રાજકોટમા સતત ત્રીજા દિવસે વેક્સિન ખાલી થઈ જતા વેક્સિનેશન અટક્યું હતું, ગત સપ્તાહે બુસ્ટર ડોઝ શરૂ કરવામાં આવતા 2 દિવસમાં જ 6 હજારથી વધુ લોકોએ ડોઝ મેળવી લીધો હતો. જેને પગલે મહાપાલિકાના આરોગ્ય વિભાગ પાસે રહેલો વેક્સિનનો જથ્થો ખાલી થઈ ગયો હતો, રવિવારે વધારાની વેક્સિન સરકાર પાસે મગાવી લેવામાં આવી હતી. જોકે બુસ્ટર ડોઝના જથ્થાની જરૂરિતા મુજબ વેક્સિન ન આવતા આજે સતત ત્રીજા દિવસે વેક્સિન લાભાર્થીઓને મળી શકી નહોતી, રાજકોટના મેયર ડો પ્રદીપ ડવે જણાવ્યું છે કે, વેક્સિનની અછત સર્જાઈ હતી. આથી વેક્સિન આપી શકાય નથી, આજે સાંજે જથ્થો આવી જશે તો વેક્સિન આવતીકાલથી ફરી બુસ્ટર ડોઝ આપવામાં આવશે. રાજકોટમાં 8 લાખ બુસ્ટર ડોઝની જરૂર હોય એ મુજબ મગવાયા છે
રાજકોટના લોકોને જરૂર છે એટલો સ્ટોક મગાવ્યો છે
મેયરે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં મહાનગરો, જિલ્લાઓમાં પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ કર્યું છે. રાજકોટમાં અંદાજિત 8 લાખ લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. છેલ્લા ત્રણ દિવસમાં સ્ટોક અને વ્યવસ્થા પ્રમાણે લોકોને ડોઝ આપ્યા છે. આજના દિવસે ડોઝની અછતને લીધે એટલે કે ટેકનિકલ કારણોસર વેક્સિનેશન બંધ રહેશે. નિયમિત રીતે વેક્સિનનો સ્ટોક સાંજે મળતો હોય છે. આથી આવતીકાલથી નિયમિત રીતે રાજકોટના લોકોને પ્રિકોશન ડોઝ આપવાની કામીગીરી શરૂ થશે. રાજકોટને જેટલા લોકોને પ્રિકોશન ડોઝની જરૂર છે એ પ્રમાણે મગાવી આપવાના છીએ.
જિલ્લામાં પણ રસી ખૂટી પડતાં લોકોને થયા ધરમધક્કા
રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના RHCO ડો.મિતેષ ભંડેરીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ફ્રીમાં પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ થયું ત્યારથી રસી લેનારાઓની સંખ્યા ખૂબ જ વધી ગઇ છે. 15મીએ શુક્રવારે પ્રથમ દિવસે 100 કેન્દ્ર પર 8,000થી વધુ ડોઝ, શનિવારે સાંજ સુધીમાં 52 કેન્દ્ર પર 2,449 ડોઝ અપાયા ત્યારે 3,500 ડોઝનો સ્ટોક બચ્યો હતો. દરમિયાન સોમવારે તે સ્ટોક પણ ખાલી થવાને આરે પહોંચતા બપોર સુધીમાં અંદાજે 395 વ્યક્તિમાં વેક્સિનેશન થઇ શક્યું હતું. હાલ સૌથી વધુ કોવિશિલ્ડની અછત છે. સોમવારે રસીનો સ્ટોક આવી જવાનો હતો, પરંતુ આવ્યો નથી. કંઇક મિસકેલ્ક્યૂલેટ થયું હોય તેવું લાગે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.