તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાગદડી મહંત આપઘાત કેસ:મહંતના ગુરુ-ટ્રસ્ટીઓ સહિતનાઓએ સાથે મળી કાવતરું ઘડ્યું અને પુરાવાનો નાશ કર્યો; બે ડોક્ટર, સરકારી વકીલ સહિત વધુ 4 નવા આરોપી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહંત જયરામદાસ બાપુની તસવીર - Divya Bhaskar
મહંત જયરામદાસ બાપુની તસવીર
  • મહંત પાસેથી પડાવેલા રૂપિયામાંથી ખરીદેલા હિટાચી, બોલેરો અને કાર કબજે કરાયા

કાગદડીના ખોડિયાર આશ્રમના મહંત જયરામદાસે કરેલા આપઘાત મામલામાં પોલીસ આરોપીઓને બચાવવા મથી રહી છે, મહંતે આપઘાત કર્યાની આશ્રમના તમામ ટ્રસ્ટીઓ, મહંતના ગુરુ, દાદાગુરુ, ગુરુભાઇ સહિત તમામ લોકોને જાણ હતી અને આપઘાત પાછળ યુવતી સાથેનો વીડિયો કારણભૂત હોવાથી આશ્રમની આબરૂ બચાવવા તમામ લોકોએ કાવતરું ઘડી મોતનું ખોટું કારણ દર્શાવતું ડેથ સર્ટિફિકેટ બનાવી મૃતદેહનો અગ્નિસંસ્કાર કરી પુરાવાનો નાશ કર્યો હતો, જોકે પોલીસ હજુ સુધી સંડોવાયેલા સાધુઓ અને ટ્રસ્ટીઓ સામે કાર્યવાહી કરવામાં ઢીલ દાખવી રહી છે.

મહંત જયરામદાસ બાપુએ 1 જૂને આપઘાત કર્યો હતો.
મહંત જયરામદાસ બાપુએ 1 જૂને આપઘાત કર્યો હતો.

20 પેજની સ્યૂસાઇડ નોટ મળી હતી
ખોડિયાર આશ્રમના મહંત જયરામદાસે ઝેરી ટીકડાં પીને આપઘાત કર્યો હતો, તા.1ના સવારે ટ્રસ્ટી અને આ કેસના ફરિયાદી રામજી લીંબાસિયા આશ્રમે ગયા ત્યારે તેને મહંતનો મૃતદેહ જોવા મળ્યો હતો અને મહંતે કરેલી ઊલટીના ડાઘ જોવા મળ્યા હતા, તથા મહંતના રૂમમાંથી 20 પેજની સ્યૂસાઇડ નોટ પણ તેને મળી હતી. રામજી લીંબાસિયાએ એ પળે જ આશ્રમના તમામ ટ્રસ્ટીઓ, મહંતના ગુરુ, દાદાગુરુ અને ગુરુભાઇ સાધુ રઘુવીરદાસ સહિતનાઓને જાણ કરતાં તમામ લોકો આશ્રમે દોડી ગયા હતા.

આરોપી રક્ષિત કલોલાની ફાઈલ તસવીર.
આરોપી રક્ષિત કલોલાની ફાઈલ તસવીર.

બ્લેકમેલ કરતા હોવાથી કર્યો હતો આપઘાત
મહંતના ગુરુ સહિતનાઓ અને ટ્રસ્ટીઓમાં ઘટના અંગે ચર્ચા થઇ હતી કે, મહંત જયરામદાસના બે યુવતીઓ સાથેના છ વીડિયો અલ્પેશ અને હિતેષ પાસે છે અને તે બંને શખ્સ તે મુદ્દે બ્લેકમેઇલ કરતા હોય કંટાળીને જયરામદાસે આપઘાત કર્યો છે, સ્યૂસાઇડ નોટમાં પણ તે બાબતનો ઉલ્લેખ છે, યુવતીનો મામલો જાહેર થશે તો આશ્રમની આબરૂ જશે જેથી મહંત જયરામદાસે આપઘાત નહીં પરંતુ તેનું કુદરતી મૃત્યુ થયું છે તેવું ડેથ સર્ટિફિકેટ મેળવવા કાવતરું ઘડવામાં આવ્યું હતું.

ડેથ સર્ટીફિકેટ બનાવનાર મેડિકલ ઓફિસર ડો. કાલરીયાને પણ આરોપીમાં લેવામાં આવ્યો.
ડેથ સર્ટીફિકેટ બનાવનાર મેડિકલ ઓફિસર ડો. કાલરીયાને પણ આરોપીમાં લેવામાં આવ્યો.

ડીસીપી ઝોન-1 પ્રવીણકુમાર મીણાએ સોમવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સરકારી વકીલ રક્ષિત કલોલા મહંતે આપઘાત કર્યો હોવાનું પ્રથમ દિવસથી જ જાણતો હોવાના પુરાવા મળ્યા છે, તેમજ દેવ હોસ્પિટલના સંચાલક ડો.નિલેશ નિમાવતે તેની હોસ્પિટલના ડો.કમલેશ કારેલિયાને કહેતા તેણે હોસ્પિટલના મેડિકલ ઓફિસર ભૌતિક સોજીત્રા પાસે ડેથ સર્ટિફિકેટ બનાવડાવ્યું હતું. બીજીબાજુ અગાઉ જેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો તે અલ્પેશ પ્રતાપ સોલંકી, હિતેષ લખમણ જાદવે બ્લેકમેઇલ કરી પડાવેલા રૂ.20 લાખમાંથી ખરીદ કરેલા હિટાચી, બોલેરો અને સ્વિફ્ટ કાર કબજે કરવામાં આવ્યા હતા.

સરકારી વકીલ રક્ષિતે સ્યૂસાઇડ નોટ અન્ય સાધુને મોકલી હતી
મહંત જયરામદાસે તા.1ના આપઘાત કર્યો હતો. આ મામલે તા.8ના પોલીસે ગુનો નોંધ્યો હતો. મહંતનું કુદરતી મૃત્યુ નહીં પરંતુ આપઘાત હોવાની સરકારી વકીલ રક્ષિત કલોલા સહિત અનેક લોકો જાણતા હતા. રક્ષિતે તા.1ના જ મહંતે ઊલટી કરી હતી તે સાફ કરવા સેવકને સૂચના આપી હતી તેમજ તે દિવસે જ તેને મળેલી સ્યૂસાઇડ નોટ મહંતના ગુરુભાઇ અને હાલમાં ખોડિયાર આશ્રમના ગાદીપતિ સાધુ રઘુવીરદાસને ફોટો પાડી મોબાઇલમાં મોકલી આપી હતી. સાધુ રઘુવીરદાસને સ્યૂસાઇડ નોટ મોકલવાનો હેતુ શું હતો?, હાલમાં રઘુવીરદાસ ખોડિયાર આશ્રમના ગાદીપતિ બન્યા છે તો મહંત જયરામદાસને ઉથલાવી રઘુવીરદાસને મહંત બનાવવાનો કારસો હતો કે કેમ સહિતના મુદ્દે પણ તપાસ થવી જોઇએ.

પડાવેલા પૈસામાંથી અલ્પેશ મકાન ખરીદવા ઇચ્છતો હતો
ડીસીપી મીણાએ જણાવ્યું હતું કે, આરોપીઓ અલ્પેશ, હિતેષ અને વિક્રમ સોહલા મહંત જયરામદાસને બ્લેકમેઇલ કરી પૈસા પડાવતા હતા અને તેણે રૂ.20 લાખ જેવી રકમ પડાવી હતી, બ્લેકમેઇલથી મેળવેલા પૈસામાંથી અલ્પેશ રાજકોટમાં મકાન ખરીદ કરવા ઇચ્છતો હતો અને તે માટે તેણે પ્રયાસ કર્યા હતા જોકે મકાન ખરીદ કર્યું નહોતું.

આપઘાતની તપાસ કરીએ છીએ, યુવતીએ મહંતને બ્લેકમેઇલ નથી કર્યા: DCP

મહંતના આપઘાત મામલામાં પોલીસ શરૂઆતથી જ ઢાંકપિછોડો કરતી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું હતું. તપાસનીશ અધિકારી અને ઉચ્ચ અધિકારી અલગ અલગ નિવેદનો આપી રહ્યા છે. સોમવારે ડીસીપી મીણાએ પત્રકાર પરિષદમાં કેટલાક પ્રશ્નોના જવાબ ટાળ્યા હતા તો કેટલાક આશ્ચર્યજનક જવાબો આપ્યા હતા. ડીસીપીને પૂછાયેલા પ્રશ્નો અને તેમણે આપેલા જવાબો અત્રે પ્રસ્તુત છે.

પ્રશ્ન: મહંત સાથે બે યુવતીઓએ એકાંત માણ્યો હતો અને તેના વીડિયોથી આરોપીઓ મહંતને બ્લેકમેઇલ કરતા હતા તો યુવતીઓ સામે કેમ કાર્યવાહી થઇ નથી?
જવાબ
: અમે આપઘાતની તપાસ કરીએ છીએ, યુવતીનું નિવેદન નોંધ્યું છે તેણે મહંતને મરવા માટે મજબૂર નથી કર્યા.

પ્રશ્ન: પરંતુ વીડિયોને કારણે તો બ્લેકમેઇલ કરાતા હતા, યુવતીઓ પણ જાણતી હતી કે વીડિયો ઉતારવામાં આવ્યો છે.
જવાબ
: તેનું શારીરિક શોષણ નથી થયું, તેવું યુવતીએ કહ્યું છે.

પ્રશ્ન: આરોપીઓ અલ્પેશ, હિતેષ અને વિક્રમે બ્લેકમેઇલ કરી રૂ.20 લાખ પડાવ્યા છે તો બળજબરીથી પૈસા પડાવવાની આઇપીસી 386 કેમ લગાવવામાં આવી નથી?
જવાબ
: (બાજુમાં બેઠેલા એસીપી ટંડેલને પૂછ્યું કે આ કલમ લાગી શકે, ટંડેલે હા કહી) હા એ કલમનો ઉમેરો કરીશું.

પ્રશ્ન: આશ્રમના ટ્રસ્ટી અને આપઘાત મામલાના ફરિયાદી રામજી લીંબાસિયા તમામ ઘટના જાણતા હતા તો તે આરોપીની યાદીમાં કેમ નથી?
જવાબ
: હા તપાસ ચાલુ છે, તે પણ આરોપી બનશે.

અન્ય સમાચારો પણ છે...