તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌ.યુનિ.નો સ્ટડી કેસ:કોરોના બાદ પેદા થતી માનસિક અશાંતિને રોકવી આવશ્યક, જો તણાવનું વ્યવસ્થાપન નહીં કરીએ તો લાચાર સાબિત થશું

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માનસિક શાંતિ જાળવવા શું કરવું ? આ પ્રશ્ન કોરોના મહામારી પૂરતો સીમિત નથી, કાયમી છે

જીવનનો પંથ કેવળ ફૂલોની કેડી નથી, એ કેડી માં કાંટા પણ ઘણા છે અને અમુક કાંટા તો આપણ ને દેખાતા પણ નથી. જીવન આપણને અનેક તણાવો અને મુશ્કેલીઓની ભેટ આપતું હોય છે – પછી તે ઑફિસના હોય, કામના હોય, કુટુંબના હોય, રસોઈના હોય, દીકરીના હોય, દીકરાની વહુના હોય, બીમારી ના હોય, મહામારી ના હોય, વ્યક્તિગત જીવનના હોય કે સંબંધોના.આપણી આસપાસ રોજ-બ-રોજના જીવનમાં અનેક એવી પરિસ્થિતિઓ હોય છે જે તણાવનું આપણું બટન દબાવી દે છે અને આપણા સર્વશ્રેષ્ઠ પ્રયત્નો છતાં આપણી માનસિક શાંતિને સંપૂર્ણપણે ખોરવી કાઢે છે. આ અંગે . સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણ જણાવે છે કે કોરોના બાદ પેદા થતી માનસિક અશાંતિને રોકવી આવશ્યક છે. જો તણાવનું વ્યવસ્થાપન નહીં કરીએ તો લાચાર સાબિત થશું.

ભારે લાગણીના ઘોડાપૂરને આક્રમકતા પેદા થાય છે
વધુમાં તેઓ જણાવે છે કે,દુનિયા ચિત્ર વિચિત્ર લોકોથી ભરેલી છે. એ આપણને હેરાન પરેશાન કરતા રહે છે. તેઓ આપણો વિરોધ કરતા હોય છે સાથે ઈર્ષા અદેખાઈ કરતા હોય છે, આપણી દુખતી નસ દબાવતા રહે છે. આવા પ્રસંગો, પરિસ્થિતિઓ અને સંજોગો આપણા માટે ક્ષણે ક્ષણે પ્રતિકૂળતા પેદા કરતા રહે છે આપણે વારે વારે હતાશ ને માયુસ બનતા રહીએ છીએ. દુનિયા આખી આપણને ગાંડા કરી મૂકવા માટે એક યોજનાબદ્ધ કાવતરું ઘડવામાં આવેલું છે એવી લાગણી આપણી અંદર ઉદભવે છે. એનો વિચાર કરતા માત્રમાં જ આપણી અંદર એક પ્રકારનો ખળભળાટ પેદા થઈ જાય પરિણામે આપણી અંદર ભારે લાગણીના ઘોડાપૂરને આક્રમકતા પેદા થાય છે.

અશાંતિ માટે લોકો અને પરિસ્થિતિને દોષ આપે છે
વધુમાં ડો.જોગાસણ જણાવે છે કે,અપૂરતી સામાજિક અને મનોવૈજ્ઞાનિક તાલીમને લીધે આમાંનો થોડોઘણો ગુસ્સો આપણે તદ્દન અસ્વસ્થ રીતે વ્યક્ત કરી નાખીએ છીએ ધુઆપુઆં થઇએ, મારી નાખું તોડીનાખું નો ભાવ વ્યક્ત કરીએ, બાકીનો ઘણો આપણા મનમાં ભરી ભંડારી રાખીએ છીએ. હાનિ આપણને બન્ને રીતે થાય છે, અયોગ્ય રીતે વ્યક્ત કરેલો ગુસ્સો સામેની વ્યક્તિમાં વેર, આક્રમકતા અને પલટવાર પેદા કરે છે અને દબાવી રાખેલો ગુસ્સો આપણી અંદર શારીરિક નુકશાની સાથે સાથે વૈમનસ્ય, અંટસ અને મનોશારીરિક રોગ પેદા કરે છે. મનોવૈજ્ઞાનિકો નું માનવું છે કે ગુસ્સો તદ્દન સ્વાભાવિક, તંદુરસ્ત અને ઉપયોગી લાગણી છે જો આપણે વ્યવસ્થિત તેનું મેનેજમેન્ટ કરીએ તો. પણ આપણે એને યોગ્ય રીતે વ્યવસ્થાપન કરીએ નહીં તો એ આપણા પોતાના માટે અને આપણી આસપાસના લોકો માટે ભારે તબાહીનું કામ કરે છે. હું અને તમે આપણી અશાંતિ માટે લોકો અને પરિસ્થિતિને દોષ દેતા રહીએ છીએ એટલે કે દોષનું આરોપણ કરતા રહીએ છીએ.

આવું ન બને તે માટે જીવનશૈલીનું વ્યવસ્થાપન કરો
વધુમાં તેઓ જણાવે છે કે,પરંતુ સ્વસ્થ ચિત્તે વિચાર કરતાં આપણને જણાશે કે આપણી સમસ્યાનું મૂળ આપણી આસપાસના લોકો કે સંજોગોમાં નહીં, પણ આપણી અંદર જ છે; આપણા મનમાં છે, આપણે લોકો કે પરિસ્થિતિ પ્રત્યે આપણી પ્રતિક્રિયા ખોટી રીતે વ્યકત કરીએ છીએ સાથે તેમની પાસે આપણી રુચિ મુજબ ના વર્તનની અપેક્ષા રાખીએ છીએ.દુનિયાના લોકો ચાલાક છે, આપણને એમની પસંદગીની રીતે રમાડીને, છેતરીને અને ચતુરાઈથી આપણી અંદર ચિંતા, ગુસ્સો, વાદવિવાદ, આક્રમકતા, અજંપો, વેરઝેર , ધ્રુણા, નફરત, નકારાત્મક વિચારો, લાગણીઓ પેદા કરીને જીતી જાય છે; તમને ને મને પરાધીન, નિર્બળ, આત્મવિશ્વાસની ખામીવાળા અને લાચાર સાબિત કરવામાં સફળ બની જાય છે. આવું ન બને તે માટે જીવનશૈલીનું વ્યવસ્થાપન કરો.

જીવનશૈલીનું વ્યવસ્થાપન

 • માનસિક તણાવનો સામનો કરવા માટે આત્મવિશ્વાસ કેળવવો.
 • તમારી નાની નાની મુશ્કેલીઓને અંગત વ્યક્તિ સાથે શેર કરતા રહો જેથી તમને થોડાઘણા અંશે માર્ગદર્શન મળશે અને મનનો ભાર હળવો થશે.
 • તર્ક વગરની વાતો છોડી ને તાર્કિક અને હકારાત્મક વિચારો.
 • તણાવ ભરેલી સ્થિતિમાં શારીરિક તંદુરસ્તી ની કાળજી લ્યો..
 • રચનાત્મક અને આનંદ દાયક પ્રવૃત્તિઓ કરો..
 • બીજાના કલ્યાણ માટે કઈક કરવાની ભાવના કેળવવી સાથે જે મદદ અશક્ય છે આપણા માટે તે ના કહેતા શીખો.
 • સમયનો સદઉપયોગ કરી દરેક પોતાના કામ જાતે જ કરો
 • જ્યારે થાક લાગે ત્યારે આરામ કરો, શરીરને આરામની જરૂર હોય છે.
 • વિપરીત સંજોગોમાં પોતાની જાત ને દોષ ન આપવો સાથે અન્ય પણ ઢોળી ન દેવું, પોતાની જાતને દોષિત માન્યા વગર ભૂલનો સ્વીકાર કરવો
 • ભૂતકાળને ભૂલો, ભવિષ્યની અપાર ચિંતા છોડી ને વર્તમાનમાં જીવો.. દરેક પળ ને ભરપૂર જીવો.
 • ગુસ્સો કે ચિંતા હોય ત્યારે અગત્યનો નિર્ણય ન લેવો.
 • દરેક કાર્યને ક્રમબદ્ધ કરો અત્યંત જરૂરી કરીને સમય પહેલા પુર્ણ કરો.
 • સારા શ્રોતા બનો, કોઈ વાત કરે ત્યારે ધ્યાનથી સાંભળો.
 • જ્યારે તમે સફળતા મેળવો ત્યારે તમારી જાતને શાબાશી આપો.
 • ફૂડ હેબિટ પ્રાકૃતિક રાખો, જંક ફૂડનું સેવન કરવું નહિ અને જેમ બને તેમ તાજુ જમવું.
 • હકારાત્મક અભિગમ કેળવો સાથે ભય, ડર અને નકારાત્મક વિચારોને ત્યજો.
 • રૂટીન જીવનમાં ફેરફારથી અકળાવનારી બાબતોને સહજતાથી લ્યો.
 • શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક અને વ્યક્તિગત બાબતોના બદલાવ માટે તૈયાર રહો..

શાંત અને તર્કબદ્ધ મનથી જ યોગ્ય નિર્ણય લઈ શકાશે
વધુમાં તેઓ જણાવે છે કે, તમે ને હું જાણીએ જ છીએ કે આપણું મન વાસ્તવમાં લાચાર છે – એ રીતે આપણે એને કેળવેલું છે. આપણે જરૂર છે શાંતિ જાળવવાની, પરિસ્થિતિ અને લોકોની રીતભાતથી વિચલિત ન થવાની, અને પરિસ્થિતિને પ્રતિક્રિયા નહીં, પણ યોગ્ય પ્રતિભાવ આપવાની.જરૂરિયાત છે. આપણે આપણી ચિંતાઓ અને ગુસ્સા સાથે અનુકૂલન કરવાની અને એમનો સકારાત્મક રીતે ઉપયોગ કરતા શીખવાની જરૂર છે. અતાર્કિક, આવેગી મનને ફાવે તેમ વર્તવાની છૂટ ન આપી આપણા કંટ્રોલમાં રાખવો. શાંત અને તર્કબદ્ધ મનથી જ યોગ્ય નિર્ણય લઈ શકાશે.

માનસિક શાંતિ જાળવવા માટે આ મનોવૈજ્ઞાનિક ઉપાયો અપનાવો

1.હળવાશ કેળવો
ઊંડા શ્વાસોશ્વાસ, સરળ સ્નાયુબદ્ધ ખેંચાણ ની હળવી કસરતો, શવાસન, ધ્યાન અને ક્રમિક શિથિલીકરણ ની હળવાશની જુદીજુદી પદ્ધતિઓ શીખી-હસ્તગત કરી લઈને મનનો તણાવ હળવો કરી શકાય છે. ઉશ્કેરાટને નાથી શકાય છે અને મનને શાંત પાડી શકાય છે. મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત છે કે શરીરના સ્નાયુઓને હળવા બનાવશો તો મન આપોઆપ શાંત બની જશે. આરામદાયક નીંદર કરો. નીંદર કરવા માટેના સુચનો...

 • રજાના દિવસે પણ નિયમિત સૂવાની અને ઉઠવાની ટેવ પાડો.
 • બપોરે ઊંઘવાની ટેવ છોડી દયો..
 • ઊંઘતી વખતે રૂમ કે ઓરડો આરામદાયક અને શાંત રાખો.
 • પથારીમાં સૂતા સૂતા ટીવી જોવાનું બંધ કરો.
 • ઊંઘવા વખતે વારે વારે ઘડિયાળમાં ન જુઓ.

2.તમારી વિચારવાની રીત બદલો
આપણે ગુસ્સામાં કે ઉશ્કેરાટમાં હોઈએ છીએ ત્યારે આપણી વિચાર-પ્રક્રિયા પર આપણો કાબૂ સંપૂર્ણપણે જતો રહે છે, આપણો વિવેક જતો રહે છે અને આપણે વધારે ગૂંચવાડામાં પડી જઈએ છીએ અથવા નાની વાતને મોટું સ્વરૂપ આપી દઈએ છીએ. ગુસ્સો ભલે ઉકળતો હોય પણ થોડા ધીરા પડવાથી સમસ્યામાંથી માર્ગ આપોઆપ મળી આવશે.આગળ કહ્યું તે મુજબ ગુસ્સાને કાબૂમાં રાખો. દુનિયા કંઈ તમને અત્યારે ને અત્યારે હરાવવા માટે પાછળ પડી ગઈ નથી, તમે તમારા મનની ચાવી એના હાથમાં સોંપી દીધી છે. પોતાની લાગણીઓ અને વિચારોનું નિયંત્રણ પોતાના હાથમાં રાખો. વિચારોને અતાર્કિક, નિરંકુશ ન બનવા દો; તર્કબદ્ધ જ રહેવા દો. તમારા જીવનની ચાવી એટલે કે તમારા ગમાં, અણગમા, ડર, ભય કે ચિંતા બીજાને જણાવી ન દેવી.

3.સંવાદ જાળવી રાખો, વાતચીત જરૂરી છે
ગુસ્સો કે રીસ ચઢે ત્યારે સામાન્ય રીતે આપણે સામી વ્યક્તિ સાથે બોલવાનું બંધ કરી દઈએ છીએ. જેનાથી સંવાદનો સેતુ તૂટી જાય છે. કોમ્યુનિકેશન જો બંધ થશે તો સંબંધ પૂર્ણ થશે માટે વાતચીત ચાલુ રાખો.થોડી વાર ઊંડા શ્વાસ અંદર લો. મનને શાંત થવાની તક આપો જો વિચારો સતત આવે તો વિચારો બદલો. ત્યાર પછી સામેની વ્યક્તિને તદ્દન સ્વસ્થ રીતે તમારી લાગણી વ્યક્ત કરી દો પણ સહજ ભાવે. લાગણી વ્યક્ત કરતી વખતે પરસ્પર કડવાશ પેદા ન થાય એનો સતત સભાનતાથી ખ્યાલ રાખો. જે પ્રસંગને કારણે માઠી લાગણી પેદા થાય છે તેની નીજીવી વિગતોની પરસ્પર વાતચીત કરવાનો ફાયદો નથી પણ એ પ્રસંગને કારણે પેદા થયેલી લાગણી યોગ્ય શબ્દમાં વ્યકત થાય એ જરૂરી છે. રજૂઆત પૂરી થયા પછી મન શાંત, સ્વસ્થ બની ગયું છે એની ખાતરી કરી લો. સામેની વ્યક્તિને પણ બોલવાની તક આપવાનું ચૂકશો નહીં. મોટાભાગે પરસ્પર સંવાદ થાય તો કડવો ભાવ દૂર થતો હોય છે.

4.ગુસ્સો પેદા કરનાર પરિસ્થિતિથી દૂર થઈ જાઓ
જે જગ્યાએ/પરિસ્થિતિમાં ગુસ્સો પેદા થયો હોય એનાથી તમારી જાતને અળગી કરી દો. ચાલવા નીકળી પડો. બહાર જમવા જતા રહો. બાથરૂમમાં પુરાઈને 10-15 મિનિટ સરસ મજાનું સ્નાન કરી લો. ગુસ્સાને તરત વ્યક્ત કરવાની તાલાવેલી શાંત પાડી દો અને પછીના અડધોએક કલાક એવી કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત થઈ જાઓ જે દરમિયાન તમારા મનને શાંત થઈ જવાનો મોકો મળી આવે. સંગીત મનને શાંત કરતું હોય છે.

5.તમારું મનપસંદ સંગીત સાંભળો
જેને સાંભળવાથી તમે હળવા બની જાઓ અને તમારા તણાવ/ગુસ્સાને ભૂલી જાઓ એવું સંગીત કે એવાં ગીતો સાંભળવા માંડો. તમારી રુચિનું સંગીત ખોળી કાઢો; પછી ભલે તે શાંત, હળવું, શાસ્ત્રીય હોય કે ધાંધલિયું, ઝડપી, શરીરને નચાવનારું હોય. શરત એટલી જ કે એને સાંભળ્યા પછી તમારું મન શાંત પડી જવું જોઈએ. ગીતના શબ્દો સાથે તાદાત્મ્ય ભાવ કેળવો.. મન જુદી દિશામાં કાર્યરત થશે.

6.અણગમતી પરિસ્થિતિ હોય ત્યારે દિવાસ્વપ્નમાં રાચો
આંખો બંધ કરો. હવે તમારા મન:ચક્ષુ સમક્ષ એક એવા સુંદર સ્થાનનું ચિત્ર જીવંત કરો જ્યાં તમને આનંદ અને સુખની અનુભૂતિ થાય. એ સ્થાનની બારીકમાં બારીક વિગત મહેસૂસ કરો. ત્યાંનો સ્પર્શ, ત્યાંની સુંદરતા, વાતાવરણમાં અદ્દભુત સુગંધ હોવાનો ભાવ કેળવો, ત્યાં હોવાની અનુભૂતિથી તમને કેટલો રોમાંચ થઈ રહ્યો છે, તમારા ગમતા પાત્ર સાથેની કલ્પનાઓ શરૂ રાખો... વગેરે. તમે આ ક્ષણે એ સ્થાનમાં જ છો એવું તમારા સમગ્ર અસ્તિત્વથી અનુભવો-માણો. જ્યારે જગતની વાસ્તવિકતાથી કંટાળો ત્યારે આવું મન:ચિત્રણ તમારી લાગણીઓને બદલી નાખવામાં ઉપયોગી બનશે. તમે જુદી દુનિયામાં જઈને પરત થયા એવો અહેસાસ થશે.

7.અણગમતી વ્યક્તિથી મોં ન ફેરવો વ્યક્તિના વિચારો સાથે તમે સહમત ન હોવ પણ વ્યક્તિ ખરાબ છે એવું ન માનો
મનની ખાસિયત એવી છે કે અણગમતી વ્યક્તિ કે પરિસ્થિતિથી અણગમા સાથે દૂર થઈ ગયા પછી પણ મન એનો ને એનો જ વિચાર કર્યા કરશે અને કડવી વાતને વીતેલી ક્ષણોમાંથી ખેંચી લાવીને તમારા વર્તમાનને દૂષિત કરશે. એના કરતાં માનસિક શાંતિ જાળવી રાખીને એ વ્યક્તિ પાસે જ રહો ઘણીવાર વ્યક્તિ પ્રત્યેની આપણે જે માન્યતા રાખતા હોઈએ છીએ ખરેખર વ્યક્તિ એવી હોતી નથી. આપણા પૂર્વગ્રહો ને કારણે આપણે ખોટું અર્થઘટન કરતા હોઈએ છીએ. તમારું અજાગ્રત માનસ ઘણું શક્તિશાળી છે, નકારાત્મક લાગણીને બદલે જીવનપોષક ભાવ પેદા કરવાનો પડકાર એને આપશો તો એ ચોક્કસ જ ઝીલી લેશે. નકારાત્મક વિચારો અને લાગણીઓની એકની એક ઘરેડમાંથી બહાર નીકળવાની એને તક આપો. અવારનવાર આમ કરવાથી આગળ જતાં મન એ વ્યક્તિની ઉપસ્થિતિ કે તેના ઉલ્લેખથી પણ અશાંત નહીં બને, તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને વ્યક્તિને તમે સ્વસ્થતાપૂર્વક સહન કરતા શીખી જશો. તદ્દન પ્રતિકૂળ અને વિરોધી વ્યક્તિત્વ ધરાવતા લોકોને પણ સાથે રહેતા જોયા છે.. જેમ કે રાવણ અને મંદોદરી.

8.અન્યનો સ્વીકાર કરો, અન્યના અસ્તિત્વનો સ્વીકાર આપણને સજાગ કરે છે
માણસને હું સારો નો ભાવ હોય છે માટે તે પોતાને સર્વશ્રેષ્ઠ માને છે. અન્ય વ્યક્તિમાં વાંધાવચકાં કાઢીને એનો પ્રતિકાર કરતા રહેશો તો તમારા મનમાં અપાર આંતરિક સંઘર્ષ પેદા થશે. આવો સંઘર્ષ ભય, અકારણ સ્પર્ધા, તુલના, હતાશા અને ચિંતામાં પરિણમશે. એને બદલે સામેની વ્યક્તિ જેવી છે તેવી એનો સ્વીકાર કરો. એના ગુણદોષ ન જુઓ. અથવા ન ગમતા દોષો જોવા કરતા તેનામાં અન્ય કેવા ગુણો છે તે જોતાં રહો . દરેક સાથે આત્મીયતા કેળવો. નાના-નાના મતભેદો પર તમારા સંબંધની ઈમારતને ઊભી ન થવા દો કારણ કે મતભેદ જ મનભેદ કરાવે છે. બન્નેના સમાન રસ-રુચિની ચર્ચા કરો. એને તમારા પારસ્પરિક સંબંધનો પાયો બનવા દો.

9.સહવાસ કેળવો મન થી એકલું ક્યારેય પડવું નહિ
એકલતાથી ચિંતા અને તણાવ વધે છે. એને બદલે મનગમતી વ્યક્તિઓનો સંગાથ કેળવો. મિત્રો અને કુટુંબીજનો સાથે યાંત્રિકતાથી ન જીવો. સહવાસની પ્રત્યેક ક્ષણને આનંદ પ્રસન્નતાથી ભરી દો. મિલન મુલાકાત વખતે કડવી વાણી બોલો નહિ.. સામે વાળી વ્યક્તિને ખોટું લાગી જાય એવી વાણીનો પ્રયોગ ન કરો. તમારા ખાસ હોય તેમને તમારો પુરતો સમય, તમારી શક્તિ અને તમારું ધ્યાન તમારા ગમતા લોકો પર કેન્દ્રિત કરો.

10.ખાવા-પીવા પર ધ્યાન આપો
તાજાં અને ઋતુ-ઋતુનાં ફળો ખાઓ. કચુંબર અને શાકભાજી પર તમારી પસંદગી ઊતારો. આખું ધાન્ય ખાઓ. આ બધાંમાં રહેલાં ખાસ ઍન્ટિ-ઑક્સિડન્ટ તત્વો શરીરમાં તણાવ અને રોગ સાથે સંકળાયેલા પ્રાણવાયુના મુક્ત અણુઓથી આપણું રક્ષણ કરે છે. થાકેલા મન અને શરીરને આરામ આપીને એ પુન: શક્તિવાન બનાવે છે. દરરોજ ઓછામાં ઓછું 8 કે 10 મોટા ગ્લાસ જેટલું પાણી પીવાનું રાખો.

અન્ય સમાચારો પણ છે...