રાજકોટમાં વૈભવી બંગલામાં ધોળા દિવસે લૂંટ:મહિલાની પાછળ પાછળ શખ્સ ઘરમાં ઘૂસ્યો, માથામાં હથોડી મારી મહિલાના હાથમાંથી સોનાની બે બંગડી લૂંટી ભાગ્યો

રાજકોટ2 મહિનો પહેલા

એક તરફ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, બીજી તરફ રાજકોટ શહેરમાં ધોળા દિવસે મહિલાને માથાના ભાગે ઇજા પહોંચાડી લૂંટારૂએ લૂંટને અંજામ આપ્યો હોવાની ઘટના સામે આવી છે. શહેરના પોશ વિસ્તાર સમા નિર્મલા કોન્વેન્ટ રોડ પર આવેલ પારસ સોસાયટીમાં વૈભવી બંગલામાં લૂંટની ઘટના બની છે. જેમાં લૂંટારૂ મહિલાની પાછળ પાછળ ઘરમાં ઘૂસ્યો હતો. બાદમાં મહિલાના માથામાં હથોડી મારતા લોહીલૂહાણ થતા ઢળી પડી હતી. બાદમાં લૂંટારૂએ મહિલાના હાથમાંથી બે સોનાની બે બંગડી લૂંટી ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ, SOG સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો દોડી જઈ તપાસ હાથ ધરી છે.

લૂંટારૂ હિન્દી ભાષા બોલતો હતો
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના નિર્મલા રોડ પર આવેલ પારસ સોસાયટીમાં પારિજાત બંગલોમાં આજે ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવી છે. જેમાં તાનિયાબેન વિવેકભાઈ બાલચંદાણી નામની મહિલા તેમના બાળકને લઈ પ્લેહાઉસથી પરત ઘરે આવી હતી. ત્યારે રસોડામાં પ્રવેશ કરતાની સાથે જ લીલા કલરનો શર્ટ અને બ્લુ પેન્ટ પહેરેલ એક હિન્દી ભાષા બોલતો શખ્સ તેમની પાછળ ઘરમાં ઘૂસી ગયો હતો. બાદમાં તાનિયાબેનના માથાના ભાગે હથોડી વડે હુમલો કર્યો હતો. તાનિયાબેને હાથમાં પહેરેલી સોનાની બે બંગડી કાઢી લીધી હતી.

ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો.
ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો.

તાનિયાબેને બૂમાબૂમ કરતા લૂટારૂ ભાગ્યો
માથાના ભાગે ઈજા પહોંચતા મહિલા નીચે પટકાઈ હતી અને બાળક ગભરાઈ ગયું હતું. માટે લુટારૂએ ‘તેરે પાસ જો ભી હૈ વો ઔર તિજોરી કી ચાબી દે દે’ તેવું હિન્દીમાં કહ્યું હતું. જો કે મારી પાસે કશું નથી કહી તાનિયાબેને બૂમાબુમ કરતા લૂંટારૂ ત્યાંથી નાસી છૂટ્યો હતો અને બાદમાં મહિલાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

માથામાં હથોડી મારતા મહિલા લોહીલૂહાણ હાલતમાં ઢળી પડી હતી.
માથામાં હથોડી મારતા મહિલા લોહીલૂહાણ હાલતમાં ઢળી પડી હતી.

પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી
બનાવની જાણ થતાની સાથે જ રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ તેમજ પોલીસના ડીસીપી અને એસીપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. હાલ તો પોલીસે પણ મહિલા તેમજ તેના પતિનું નિવેદન નોંધી ફરિયાદ લેવા તજવીજ શરૂ કરી છે. સાથે જ આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ પણ ચેક કરવા તજવીજ હાથ ધરી છે. ત્યારે ધોળા દિવસે પોશ વિસ્તારમાં લૂંટની ઘટના બનતા રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે જરૂરથી સવાલો ઉભા થઇ રહ્યા છે.

પોલીસે તપાસ હાથ ધરી.
પોલીસે તપાસ હાથ ધરી.
લૂંટનો ભોગ બનનાર તાનિયાબેનની ફાઈલ તસવીર.
લૂંટનો ભોગ બનનાર તાનિયાબેનની ફાઈલ તસવીર.

મહિલા નિવેદન આપી શકે તેવી હાલતમાં નથી
ACP ભાર્ગવ પંડ્યાએ જણાવ્યું હતું કે, પારસ સોસાયટીમાં બંગલા નં.39માં એક મહિલા પ્રવેશ કરે છે ત્યારબાદ તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. ઉચ્ચ અધિકારી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. મહિલાના માથાના ભાગે ઈજા થયાની માહિતી છે અને તેને સીનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઘટનામાં આજુબાજુના સીસીટીવી અને ડોગ સ્ક્વોડ મારફત વિવિધ ટીમો બનાવી આરોપીને શોધી કાઢવાના સઘન તપાસ ચાલુ છે. તેમજ નાકાબંધી કરવામાં આવી છે. મહિલા નિવેદન આપી શકે તેવી હાલતમાં નથી. હાલ તો તેમની પાસેથી બ્રેસલેટ ગયાનું જાણવા મળ્યું છે. મહિલા નિવેદન આપે ત્યારે કેટલાની લૂંટ થઈ તે જાણી શકાશે. આ બંગલામાં મહિલા તેના પતિ, તેના પુત્ર અને સસરા સાથે રહે છે.

પોશ વિસ્તારમાં બંગલામાં ધોળા દિવસે લૂંટ થઈ.
પોશ વિસ્તારમાં બંગલામાં ધોળા દિવસે લૂંટ થઈ.

એક મહિના પહેલા પણ બંગલામાં લૂંટની ઘટના બની હતી
એક મહિના પહેલા જ રાજકોટના રોયલ પાર્કમાં શેરી નં.7માં સનસનાટી ફેલાવી દે એવી લૂંટની ઘટના બની હતી. ‘માતોશ્રી’ બંગલામાં નેપાળી શખસોએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. તરુણ સવારે 7 વાગ્યે સૂતો હતો ત્યારે નેપાળી નોકર અનિલ ઉર્ફે રામે તેને ઉઠાડ્યો હતો. ત્યારબાદ તેના સાગરીતો સાથે મળીને તેણે તરુણને બંધક બનાવ્યો હતો. બાદમાં સોનાની લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનાને અંજામ આપવામાં અનિલની પત્ની પણ સંડોવાયેલી હતી. દરમિયાન આ બનાવ સમયે તરુણનો પરિવાર અમદાવાદ એરપોર્ટ પર હતો. જોકે, પોલીસે મહેસાણાના બહુચરાજીથી 6 આરોપીને ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...