શહેરના મવડી વિસ્તારમાં રહેતા અને અગાઉ ત્રણ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા મવડી વિસ્તારના શખ્સને પોલીસે દેશી બનાવટની પિસ્ટલ સાથે ઝડપી લીધો હતો. કોઇની સાથે માથાકૂટ થાય તો ભડાકો કરી શકાય તેવા બદઇરાદે દોઢ વર્ષથી ગેરકાયદે હથિયાર રાખતો હતો. હથિયાર સપ્લાય કરનારની પોલીસે શોધખોળ શરૂ કરી હતી.
મવડી પોલીસ હેડ ક્વાર્ટર સામેના શ્રીરામ ટાઉનશિપમાં રહેતા ધવલ દિલીપ વાઘેલા (ઉ.વ.29) પાસે ગેરકાયદે હથિયાર હોવાની અને તે મવડી ઓવરબ્રિજ નીચે હથિયાર સાથે હોવાની માહિતી મળતાં માલવિયાનગર પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એન.ભૂકણ અને પીએસઆઇ વી.કે.ઝાલા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે ધવલ વાઘેલાને સકંજામાં લઇ તલાશી લેતા તેની પાસેથી દેશી બનાવટની રૂ.10 હજારની કિંમતની પિસ્ટલ મળી આવી હતી. પોલીસે હથિયાર કબજે કરી ધવલની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ધવલ વાઘેલા અગાઉ દારૂના ગુનામાં બે વખત અને જુગારના એક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. ધવલે પોલીસ સમક્ષ કેફિયત આપી હતી કે, કોઇની સાથે માથાકૂટ થાય તો સલામતી માટે ભડાકો કરી શકાય તે માટે દોઢવર્ષથી ગેરકાયદે હથિયાર પોતાની પાસે રાખતો હતો.
હથિયાર કોની પાસેથી ખરીદ કર્યું હતું અને આ હથિયારથી અગાઉ કોઇ ગુનાહિત કૃત્ય કર્યું હતું કે કેમ સહિતના મુદ્દે તપાસ કરવા પોલીસે આરોપી ધવલ વાઘેલાને રિમાન્ડ પર લેવાની તજવીજ શરૂ કરી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.