ધમકી:જમવાનું પાર્સલ લઇ રવાના થયેલા શખ્સે કહ્યું, ‘મફત આપવું જ પડશે’

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેસ્ટોરન્ટમાંથી મફતમાં જમવાનું લઇ જતાં 4 સામે ગુનો નોંધાયો
  • ​​​​​​​અેટ્રોસિટીના ગુનામાં ફીટ કરી દેવાની ધમકી પણ આપી

શહેરના કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ નજીક પડ્યા પાથર્યા રહેતા અને છાશવારે લોકોને ધમકાવતા શખ્સોની ગેંગે વધુ એક કરતૂત કર્યું હતું, ક્રિસ્ટલ મોલમાં આવેલા રેસ્ટોરન્ટમાં જઇ પાર્સલ કરાવી પૈસા આપ્યા નહોતા અને મેનેજરે પૈસા માગતા તેને છરી મારવાનો ઇશારો કરી ધમકી આપી હતી, પોલીસે આ મામલે ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

વૃંદાવન સોસાયટીમાં રહેતા અને ક્રિસ્ટલ મોલમાં આવેલા રેસ્ટોરન્ટમાં મેનેજર તરીકે નોકરી કરતાં ધર્મેશભાઇ છગનલાલ ખટીકે (ઉ.વ.32) યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સાગર, દિવ્યેશ, મહેશ અને પરેશના નામ આપ્યા હતા.

ધર્મેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.2ના સવારે પોતે રેસ્ટોરન્ટમાં હતા ત્યારે બે શખ્સો આવ્યા હતા અને તેમણે ફ્રેન્ચ ફ્રાય અને ચિકન ફ્રાયના ઓર્ડર આપ્યા હતા, બંને વસ્તુ તૈયાર થઇ જતાં તેનું પાર્સલ કરી આપતા તે બંને પાર્સલ લઇને ચાલતા થયા હતા, મેનેજર ધર્મેશભાઇએ પાર્સલના રૂ.250 માગતા તે બંનેએ અહિયા મફતમાં જ લઇએ છીએ, તું બદલી કરાવીને જતો રહેજે, અમારી વિરૂધ્ધ ફરિયાદ કરીશ તો એટ્રોસીટીના કેસમાં ફિટ કરાવી દઇશું અને પૈસા ચૂકવ્યા વગર જતા રહ્યા હતા તે બંને વાતો કરતા હતા ત્યારે તેમના નામ સાગર અને દિવ્યેશ હોવાનું જાણવા મળ્યું હતું.

ત્યારબાદ પાંચ દિવસ પૂર્વે મહેશ અને પરેશના નામના શખ્સ આવ્યા હતા અને તેમણે પણ રૂ.400ની કિંમતની અલગ અલગ વસ્તુનું પાર્સલ કરાવીને ચાલતી પકડી હતી અને તેના પૈસા માગતા તેણે રેસ્ટોરન્ટની બહાર નીકળવું છે ને બહાર નીકળીશ તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી અને પેટમાં છરી મારવાનો ઇશારો કર્યો હતો. અંતે આ મામલે ધર્મેશભાઇએ ફરિયાદ નોંધાવતા પોલીસે એ ચારેય શખ્સોની શોધખોળ શરૂ કરી હતી.

જ્યારે અન્ય એક ઘટનમાં રાજકોટ સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા પાકા કામના કેદીનું જેલમાં હ્યદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. જેતલસર જંકશન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મના ગુનામાં રાજકોટ સેન્ટ્રલ જેલમાં પાંચ વર્ષથી સજા ભોગવી રહેલા મુકેશ મનસુખ ભુવાને ગુરૂવારે અચાનક જ છાતીમા દુ:ખાવો ઉપડતાં તેને જેલના સિપાહીઓ તાકીદે સિવિલ હોસ્પિટલે લઇ ગયા હતા, જોકે ટૂંકી સારવાર દરમિયાન તેનુું મૃત્યુ થયું હતું.

બનાવની જાણ થતાં પ્ર.નગર પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું, તેનું વીડિયો રેકોર્ડીંગ પણ કરાવવામાં આવ્યું હતું, હાર્ટ એટેકથી કેદી મુકેશનું મૃત્યુ થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું, મુકેશ બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો, બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...