સુધી સારવાર ચાલી હતી.

ગંભીર ઇજાને કારણે અંબાનું બચવું મુશ્કેલ હતું
શરૂઆતના સમયે હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. બાળકીનું સોનોગ્રાફી અને સીટી સ્કેન કરાવાતાં તેને લિવર અને ફેફસાંમાં પણ ઇજા હોવાનું ખૂલ્યું હતું. પોલીસે બાળકીને તરછોડનાર ક્રૂર જનેતાની ભાળ મેળવવા ઠેબચડા અને આસપાસનાં ગામોની પ્રસૂતાઓની માહિતી મેળવી એ દિશામાં તપાસ કેન્દ્રિત કરી હતી. જોકે હજુ સુધી અંબાને તરછોડનાર તેનાં માતા-પિતાની ભાળ મળી નથી.

કાઠિયાવાડ બાલાશ્રમમાં અંબાનો સ્પેશિયલ કેટેગરીમાં ઉછેર.
કાઠિયાવાડ બાલાશ્રમમાં અંબાનો સ્પેશિયલ કેટેગરીમાં ઉછેર.

અંબાને લિવર સુધી ઊંડા ઘા પડ્યા હતા
અંબાના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા હતા અને લિવર સુધી ઘા પહોંચ્યા હોવાથી તેની હાલત ખૂબ જ ગંભીર હતી. ઠેબચડાની સીમમાંથી બાળકીને ઉઠાવીને જતા શ્વાનના મોઢામાંથી અંબાને છોડાવીને તેને કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાળકીને માત્ર શ્વાનના દાંતની જ નહીં, પરંતુ તીક્ષ્ણ હથિયારના 20 ઘાની પણ ઇજા થઈ હતી. અંબાની હાલત કફોડી બનતાં તત્કાલીન કલેક્ટર રેમ્યા મોહનની સૂચનાથી તેને અમૃતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અંબા પર ઝનૂનથી ઘા ઝીંકવામાં આવ્યા હતા અને એને કારણે શરીરના ઊંડાણ સુધી તેની ઇજા પહોંચી હતી, લિવર સુધી તીક્ષ્ણ ઘા પહોંચ્યા હોવાથી લિવર સહિતના ઇન્ટર્નલ ઓર્ગન ડેમેજ થયા હતા. ત્રણ મહિના સુધી સારવાર ચાલતા અંબા સ્વસ્થ બનતાં કાઠિયાવાડ બાલાશ્રમમાં મોકલવામાં આવી હતી. અહીં તેની સારી રીતે દેખરેખ રાખવામાં આવી રહી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે અંબા નામ રાખ્યું હતું.
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે અંબા નામ રાખ્યું હતું.

સાજી થતાં અંબાએ સ્મિત આપતા પોલીસ કમિશનર ભાવવિભોર થયા હતા
8મી માર્ચ 2020ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા અમૃતા હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલી દીકરી અંબાની મુલાકાત લેવામાં આવી હતી. અંબાને મળ્યા બાદ લેટ્સ પ્રે ફોર અંબા નામના બોર્ડમાં મનોજ અગ્રવાલે પોતાની સંવેદના લખતાં જણાવ્યું હતું કે ‘ વહાલી અંબા, વિશ્વ આખું તારા માટે પ્રાર્થના કરી રહ્યું છે. તે આજે જે સ્મિત મને આપ્યું એનાથી મારો આખો દિવસ બની ગયો. હું ઈશ્વરનો આભાર માનું છું.’

ગત નવરાત્રિએ અંબા મા અંબાના ખોળામાં બેસી હતી.
ગત નવરાત્રિએ અંબા મા અંબાના ખોળામાં બેસી હતી.

ગત પ્રથમ નોરતે જ અંબાને મા અંબાના ખોળામાં રાખી હતી
ગત નવરાત્રિમાં માતાજીના પ્રથમ નોરતે રાજકોટ પોલીસની દીકરી અંબાને પોલીસ હેડક્વાર્ટર સ્થિત અંબે માતાજી મંદિર ખાતે લાવી માતાજીના ખોળામાં બેસાડી તેના લાંબા સ્વસ્થ અને નીરોગી આયુષ્ય માટે પ્રાર્થના કરી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

પોલીસે લેટ્સ ફોર અંબા નામથી સાઈન બોર્ડ ચલાવી અંબાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.
પોલીસે લેટ્સ ફોર અંબા નામથી સાઈન બોર્ડ ચલાવી અંબાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.