રાજકોટ ક્રાઇમ ન્યુઝ:લુખ્ખા તત્વો બેફામ, મધરાત્રે કોન્ટ્રાકટરના ઘર ઉપર સોડા બોટલના ઘા કર્યા

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
સોડા બોટલના ઘા કરી ભારે નુકસાન કર્યુ - Divya Bhaskar
સોડા બોટલના ઘા કરી ભારે નુકસાન કર્યુ

રાજકોટમાં ગુનાખોરીનો દિવસેને દિવસે વધતી જાય છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શહેર પોલીસ તંત્રમાં અધિકારીઓના ઢગલા કરી દીધા છે આમ છતાં ગુનાખોરી બેફામ વકરી રહી છે. ગઈકાલે સાંજે સામાન્ય બાબતે થયેલી માથાકુટ સંદર્ભે પોલીસમાં અરજી કરતાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હતાં અને મોડીરાત્રીના કોન્ટ્રાકટરના ઘર ઉપર બેફામ સોડા બોટલના ઘા કરી ભારે નુકસાન કર્યુ હતું. મધરાત્રે ઓચિંતો હુમલો થતાં પરિવાર રૂમમાં પુરાઈ ગયો હતો અને મોડીરાત્રે પોલીસ કંટ્રોલરૂમને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પરંતુ હુમલાખોરો ભુર્ગભમાં ઉતરી ગયા હતાં. રૈયા ગામમાં સ્મશાનની સામે આવેલ ખોડિયારનગરમાં રહેતા રણજીતભાઈ ધુડાજીભાઈ પરમાર (ઉ.વ.56) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં ખોડીયારનગરમાં જ રહેતો નવાબ, અંકિત અને અખ્તર ઉર્ફે ભુરાનું નામ આપ્યું છે.

અભ્યાસની ચિતામાં યુવતીએ ફીનાઇલ પીધું
ભાર વિનાના ભણતરના સ્લોગન વચ્ચે વિધાર્થીઓના આપઘાત અને આત્મહત્યાના પ્રયાસોની ઘટનાઓ અવાર નવાર સામે આવી રહી છે ત્યારે લોધિકામાં રહેતી અને રાજકોટમાં આવેલી કુંડલીયા કોલેજમાં અભ્યાસ કરતી 20 વર્ષની યુવતી ગઇકાલે સાંજના 6 વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી એ સમયે ફીનાઇલ પી લીધું હતું જેથી યુવતીને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હિસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે લોધિકા પોલીસને જાણ કરતા લોધિકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં ફીનાઇલ પી લેનાર યુવતી એક ભાઈ અને એક બહેનમાં નાની અને રાજકોટમાં આવેલી કુંડલીયા કોલેજમાં અભ્યાસ કરતી હોવાનું સામે આવ્યું છે. યુવતીએ અભ્યાસની ચિતામાં ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવતા પોલીસે નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.

ગાયે મહિલા પર હુમલો કરતા ઇજાગ્રસ્ત
રાજકોટ શહેરના પોપટપરા વિસ્તારમાં મધ્યસ્થ જેલ પાછળ આવેલ 53 વારિયા ક્વાટર્સ નામે ઓળખાતા વિસ્તારમાં રહેતા રજુબેન મનોજભાઈ સુરેખા (ઉ.વ.27) સાંજે 7 વાગ્યા આસપાસ પોતાના ઘર પાસે ઉભા હતા. ત્યારે ગાયે શીંગડાથી ઢીંકે ચડાવતા રજુબેન નીચે પડ્યા હતા. જેથી તેઓને શરીર પર મુંઢ ઈજા પહોંચી હતી. પોતે હજુ યુવાન હોય અને આસપાસના લોકો પણ દોડી આવ્યા હોય રખડતા બિનવારસુ ઢોરને ત્યાંથી હાંકી કાઢેલ અને રજુબેનને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. આ બનાવ પછી ફરી એકવાર રખડતા ઢોર અંગે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ શહેરીજનોમાં ઉઠી છે.

કારખાનામાં કામ કરતી સગીરાએ આપઘાતનો પ્રયાસ કર્યો
રાજકોટના શ્રી હરિ ઇન્ડસ્ટ્રી એરિયામાં રહેતી અને કારખાનામાં કામ કરતી સગીરાએ આજે સવારના 9 વાગ્યાની આસપાસ કારખાનામાં ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતા થોરાળા પોલીસે બનાવ અંગે સગીરાનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.

ઉપલેટામાં દિવામાં ભડકો થતાં દાઝી જતા મહિલાનું મોત
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઢાંક રોડ પર ફુલ પાનવાળી શેરીમાં રહેતાં હંસાબેન ભરતભાઇ શીશાંગીયા (ઉ.વ.52) નામના મહિલાનું દાઝી જતાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હંસાબેન તા. 22 ઓક્ટોબરના રોજ ઘરે દિવામાં ભડકો થતાં દાઝી જતાં સ્‍થાનિક હોસ્‍પિટલમાં સારવાર લીધા બાદ રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગત રાતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હાલ ઉપલેટા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીમારીથી કંટાળી પરિણીતાએ ઝેરી દવા પીધી
રાજકોટ જિલ્લાના જામકંડોરણાના ખાટલી ગામે ભાણાભાઈ પટેલની વાડીએ રહેતા રેખાબેન જયસુખભાઇ મકવાણા (ઉ.વ.23) એ ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જો કે અહીંયા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં પરણીતાને પડખામાં દુ:ખાવો હોય અને દુ:ખાવાથી કંટાળી ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે જામકંડોરણા સરકારી દવાખાને મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

જેતલસરમાં ઉદ્યોગપતિના સગીર પુત્રએ ગળેફાંસો ખાધો
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામમાં રહેતા ઉદ્યોગપતિ સુનિલભાઇ ગોંડલીયાના સગીર પુત્રએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઉદ્યોગપતિનો 16 વર્ષનો પુત્ર પોતાના ઘરે હતો ત્યારે તેને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા જેતપુર તાલુકા પોલીસ ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. જો કે આપઘાતનું કારણ શું હતું તે અંગે પરિવારજનો અજાણ હોવાથી પોલીસે મૃતદેહનું પોસમોર્ટમ કરાવી તરૂણે શા માટે આત્મહત્યા કરી તે અંગે ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

પોલીસે 19 આરોપીની ધરપકડ કરી.
પોલીસે 19 આરોપીની ધરપકડ કરી.

રાજકોટ રૂરલ પોલીસે જુગાર ક્લબ ઝડપી
રાજકોટ રૂરલ LCB પોલીસે જુગાર ક્લ્બ પર દરોડો પાડી 11.56 લાખના મુદામાલ સાથે 19 આરોપીની ધરપકડ કરી છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના થોરીયાળી ગામે ઘોડીપાસાની જુગાર ક્લબ ચાલતી હોવાની ચોક્કસ બાતમીના આધારે રૂરલ LCB પોલીસે રેડ કરી હતી. દરમિયાન 19 આરોપીઓ જુગાર રમતા મળી આવતા તેની પાસેથી 3.50 લાખ રોકડ સહિત કુલ 11.56 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપીઓ પૈકી તન્વીર ઉર્ફે તની સિસાગીયા, રાજેશ કિહોર, અમીન સીસાંગીયા, દિલાવર ઉર્ફે અમીન સીસાંગીયા અને મોસીન ઉર્ફે મોટાણી અલગ અલગ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યા છે.

2 પિસ્તોલ અને 7 કાર્ટીસ સાથે એક શખ્સની ધરપકડ
રાજકોટ થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 2 પિસ્તોલ અને 7 કાર્ટીઝ સાથે એક આરોપીની થોરાળા પોલીસે ધરપકડ કરી છે. પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે પોલીસે આરોપી અવેશ ઓડિયા પોતાના રહેણાંક મકાન ખાતે છે જેની પાસે ગેરકાયદેસર હથિયાર છે જેથી સ્થળ પર પહોંચી તલાસી લેતા આરોપી અવેશ મળી આવ્યો હતો. જેની તલાસી લેતા તેની પાસેથી પોલીસને રૂપિયા 1 લાખની કિંમતની બે ગેરકાયદેસર પિસ્તોલ અને રૂપિયા 300 કિંમત 3 જીવતા અને 4 મિસ ફાયર થયેલ કાર્ટીસ મળી કુલ 7 કાર્ટીસ સાથે રૂપિયા 1,00,300નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે મિસ ફાયર થયેલ કાર્ટીસનો કઈ જગ્યાએ ઉપયોગ થયો હતો તેમજ હથિયાર કોની પાસેથી લાવ્યો હતો તે સહિતની દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી અગાઉ પણ થોરાળા પોલીસ સ્ટેશનના અલગ અલગ 6 જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

વઢવાણની પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
રાજકોટમાં ગોકુલધામ આરએમસી ક્વાટરમાં રહેતી પરિણીતાએ વઢવાણ બસ સ્ટેન્ડ પાસે એસિડ ગટગટાવી લેતાં પરિણીતાને સુરેન્દ્રનગર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પરિણીતાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે ચાર વર્ષ પહેલાં લગ્ન થયા હતા. જેમાં તેમને આગલા ઘરનો એક પુત્ર પણ છે અને બન્ને રાજકોટમાં ગોકુલધામ ક્વાટરમાં રહી ગુજરાન ચલાવે છે. થોડા દિવસ પહેલા પરિણીતાથી ઘરનો દરવાજો તૂટી જતા બન્ને વચ્ચે માથાકૂટ થઈ હતી અને પતિ થેલો પેક કરી વઢવાણ વતન જતા રહ્યા હતા. ત્યારબાદ ટેલિફોનિક વાતચીતમાં મનાવવા છતાં પતિ પરત ન આવતા પરિણીતા પોતે જ વઢવાણ જતી રહી હતી. જ્યાં બસ સ્ટેન્ડ પાસે પતિ સાથે રકઝક થતા પોતે એસિડ ગટગટાવી લીધી હતું.

અન્ય સમાચારો પણ છે...