તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોહી તરસ્યા દીપડા:જંગલો ઘટ્યાં તો શહેર-ગામો તરફ વળ્યા દીપડા, જગ્યા બદલાતાં ચાલાક શિકારી દીપડા મારણની પેટર્ન બદલીને હવે બપોરના સમયમાં કરે છે હુમલા

રાજકોટ3 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • 2017માં ગુજરાતમાં 1300 દીપડા હતા, જે સંખ્યા 2021માં 1700ને પાર, હવે જંગલો ઓછાં પડી રહ્યાં છે
  • દર અઠવાડિયે રાજ્યમાં દીપડાના માનવી પર હુમલાની સરેરાશ એક ઘટના, છેક ગાંધીનગર સુધીના આંટાફેરા
  • આદમખોર દીપડાને આજીવન કેદની સજા પડે છે, રાજ્યમાં દીપડાની જેલ ઓલ મોસ્ટ ફુલ

ગુજરાતમાં દીપડાની સંખ્યામાં વધારો થતો જાય છે અને બીજી તરફ જંગલો ઘટતાં જાય છે. આ કારણે હવે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં દીપડાના દેખાવા ઉપરાંત હુમલાની ઘટનાઓ પણ સતત વધી રહી છે. વન વિભાગના આંકડાઓ અનુસાર, ગુજરાતમાં 2017ની સાલમાં 1300 દીપડા હતા, જે આંક 2021 આવતા સુધીમાં તો 1700ને પાર કરી ગયો છે. અત્યંત ચાલાક શિકારી ગણાતા દીપડાએ મારણની પેટર્ન પણ બદલી છે. દીપડા હવે રાતને બદલે બપોરે શિકાર કરી રહ્યા છે અને ગુજરાતમાં અઠવાડિયામાં માનવી પર દીપડાના હુમલાની સરેરાશ એક ઘટના નોંધાય છે. એમાં પણ છેલ્લા કેટલાક સમયથી આવા બનાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દીપડા એક વખત માનવીનું લોહી ચાખી જાય એટલે આદમખોર બની જાય છે.

ચાલાક શિકારી દીપડાએ હુમલાની પેટર્ન બદલી
વન્યજીવ-નિષ્ણાતોનું માનવું છે કે શિકારનો વિસ્તાર બદલાતાં હવે તેણે શિકારની પેટર્ન પણ બદલી છે. ગીર સહિતના આસપાસના એરિયામાં દીપડાની વસતિ વધી રહી છે. દીપડા સીમમાં શેરડી અને તુવેરનાં ખેતરોમાં છુપાઈને પડ્યા રહે છે. સામાન્ય રીતે દીપડા મોડી રાતે અથવા તો વહેલી સવારે હુમલા કરતા હોય છે, પરંતુ છેલ્લા થોડા સમયથી બપોર બાદ 3થી 6ની વચ્ચે માનવ વસાહતમાં અને માલધારીઓ પર હુમલા કરી રહ્યા છે, જે ચિંતાજનક બાબત છે.

ગીર અભયારણ્યના સીસીએફ દુષ્યંત વસાવડાએ જણાવ્યું હતું કે છેલ્લે આપણે 2016માં માત્ર ત્રણ જિલ્લા અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથમાં ગણતરી કરી હતી, ત્યારે 600 દીપડા હતા. હવે 2021માં ગણતરી થશે. આ વખતે વધારો આવશે પણ આંકડો અત્યારે કહી ના શકાય. અત્યારે પાંજરામાં 100 કરતાં વધુ દીપડા પૂર્યા છે, જે અલગ અલગ પાર્કમાં રાખેલા છે.

માનવભક્ષી દીપડાને પણ જેલની સજા કરાય છે
બહુ ઓછા લોકોને ખબર હશે કે જે રીતે માનવીને જેલની સજા થાય એ રીતે દીપડા અને સિંહ જેવાં પ્રાણીઓ પણ માનવ પર હુમલો કરે કે મારી નાખે તો તેને પણ જેલની સજા ભોગવવી પડે છે. મજાની વાત એ છે માનવીનું લોહી ચાખી ગયા હોય તેવા 50થી વધુ દીપડા તો અત્યારે આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. માત્ર વિસાવદર રેન્જમાંથી જ 60 દિવસમાં 32 દીપડા ઝડપાયા છે, જેને લઇ સાસણ જેલ હાઉસફુલ થઇ ગઇ છે. આગામી દિવસોમાં વધુ આદમખોર દીપડા પકડાશે તો તેમને અન્યત્ર કેદ કરવા પડશે એવી સ્થિતિ થઈ છે.

માનવભક્ષી દીપડાનો ભોગ બનેલા લોકોના કિસ્સા

કિસ્સો-1: મહુવામાં કપાસ વીણતી મહિલાનું દીપડાના હુમલાથી મોત થયું હતું
બે મહિના પહેલાં ગોપનાથ-રાજપરાના વતની અને મહુવા તાલુકાના કસાણ ગામે કપાસ વીણવાની મજૂરીએ આવેલાં આરતીબેન શામજીભાઇ મકવાણા (ઉં.વ.20) વાડીમાં મોડી સાંજે 7-00 વાગ્યે કપાસ વીણવાનું કામ કરી રહ્યાં હતાં. એ વખતે અચાનક આવી ચડેલા દીપડાએ તેમની પર હુમલો કરતાં અને ગંભીર ઇજા પહોંચતાં તેમને મહુવાની હોસ્પિટલમા ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં ફરજ પરના તબીબે તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. આ વિસ્તારમાં અવારનવાર દીપડા હુમલા કર્યા કરે છે.

કિસ્સો-2: ગીર-પૂર્વમાં વાડીમાંથી બાળકને દીપડો ઢસડી ગયો
ત્રણ મહિના પહેલાં ધારી ગીર પૂર્વની પાણિયા રેન્જમાં આવેલા ભગીરથભાઈની વાડીમાં પાંચ વર્ષનો બાળક રમી રહ્યો હતો. ત્યારે અચાનક જ દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. દીપડાએ બાળકને ગળેથી પકડ્યો હતો, જેને લઈને તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યાર બાદ દીપડો તેને ઢસડીને દૂર લઈ ગયો હતો. બાળકના પરિવારને બાળકને શોધી રહ્યા હતા. ત્યારે નદીકિનારે બાળક લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. પરિવારે તાત્કાલિક 108ને ફોન કરી બોલાવી લીધા હતા, પરંતુ 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચે એ પહેલાં જ બાળકનું મોત થયું હતું.

કિસ્સો-3: દલખાણિયા રેન્જમાં વૃદ્ધને દીપડાએ ફાડી ખાધા
20 દિવસ પહેલાં ધારી-ગીરની દલખાણિયા રેન્જમાં આવતા અમૃતપુર ગામની નજીક એક વાડી વિસ્તારમાં દીપડાએ ફાડી ખાધેલી હાલતમાં એક 75 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળ્યો હતો. ગામના જ રહેવાસી એવી મનુભાઈ સાવલિયાનો મૃતદેહ મળતાં ગ્રામજનો વાડી વિસ્તારમાં એકઠા થયા હતા. ગ્રામજનોએ બનાવ અંગે વન વિભાગને જાણ કરી હતી. ગ્રામજનોએ આ વિસ્તારમાં અવારનવાર દીપડાના હુમલા થવા છતાં વન વિભાગ નિષ્ક્રિય હોવાની ફરિયાદો કરી હતી.

એક વખત માનવનું લોહી ચાખે એટલે દીપડા આદમખોર બને છે
જો સિંહ કે દીપડો કોઈ માણસને મોતને ઘાટ ઉતારે તો એને મોટે ભાગે આજીવન કેદની સજા આપવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે એક વખત માણસનું લોહી ચાખી ગયેલા દીપડાઓ આદમખોર બની જાય છે, આથી તે ફરી વખત કોઈ માણસ પર હુમલો ન કરે એ માટે એને કાયમ માટે પાંજરે પૂરી દેવામાં આવે છે. આવા દીપડાને સાસણ ગીર અને જૂનાગઢના સક્કરબાગ ઝૂ સહિત વિવિધ પ્રાણી સંગ્રહાલયમાં મોકલી દેવામાં આવે છે.

તરછોડાયેલા દીપડાના બચ્ચાને પણ આજીવન પાંજરે પુરાય છે
જંગલ ખાતાના અનુભવી લોકો કહે છે, દીપડાના બચ્ચાની માતા કોઈ રીતે મૃત્યુ પામી હોય અથવા તો બચ્ચાને છોડીને જતી રહી હોય તો તેવા બચ્ચાને પણ આજીવન પાંજરે પૂરી દેવામાં આવે છે, કારણ કે આવા બચ્ચાને શિકાર કરતા આવડતું હોતું નથી, આથી ઈન્ફાઈટમાં તેના મૃત્યુ થવાનો ડર રહે છે. આવા વન્ય પ્રાણીઓની સંખ્યાને ધ્યાને લઇ એને રક્ષણ માટે પણ કેદમાં રાખવામાં આવે છે

દીપડો આદમખોર હોય છે, માનવ પર કઈ રીતે હુમલો કરે એ પ્રમાણે સજા
વન્ય ખાતાના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે માત્ર સાસણની જ વાત કરીએ તો અહીં એક ડઝનથી વધુ દીપડાને કેદ કરવામાં આવ્યા છે. કોઇ દીપડો માનવ વસાહતમાં જઇને હુમલો કરે તો તેને પાંજરે પૂરવામાં આવે છે. એમાં એની વર્તણૂક જોવામાં આવે છે. ઘણી વખત એકાદ- બે વર્ષમાં એને છોડી મૂકવામાં આવે છે. જો દીપડો કોઇ માનવને ફાડી ખાઇ હત્યા કરી હોય તો એને પરત છોડવામાં આવતો નથી. ેને આજીવન પાંજરે પૂરવામાં આવે છે.

હુમલો કર્યા બાદ ક્યો દીપડો હતો એ ઓળખવો મુશ્કેલ બને છે
જંગલ ખાતાનાં સૂત્રોમાંથી જાણવા મળે છે કે કોઇ ચોક્કસ વિસ્તારમાં દીપડો માનવ પર હુમલો કરે તો તે વિસ્તારમાં પાંજરા મૂકી એને શોધવામાં આવે છે. કોઇ દીપડો મળે તો એના પર નક્કી કરવું મુશ્કેલ છે કે, આ જ દીપડો છે. અમુક પરીક્ષણો હોય છે, પરંતુ દરેક દીપડા પર એ થતા હોતા નથી. આમાં ઘણી વખત નિર્દોષ દીપડા પણ ભોગ બને તેવું બનતું હોય છે. જોકે એની વર્તણૂક પરથી અંદાજ આવી જતો હોય છે.

દીપડાથી બચવા ગીરમાં ખેડૂતોને પાંજરામાં સૂવાનો વારો આવ્યો
માનવનું જંગલતરફી અતિક્રમણ દિવસ ને દિવસે નવી ઉપાધિ ઊભી કરી રહ્યું છે. અતિક્રમણ અને જંગલમાં ખોરાકના અભાવને કારણે રાજ્યમાં જૂનાગઢ, બનાસકાંઠા, દાહોદ, તાપી અને ડાંગ જિલ્લામાં ખોરાકની શોધમાં દીપડા માનવવસતિ વચ્ચે આવી રહ્યા છે. ફોરેસ્ટ વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યમાં દર મહિને સરેરાશ ચારથી વધુ વખત દીપડા અને માણસ અથડામણ થાય છે. એક સમયે ગીર વિસ્તારમાં દીપડાથી બચવા માટે ખેડૂતોને પાંજરામાં પણ સૂવાનો વારો આવ્યો હતો.

2006માં ગુજરાતમાં દીપડાની સંખ્યા 1070 હતી
ગુજરાતમાં વર્ષ 2006માં 1070 દીપડા હોવાનું વન વિભાગે જાહેર કર્યું હતું. ત્યાર બાદ 2017માં આ આંકડો 1300થી વધુ સુધી પહોંચી ગયો હતો. જોકે વાઈલ્ડલાઈફ નિષ્ણાતો તો એવું કહી રહ્યા છે કે હાલમાં 1700થી વધુ દીપડાઓ ગુજરાતમાં છે, એમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં છે. એકાદ વર્ષમાં હવે ફરી દીપડાની ગણતરી હાથ ધરવામાં આવશે. સૌરાષ્ટ્રના ચાર જિલ્લા ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને પોરબંદર જિલ્લામાં સૌથી વધુ દીપડાઓનો વસવાટ છે. એક હજારથી વધુ દીપડાઓ આ ટેરટરીમાં હોવાનો અંદાજ છે. હવે તો રાજકોટના ગામડાં અને ગાંધીનગરના સચિવાયલ સુધી દીપડાઓ પહોંચી ગયા છે.

દેશમાં 12852 દીપડાનો વસવાટ
દેશભરમાં દીપડાની સંખ્યા વધી છે. છેલ્લાં છ વર્ષમાં 60 ટકા સંખ્યા વધી છે. સ્ટેટસ ઓફ લેપર્ડ ઈન ઈન્ડિયા 2018નો અહેવાલ ભારત સરકારે 21 ડિસેમ્બર 2020માં જાહેર કર્યો, એ મુજબ દેશમાં 12852 દીપડાની સંખ્યા છે. તેમાં સૌથી વધુ મધ્યપ્રદેશમાં 3421, ત્યાર બાદ કર્ણાટકમાં 1783 અને ત્રીજા નંબરે મહારાષ્ટ્રમાં 1690 દીપડા હોવાનું જાહેર કરાયું હતું.