રાજકોટ શહેરમાં પુરજોશથી વેક્સિનેશન ચાલી રહ્યું છે, પણ સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો અંધશ્રદ્ધા અને ડરના કારણે રસીથી દૂર ભાગી રહ્યા છે. ત્યારે વેક્સિનેશન પ્રત્યે જાગૃતિ લાવવા માટે જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની ટીમને ગામડામાં મોકલવામાં આવી છે. આજથી મનોવિજ્ઞાન ભવનની ટીમ ગામડામાં જઈ સર્વે કરી વેક્સિન અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરશે. આ અંગે વાત કરતા સૌરાષ્ટ્ર યૂનિવર્સિટી મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણે જણાવ્યું હતું કે,ગામડાના લોકો એવું વિચારે છે કે શહેરમાં સારી વેક્સિન આપે છે, ગામડામાં અલગ પ્રકારની વેક્સિન અપાય છે. માટે લોકોના મનમાંથી અંધશ્રદ્ધા દૂર કરવા પ્રયાસ કરી રહ્યા છીએ.
જનપ્રતિનિધિનાં ગામોની સ્થિતિ
આ અફવાઓ અને અંધશ્રદ્ધા દૂર કરવામાં તંત્ર દ્વારા પ્રયાસ તો શરુ થયા છે, પણ પ્રજાના પ્રતિનિધિઓ પણ આ કામ કરવા આગળ ન આવ્યા, જેમ કે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું મૂળ ગામ જનડા છે, પણ તેઓ અમરાપુર ખાતેની સંસ્થામાં રહીને લોકોની સેવા કરે છે. આ અમરાપુરમાં 45 કરતાં વધુ લોકોના વેક્સિન માટે 786નો ટાર્ગેટ નક્કી કરાયો હતો, પણ પહેલો ડોઝ 139 અને બીજો ડોઝ માત્ર 38 લોકો લેવા આવ્યા અને 17 ટકા જેટલી જ કામગીરી થઈ ચૂકી છે. જ્યારે તેમના મૂળ ગામ જનડામાં પણ 40 ટકા જેટલું રસીકરણ થયું છે.
લોકો આ પ્રકારની અફવાઓ-ગેરમાન્યતાનો શિકાર
ઉપલેટાના ગાધા અને સંધી કલારિયા ગામમાં એકપણ વ્યક્તિએ રસી નથી લીધી
ઉપલેટા તાલુકાના ગાધા ગામના સરપંચે જણાવ્યું હતું કે 125ની વસતિ ધરાવતા ગામમાં મજૂર લોકો વાડીમાં રહે છે, જેથી શહેરી વિસ્તાર સાથે કોઈ સંપર્ક ન હોવાથી કોરોના સહેજ પણ ન થાય એવું કહીને ગામના લોકોએ રસી લેવાની ના પાડી હતી. સંધી કલારિયા ગામમાં 750ની વસતિમાં એકપણ વ્યક્તિએ રસી લીધી નથી.ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં કુલ 650 ગામ છે, એમાંથી 98 ગામમાં 20 ટકા કરતાં ઓછું રસીકરણ, જ્યારે 40 ગામમાં 10 ટકા કરતાં ઓછા લોકોએ રસી લીધી છે, જે સાબિત કરે છે કે સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ જિલ્લામાં અંધશ્રદ્ધા અને અફવાઓ કેટલું ઘર કરી ગઈ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.