તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓનો પર્દાફાશ:મીટર રીડરે કટકી કરવા ગ્રાહકને 300 યુનિટના વપરાશ સામે 150 યુનિટનું બિલ આપી કૌભાંડ આચર્યું

રાજકોટ3 મહિનો પહેલાલેખક: નિહિર પટેલ
  • કૉપી લિંક
આ એક ગ્રાહકના એક વર્ષનો બિલનો રેકોર્ડ અને પીજીવીસીએલની લેબોરેટરીનો રેકોર્ડ તપાસતા સ્પષ્ટ થાય છે કે, ખોટું મીટર રીડિંગ કરી કૌભાંડ આચરાયું છે. - Divya Bhaskar
આ એક ગ્રાહકના એક વર્ષનો બિલનો રેકોર્ડ અને પીજીવીસીએલની લેબોરેટરીનો રેકોર્ડ તપાસતા સ્પષ્ટ થાય છે કે, ખોટું મીટર રીડિંગ કરી કૌભાંડ આચરાયું છે.
  • ગ્રાહકનું મીટર લેબમાં ચેક કરાવાયા બાદ આખા વર્ષનું 26 હજારનું બિલ ફટકારાયું
  • વીજકંપનીના અનેક સબ ડિવિઝનમાં કોન્ટ્રાક્ટ આધારિત કર્મીઓ રૂબરૂને બદલે ઘેરબેઠા એવરેજ રીડિંગથી ખોટા બિલ ધાબડી દે છે
  • કેટલાક મીટર રીડર કોરોનાના બહાને, કેટલાક ગ્રાહક સાથે સેટિંગ કરી, તો કેટલાકે ગ્રાહકની જાણ બહાર ખોટા બિલ બનાવ્યા

કૌભાંડ અને ભ્રષ્ટાચારને લઈને અનેક વખત વિવાદમાં રહેતી વીજકંપની પશ્ચિમ ગુજરાત વીજકંપની લિમિટેડમાં મીટર રીડિંગ કર્યા વિના ખોટા બિલ આપી કરેલા કૌભાંડનો પર્દાફાશ થયો છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં વીજગ્રાહકોને ઘેર જઈને વપરાશ અંગેનું મીટર રીડિંગ કરવાને બદલે કોન્ટ્રાક્ટ આધારિત મીટર રીડર ઘેરબેઠા જ એવરેજ રીડિંગ કરી ખોટા બિલ ધાબડી દે છે. આવું મોટાભાગના સબ ડિવિઝનમાં બની રહ્યું છે. તાજેતરમાં જ એક વીજગ્રાહકનો દ્વિમાસિક વીજ વપરાશ 300થી વધુ યુનિટનો છે પરંતુ મીટર રીડર આ ગ્રાહકને દર વખતે માત્ર 150 યુનિટનું ખોટું બિલ આપી કૌભાંડ આચરી રહ્યા હતા.

બાદમાં આ ગ્રાહકનું મીટર જ્યારે લેબોરેટરીમાં ચેક કરાવ્યું તો કૌભાંડ બહાર આવ્યું જેમાં છેલ્લા એક વર્ષથી આ ગ્રાહકને ખોટું બિલ આપવામાં આવી રહ્યું હતું. પીજીવીસીએલના દરેક સબ ડિવિઝનમાં આ પ્રકારના 10થી વધુ કેસ બહાર આવી શકે છે. કેટલાક મીટર રીડર કોરોનાના બહાને, કેટલાક ગ્રાહક સાથે સેટિંગ કરી, તો કેટલાક ગ્રાહકની જાણ બહાર આ પ્રકારના ખોટા બિલ બનાવી રહ્યા હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પીજીવીસીએલ તપાસ કરાવે તો અનેક ગ્રાહકોના કિસ્સામાં કૌભાંડ બહાર આવી શકે છે.

આવી રીતે છતું થયું આખું મીટર રીડિંગ કૌભાંડ

1. મીટર રીડર ગ્રાહકને નિયત વપરાશ કરતા 50% બિલ આપી રહ્યા હતા. 2. એક વર્ષ સુધી ગ્રાહક એવરેજ 300ને બદલે 150 યુનિટનું બિલ અપાયું. 3. એક વખત ગ્રાહકને વધુ બિલ આવતા PGVCLમાં ફરિયાદ કરી. 4. વીજકંપનીએ ગ્રાહકનું મીટર લેબોરેટરીમાં ચેક કરવા મોકલ્યું. 5. લેબમાં 1 વર્ષનો મીટર રીડિંગનો અને વપરાયેલા યુનિટનો ડેટા કાઢ્યો. 6. રીડિંગ અને વપરાશમાં ખાસો તફાવત હોવાનું બહાર આવ્યું. 7. તપાસ કરતા માલૂમ પડ્યું કે મીટર રીડર 1 વર્ષથી ખોટું બિલ આપે છે.

ખોટું કરનાર મીટર રીડર્સને સસ્પેન્ડ કરાશે
પીજીવીસીએલ તરફથી હજુ આ પ્રકારની કોઈ ફરિયાદ કે ઈ-મેલ મળ્યો નથી, છતાં જો કોઈ મીટર રીડર બેદરકારી દાખવતા હશે કે ખોટું કરતા હશે તો તેવા મીટર રીડર્સને સસ્પેન્ડ કરી દેવાશે. - ગોપીબેન, ડિરેક્ટર, સ્ટાર બિલિંગ એજન્સી

રીડિંગ વિના બિલ આપે તો ફરિયાદ કરો
ખોટા મીટર રીડિંગ અંગેની હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી પરંતુ જો કોઈ ગ્રાહક સાથે આવું થયું હોય તો તેના સબ ડિવિઝનમાં અથવા સિટી સર્કલમાં મને સીધી ફરિયાદ કરે. - એન.જી.કારિયા, અધિક્ષક ઈજનેર, સિટી સર્કલ, PGVCL

અન્ય સમાચારો પણ છે...