વિરાણી હાઇસ્કૂલ પાસે સર્વોદય સોસાયટીમાં આધેડ પર છરીથી હુમલો થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સર્વોદય સોસાયટીમાં રહેતા અશોકભાઇ મોહનભાઇ ભગેણિયા (ઉ.વ.45) સોમવારે રાત્રે સવાબારેક વાગ્યે પોતાના ઘર પાસે ઊભા હતા ત્યારે બે અજાણ્યા શખ્સ તેમની પાસે આવ્યા હતા અને એક છોકરીનું સરનામું પૂછ્યું હતું, થોડીવાર બાદ તે બંને શખ્સ ફરી તેમની પાસે આવ્યા હતા અને બીજા કોઇ વ્યક્તિનું સરનામું પૂછ્યું હતું, અશોકભાઇએ વારંવાર કેમ આવો છો?
તેમ કહેતા બંને ઉશ્કેરાઇ ગયા હતા અને બંનેએ અશોકભાઇને ઢીકાપાટુનો માર માર્યા બાદ એક શખ્સે છરીનો ઘા ઝીંકી દીધો હતો, હુમલો કરી બંને નાસી ગયા હતા, હુમલામાં ઘવાયેલા અશોકભાઇને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી. અન્ય એક બનાવમાં રાજકોટ મધ્યસ્થ જેલમાં રહેલા કેદીએ આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. બનાવની જાણ થતા પ્રદ્યુમ્નનગર પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી.
આપઘાતનો પ્રયાસ કરનાર જંગલેશ્વરનો મહેશ કરશનભાઇ ભોજવિયા હોવાનું જણાવ્યું હતું. તેની પૂછપરછમાં 2018ના વર્ષમાં ગોંડલ તાલુકાના સડક પીપળિયા ગામ પાસેથી રૂ.44 લાખની કિંમતના હેરોઇનના જથ્થા સાથે રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચે પકડી પાડ્યો હતો. બાદમાં પોલીસે કાર્યવાહી કરી રાજકોટ મધ્યસ્થ જેલહવાલે કર્યો હતો.
દરમિયાન ચાર વર્ષથી કાચા કામના કેદી તરીકે રહેલા મહેશ ભોજવિયાએ ગઇકાલે સાંજે જેલના બેરેકમાં તેના જ ચશ્મા ફોડી નાંખી ચશ્માના ગ્લાસના કટકા ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, ક્યા કારણોસર આવું કર્યું તે અંગે મહેશે પોલીસ પાસે મૌન સેવી લીધું હતું. મહેશ સામે એનડીપીએસનો કેસ હોય લાંબા સમય પછી પણ જામીન મળતા ન હોવાને કારણે પગલું ભર્યુ હોવાની પોલીસે શંકા સેવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.