• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Magic Of This Rajkot Seat In Getting Modi To The Prime Minister, Fought The First Election Of His Life In 2002 And Became The CM, Preached In A Rickshaw

PM બર્થ ડે સ્પેશિયલ:મોદીને વડાપ્રધાન સુધી પહોંચાડવામાં રાજકોટની આ બેઠકનો જાદુ, 2002માં જીવનની પ્રથમ ચૂંટણી લડ્યા અને CM બન્યા હતા, છકડો રિક્ષામાં પ્રચાર કર્યો હતો

રાજકોટએક મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • 2002માં વજુભાઈ વાળાએ મોદી માટે રાજકોટ-2ની બેઠક ખાલી કરતાં પેટાચૂંટણી આવી હતી

આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. સમગ્ર દેશમાં આજે વિકાસનાં કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે, પરંતુ આજે અમે તમારા માટે PM મોદીના જીવનની પ્રથમ ચૂંટણીનો રસપ્રદ કિસ્સો રજૂ કરવા જઈ રહ્યા છીએ. વર્ષ 2002માં તેમણે પોતાના જીવનની પ્રથમ ચૂંટણી રાજકોટ ધારાસભાની બેઠક 2 પરથી લડી અને તેઓ આ બેઠક જીતીને ગુજરાતના 15મા CM બન્યા હતા. રાજકોટ ધારાસભાની બેઠક 2 હવે પશ્ચિમની બેઠકથી ઓળખાય છે. આ બેઠક ભાજપનો ગઢ ગણવામાં આવે છે. અહીંથી કોઇપણ ઉમેદવાર ઊભો રહે, એટલે કેસરિયો લહેરાય એ નક્કી જ હોય છે. નરેન્દ્ર મોદી પહેલી ચૂંટણી રાજકોટની આ બેઠક પર લડ્યા હતા અને જીત હાંસલ કરી હતી. બાદમાં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને હાલ વડાપ્રધાન છે. રાજકોટની આ સીટ જાદુઈ માનવામાં આવે છે. નરેન્દ્ર મોદી રાજકોટથી પ્રથમ ચૂંટણી લડ્યા હતા ત્યારે તેમણે છકડો રિક્ષામાં પ્રચાર કર્યો હતો.

વજુભાઈએ મોદી માટે બેઠક ખાલી કરી હતી, સીધા CM બન્યા હતા
કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા આ સીટ પરથી સતત જીતતા આવ્યા હતા. આ બેઠક પરથી લડવા ભાજપના મોટા ગજાના નેતા તલપાપડ હોય છે, કારણ કે આ બેઠક લક્કી માનવામાં આવે છે. અહીંથી જે ઉમેદવાર ઊભો હોય તે સીએમ સુધી પહોંચી શકે છે એવી માન્યતાઓ છે અને એ સાચી પણ પડે છે. 2002ની સાલમાં મોદીનો જાદુ ગુજરાત પર છવાયો હતો. એમાં મોદી મેજિક છવાયો હતો. સવાલ એ હતો કે તેઓ મુખ્યમંત્રીના પ્રબળ દાવેદાર હતા, પરંતુ એકપણ વખત ધારાસભા લડ્યા નહોતા, મોદીને પણ ગુજરાતભરમાં રાજકોટની 2 નંબરની બેઠક જ સેઇફ લાગી અને અહીંથી ચૂંટણી લડ્યા ને જંગી બહુમતીથી જીત્યા હતા તેમજ સીધા મુખ્યમંત્રી બની ગયા હતા.

14 હજારથી વધુ મતે મોદી વિજેતા બન્યા હતા
નરેન્દ્ર મોદી વર્ષો સુધી સંઘના પ્રચારક રહ્યા હતા. 1990ના દાયકામાં ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી હતા. ઓકટોબર 2001માં તેમને મુખ્યમંત્રીપદની જવાબદારી સોંપવામાં આવેલી. એ વખતે તેઓ વિધાનસભાના સભ્ય ન હતા. મુખ્યમંત્રી તરીકે ટકી રહેવા 6 મહિનામાં વિધાનસભામાં ચૂંટાવું અનિવાર્ય હતું. એ વખતે વજુભાઈ વાળાએ તેમના માટે રાજકોટ-2ની બેઠક ખાલી કરતાં પેટાચૂંટણી આવી હતી, જેમાં મોદીએ ઉમેદવારી કરી હતી. ફેબ્રુઆરી 2002માં મુખ્યમંત્રી તરીકે તેઓ રાજકોટથી પેટાચૂંટણી લડી અને જીત હાંસલ કરી હતી. ઘણાને ચૂંટણી જિતાડવાનો તેમને અનુભવ હતો, પરંતુ જિંદગીની પહેલી ચૂંટણી તેઓ રાજકોટમાં લડેલા અને 14 હજારથી વધુ મતથી વિજેતા બન્યા હતા.

વજુભાઈ ઇન્ચાર્જ સીએમ સુધીના પદ ભોગવી ચૂક્યા છે - ફાઈલ તસ્વીર
વજુભાઈ ઇન્ચાર્જ સીએમ સુધીના પદ ભોગવી ચૂક્યા છે - ફાઈલ તસ્વીર

વજુભાઈ ગવર્નર બનતાં બેઠક ખાલી થતાં વિજય ભાઈ લડ્યા હતા
2014માં વજુભાઈ વાળા ગવર્નર બનતાં આ બેઠક પરથી રાજીનામું આપતાં આ બેઠક પર પેટાંચૂંટણી આવી હતી. આ મુદ્દે ભાજપે વિજય રૂપાણીને મેદાનમાં ઉતાર્યા હતા, જેમાં વિજયભાઇનો વિજય થયો હતો અને એક જ વર્ષમાં તેમને પ્રદેશ પ્રમુખ બનાવાયા અને બાદમાં સીધા સીએમ બની જતાં આ બેઠકનો જાદુ ફરી જોવા મળ્યો હતો.

વજુભાઈ વાળા સતત જીતતા આવ્યા હતા - ફાઈલ તસ્વીર
વજુભાઈ વાળા સતત જીતતા આવ્યા હતા - ફાઈલ તસ્વીર

વજુભાઈ ઇન્ચાર્જ સીએમ સુધીના પદ ભોગવી ચૂક્યા છે
રાજકોટની પશ્ચિમ બેઠક પર લડનારા ભાજપના નેતાઓ અત્યારે મોભાનું સ્થાન ધરાવે છે. વજુભાઈ વાળા સતત જીતતા આવ્યા હતા છતાં સીએમ ન બન્યા, પરંતુ મોદીની ગેરહાજરીમાં તેઓ ઇન્ચાર્જ સીએમ સુધીના પદ ભોગવી ચૂક્યા છે અને આ બાદ તેઓ કર્ણાટકના ગવર્નરના સ્થાને પોતાની ભૂમિકા ભજવી આજે ફરી રાજકોટ આવી પહોંચ્યા છે. મોદી લડ્યા તો તે વડાપ્રધાન છે અને વિજયભાઇ લડ્યા તો તે સીએમ બની ગયા. આ બેઠક ભાજપ માટે જાદુનું કામ કરી રહી હોવાની ચર્ચા છે.

રાજકારણમાં રાજકોટનું કદ મોખરે
ગુજરાતથી લઇ દિલ્હી સુધીના રાજકારણમાં રાજકોટનું કદ મોટું ગણી શકાય. અનેક કદાવર નેતા રાજકોટ સાથે નાતો ધરાવે છે. વડાપ્રધાન સૌપ્રથમ ચૂંટણી રાજકોટથી લડ્યા તો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટના રહેવાસી છે. વજુભાઈ વાળા ગવર્નર રહી ચૂક્યા છે તો જયેશ રાદડિયા અને કુંવરજી બાવળિયા ભાજપના મંત્રીપદનું સ્થાન ધરાવી ચૂક્યા છે, જ્યારે ગોવિંદ પટેલ પણ ધારાસભ્ય તરીકે સક્રિય છે અને રાજ્યસભાના સાંસદ તરીકે પણ રાજકોટના રામભાઈ મોકરિયા સ્થાન ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...