આત્મહત્યા:વ્યાજખોરની ધમકીથી વેપારીએ ઝેરના પારખાં કર્યાં

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કેદીએ હવાલદારના ત્રાસથી ફાંસો ખાધો

શહેરમાં વ્યાજખોરના ત્રાસથી રેડીમેઇડ ગાર્મેન્ટના વેપારીએ ઝેરી દવા પી તેમજ રાજકોટ મધ્યસ્થ જેલમાં કેદીએ ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા બંનેને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. પંચનાથ પ્લોટમાં રહેતા તારક રમેશભાઇ ભૂવા નામના યુવાને બુધવારે સવારે ઝેરી દવા પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી. સારવાર લઇ રહેલા તારકભાઇ ભાનમાં ન હોય પરિવાર અને મિત્રોની પૂછપરછ કરતા તારકભાઇ રેડીમેઇડ ગાર્મેન્ટનો વેપાર કરે છે.

ધંધાના કામે તારકભાઇએ મિત્રો પાસેથી ઉછીના તેમજ વ્યાજે રૂપિયા લીધા હતા, પરંતુ કોરોનાની મહામારીને કારણે ધંધો ઠપ થઇ જતા વ્યાજે લીધેલા નાણાં પરત ચૂકવી શક્યો ન હતો. દરમિયાન તારકભાઇ ભાનમાં આવતા પોલીસે પૂછપરછ કરતા તેને જયપાલ ઝાલા અને દિવ્યરાજ વાઘેલા પાસેથી 26.20 લાખ વ્યાજે રૂપિયા લીધા હતા. જેની બંને વ્યાજખોર પઠાણી ઉઘરાણી કરી ધમકી દેતા હોય કંટાળીને પગલું ભર્યાનું જણાવ્યું છે. બે ભાઇમાં નાના તારકભાઇ અપરિણીત છે.

જ્યારે રાજકોટ મધ્યસ્થ જેલમાં રહેલા કેદી સાહિલ ઇબ્રાહિમ ચૌહાણ નામના કેદીએ બેરેકની બારીમાં ચાદર બાંધી ગળાફાંસો ખાધો હતો. અન્ય કેદી જોઇ જતા તેને બચાવી તંત્રને જાણ કરી હતી. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ઉનાના હત્યા કેસમાં રાજકોટ જેલમાં રહેલા સાહિલ ચૌહાણે હવાલદારના ત્રાસથી કંટાળી પગલું ભર્યાનું રટણ રટતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...