તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાચીન પરંપરા:પુરુષ જ સ્ત્રીનું પાત્ર ભજવી કૃષ્ણની બાળલીલા રમે છે

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 હજાર વર્ષ પુરાણી ઢાઢીલીલા માત્ર સૌરાષ્ટ્રમાં જીવંત
  • ગાદીપતિ અભિષેકલાલજી મહારાજે વર્ણવી વૈષ્ણવ સંપ્રદાયની અનોખી અને અલૌકિક વ્રજભૂમિની પ્રાચીન પરંપરા ‘ઢાઢીલીલા’

જન્માષ્ટમીના પાવન પર્વે ભાવિકો જયારે કૃષ્ણ ભક્તિના રંગમાં રંગાયા છે ત્યારે રાજકોટવાસીઓ અને ખાસ વૈષ્ણવ સંપ્રદાય માટે શહેરની વલ્લભાશ્રય હવેલીના ગાદીપતિ અભિષેકલાલજી મહારાજે વૈષ્ણવ સંપ્રદાયની અનોખી અને અલૌકિક વ્રજભૂમિની પ્રાચીન પરંપરા જે પાંચ હજાર વર્ષ પહેલાથી હજુ પણ એકમાત્ર સૌરાષ્ટ્રમાં જીવંત છે એવી ‘ઢાઢીલીલા’ વર્ણવી છે.

આશરે સાડા પાંચ હજાર વર્ષ પૂર્વે જયારે વ્રજમાં નંદરાયજીને ત્યાં ભગવાન શ્રીકૃષ્ણનું પ્રાગટ્ય થયું ત્યારે ગોકુલ ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ના નારાથી ગૂંજી ઉઠ્યું હતું. ચારેય દિશામાં અબીલ-ગુલાલ અને માખણ-મીસરીની છોળો ઉડતી હતી. નાનામોટા તમામ લોકો કૃષ્ણજન્મોત્સવની આનંદની અનુભૂતિમાં ડૂબ્યા હતા. નંદરાયજીએ આ ઉત્સવમાં સામેલ થવા તમામ વર્ગના લોકોને આમંત્રણ આપ્યું હતું. દેવી-દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરી કનૈયાને વધાવતા હતા. હરખના આ અવસરમાં ભાટ, ચારણ, યાચકો પણ તેના પરંપરાગત વેશભૂષામાં નંદબાબાના આંગણે પહોંચ્યા હતા અને તેમની પરંપરા અનુસાર કૃષ્ણની લીલાના ગુણગાન ગયા હતા. નંદલાલજીએ કનૈયાની વધામણીમાં આવેલાઓને ખૂબ દાન-દક્ષિણાઓ આપી પ્રસન્ન કર્યા હતા. એવું કહેવાય છે કે હીરા, માણેક, પન્ના જેવા કિંમતી રત્નો અને સુવર્ણ મુદ્રાઓનો ખજાનો ખુલ્લો મૂકી દેવાયો હતો.

નંદરાયજીને આંગણે એ સમયે ખાસ પ્રકારની વેશભૂષામાં વ્રજની એક જાતિ ઢાઢી અને ઢાઢણ પણ આવ્યા હતા. તેમણે કીર્તન થકી એવું યશગાન કરી નંદજી અને ગ્રામજનોનું મન મોહી લીધું હતું. ચારણ, ભાટ અને બારોટની જેમ ઢાઢી અને ઢાઢણ એક જાતિ છે. તેઓ ખાસ પ્રકારના શૃંગાર સજીને કૃષ્ણલીલાના યશગાન અષ્ટસખાના નામે વિખ્યાત બનેલા કવિઓએ રચેલા પદોમાં સુરદાસના ઢાઢીલીલાના પદો રજૂ કરે છે. મૂળ વધામણીનું આ સ્વરૂપ છે. હજારો વર્ષ જૂની ઢાઢી લીલાની પરંપરા આજે પણ સૌરાષ્ટ્રમાં જીવંત છે. કૃષ્ણભક્તિનું આ એક એવું સ્વરૂપ છે કે તેને ભાવથી માણનારાઓ ભાવવિભોર બની કૃષ્ણભક્તિમાં લીન થઇ જાય છે. પુષ્ટિ વૈષ્ણવ સંપ્રદાયમાં ઢાઢીલીલાનું વિશેષ મહત્વ છે, વિવિધ હવેલીઓના મધ્યમથી આજેપણ આ હજારો વર્ષ જૂની પરંપરા જીવંત રાખવામાં આવી છે. ઢાઢીલીલાની ખાસિયત એ છે કે પુરુષો દ્વારા જ સ્ત્રીનું પાત્ર ભજવાય છે. સ્ત્રી અને પુરુષનો શૃંગાર કરી નૃત્ય-કીર્તનના માધ્યમથી શ્રીકૃષ્ણની બાળલીલાને વ્યક્ત કરે છે. ઢાઢીજી એ પુરુષ પાત્ર છે અને ઢાઢણજી સ્ત્રી પાત્ર છે. ઢાઢીલીલા સમગ્ર વિશ્વમાં હવે કેવલ સૌરાષ્ટ્રમાં જ ભજવાય છે. આશરે પાંચ હજાર વર્ષ પહેલાથી ચાલતી પરંપરા ઢાઢીલીલાને આજે પણ જીવંત રાખી છે.

હવેલીમાં ખાસ તાલીમ
આજની પેઢીને કૃષ્ણ ભક્તિના કીર્તન અને ઢાઢીલીલાની પ્રાચીન પરંપરાનો પરિચય થાય તે માટે ખાસ તાલીમ વલ્લભાશ્રય હવેલીમાં આપવામાં આવે છે. આ એક લોકકલા છે. તાલીમ લઇ રહેલા યુવાનો જણાવે છે કે કૃષ્ણભક્તિનું આ અનોખું ગાન કરવાની અનુભૂતિ જ કંઈક અલગ છે જેનું શબ્દોમાં વર્ણન ન કરી શકાય.

અન્ય સમાચારો પણ છે...