પુનિતનગર-11માં છેલ્લા ત્રણ મહિનાથી માવતરે રહેતી ખમ્માબેન નામની પરિણીતાએ મૂળ લુણાવાડાના અને હાલ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા પતિ જિગ્નેશ મંગળભાઇ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. એમબીએ સુધીનો અભ્યાસ કરનાર પરિણીતાની ફરિયાદ મુજબ, તેને જિગ્નેશ સાથે 2017માં આર્યસમાજ વિધિથી પ્રેમલગ્ન કર્યા છે. લગ્ન બાદ પતિ સાથે વડોદરા રહેવા ગયા હતા. ત્રણ મહિના સારી રીતે રાખ્યા બાદ પતિ દારૂની લતે ચડી ગયો હતો અને નોકરી મૂકી દીધી હતી. બાદમાં તે પોતાને નોકરી માટે દબાણ કરતો હતો. જેથી પોતે નોકરી કરવા જતી હતી. ઘરનો તમામ ખર્ચ પોતે ઉપાડતી હતી.
પતિને નોકરીનું કહેતા તે પોતાની સાથે ઝઘડો કરતો હતો. ત્રણ વર્ષ ત્યાં રહ્યા બાદ અમદાવાદ આવી ગયા હતા. પતિએ અહીં ભાગીદારીમાં કેન્ટીન ચાલુ કરી હતી. ત્યાર બાદ કેટરર્સ કંપની પોતાના નામે ચાલુ કરી હતી. જે કંપની ચાલુ કરવા પણ પોતે પૈસા આપ્યા હતા. કંપનીની ચેક બુકમાં પોતાની સહીઓ કરાવી લીધી હતી. પતિ જિગ્નેશ સમયાંતરે પોતાની પાસેથી પૈસા લઇ જતો ન આપું તો ઝઘડા કરતો હતો. પ્રેમલગ્ન કર્યા હોવાને કારણે પોતે મૂંગા મોઢે સહન કરતી હતી. દરમિયાન પતિ પોતાને પ્રેગ્નન્સી રાખવા દબાણ કરતો હતો.
પરંતુ પોતાને પ્રેગ્નન્સી રહેતી ન હોય તેની સારવાર પણ કરાવી હતી. તેમ છતાં પોતાને બાળક નહિ થતા પતિએ પોતાની સાથે ઝઘડો કરી ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી પોતે અમદાવાદમાં સહેલીના ઘરે જતી રહી હતી. જ્યાંથી તે નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતી હતી. દરમિયાન પતિ જિગ્નેશે પોતાની પાસે સહીઓ કરાવેલા ચેક તેના મિત્રોને આપી રિટર્ન કરાવી પોતાની સામે ફરિયાદ નોંધાવી હતી. પોતાને હેરાન કરતો હોય રાજકોટ માવતરે આવી જઇ ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.