તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગોંડલ શહેરના ભગવતપરામાં અચાનક દિપડાએ દેખા દેતા નગરપાલિકા, મામલતદાર અને વન વિભાગ હરકતમાં આવ્યું હતું. દીપડાએ ફાયર બ્રિગેડનાં એક કર્મચારી પર હુમલો કરતાં ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. ભગવતપરા શેરી નંબર 5 સરકારી શાળા પાસે સવારે સાડા અગિયાર નાં સુમારે બંધ અવાવરું મકાનમાં દીપડો હોવાની જાણ નગરપાલિકા, મામલતદાર તંત્ર અને વન વિભાગને થતાં તંત્ર તાકીદે દોડી ગયું હતું. દીપડો આવ્યો ની બૂમરાણ ઉઠતા દીપડાને જોવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા આ દરમિયાન દીપડાએ નગરપાલિકા ફાયર વિભાગમાં નોકરી કરતાં દીપકભાઈ વેગડા પર હુમલો કરતાં ગંભીર રીતે ઘવાયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
દરમ્યાન વનવિભાગ નાં એ.આઇ.એફ.કોટડીયા, આર.એફ.ઓ.ફળદુ, ફોરેસ્ટર એચ.એમ.જાડેજા સહિત નાંએ રેસ્ક્યુ હાથ ધર્યુ હતું. અવાવરું મકાનમાં ફળિયું નાનું હોય પાંજરૂ મુકી શકાય તેમ ન હોય વનવિભાગે ડાઇટ ગન દ્વારા આઠ કલાકની જહેમત બાદ બેભાન કરી દિપડાને ઝબ્બે કરી જુનાગઢ રવાનાં કર્યો હતો.
ભગવતપરામાં ઘુસેલો દિપડો પ્રથમ રાજુભાઈ કોન્ટ્રાક્ટરનાં મકાનમાં ઘુસ્યો હતો.પરંતુ ઘરમાં રહેલી રાજુભાઈની દિકરીઓએ દેકારો કરી મૂકતાં દિપડો અડીને જ આવેલાં બંધ, અવાવરું પડેલાં મકાનમાં ભરાઇ ગયો હતો.ફાયર બ્રિગેડ,વનવિભાગ તથાં પોલીસ તંત્ર દ્વારા દિપડાને પકડવાં દોડધામ કરી હતી.પરંતુ દિપડો હાથ આવતો ન હતો.આઠ કલાકની સંતાકુકડી બાદ તંત્રને હંફાવી રહેલાં દિપડાને ગન દ્વારા બેભાન કરી ઝબ્બે કરાયો હતો.ગોંડલ પંથક માટે સિંહ અને દિપડાઓને જાણે લગાવ હોય તેમ ગ્રામ્ય વિસ્તારોમાં મારણની અનેક ઘટનાઓ બનતી રહે છે.ત્યારે વગડો મુકી આજે શહેરમાં ઘુસી આવેલાં દિપડાએ તંત્રને દોડાદોડી કરાવી ભર શિયાળે પરસેવો લાવી દીધો હતો.
80 વર્ષનાં માજીએ સાવરણી ઉગામતાં દીપડો સામેના મકાનમાં જતો રહ્યો
દીપડો જ્યાં ઘૂસ્યો છે એની સામેના મકાનમાં પહેલા દીવાલ ટપીને આવ્યો હતો. ત્યાં 80 વર્ષની ઉંમરનાં લાભુબેન ડાયાભાઇ જેઠવા નામનાં માજી ફળિયામાં બેઠાં હતાં. તેમણે સાવરણી હાથમાં લેતાં ડેલી ખૂલી હતી એટલે ત્યાંથી એ સામેના મકાનની બેઠક ખુલ્લી હતી ત્યાં ઘૂસી ગયો હતો.
હાલ વન વિભાગે દીપડાને પકડવા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું
મળતી વિગત મુજબ, ગોંડલ શહેરના ભગવતપરા શાળા નં 5 પાસે આવેલા બંધ મકાનમાં દીપડો હોવાના સમાચાર મળતાં લોકોનાં ટોળાં ઊમટી પડ્યાં હતાં. સમગ્ર ઘટનાની જાણ થતાં ફોરેસ્ટ વિભાગના અધિકારી દોડી આવ્યા હતા તેમજ સ્થાનિક પોલીસ તેમજ નગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
લોકો ડરને લીધે પોતાના ઘરની અગાસી પર ચડી ગયા
ગોંડલના રહેણાક વિસ્તારમાં દીપડો આવી ચડતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. દીપડો બંધ મકાનમાં હોવાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા, જેને લઈને રસ્તા પર ટ્રાફિકજામનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. વન વિભાગની ટીમે બંધ મકાનમાં દીપડો છે કે નહીં એની તપાસ કરવા જતાં દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો, જેમાં નગરપાલિકાના એક કર્મચારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
દીપડાએ વન વિભાગના અધિકારી પર હુમલો કરતાં રાજકોટ સિવિલમાં ખસેડાયા
દીપડાએ અચાનક નગરપાલિકાના કર્મચારી પર હુમલો કરતાં તેઓ ઈજાગ્રસ્ત થયા હતા, જેથી તેમને તાત્કાલિક સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ગોંડલ સિટીમાં પહેલીવાર દીપડો આવી ગયોઃ સાંસદ રમેશ ધડૂક
સાંસદ રમેશ ધડૂકે જણાવ્યું હતું કે વન ખાતાના તમામ અધિકારીઓ અહીં આવી ગયા છે. પીંજરાં પણ ગોઠવી દેવામાં આવ્યાં છે. ડોક્ટરની ટીમ પણ આવી ગઈ છે. દીપડાને બેભાન કરીને પીંજરે પૂરવામાં આવશે. મારા ધ્યાનમાં ગોંડલ સિટીમાં દીપડો પહેલીવાર આવી ગયો છે, આથી લોકોમાં ખૂબ જ ભયનો માહોલ છે. રાજકોટ ACF શૈલેશ કોટડિયાએ જણાવ્યું હતું કે ગોંડલના ભગવતીપરામાં આજે 11.30 વાગ્યે મેસેજ મળ્યો હતો કે શેરી નં.9માં દીપડો ઘૂસી ગયો છે, આથી તાત્કાલિક અમે સ્થળ પર પહોંચી ગયા છીએ. એ એક ઘરની અંદર પુરાયેલો છે. સ્થળનું નિરીક્ષણ કરી લીધું છે. જૂનાગઢથી રેસ્ક્યૂ ટીમ આવી ગઈ છે.
અમે રૂમમાં બેઠા હતા અને અચાનક દીપડો નીકળ્યોઃ મકાનમાલિક
મકાનમાલિક સંદીપ ગોંડલિયાએ જણાવ્યું હતું કે અમે રૂમમાં બેઠા હતા અને મોબાઈલમાં મથતા હતા. ત્યારે દીપડો અચાનક જ નીકળ્યો આથી મને થયું કૂતરો છે, એટલે હું જોવા માટે બહાર આવ્યો હતો તો મારાં ભાભીએ બાળકને હટાવી લીધું હતું. બાદમાં ઘરના બધા સભ્યોને મેં રૂમની બહાર કાઢ્યા હતા. અમે ઘરની બહાર નીકળ્યા ત્યારે લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.
(હિમાંશુ પુરોહિત, દેવાંગ ભોજાણી- ગોંડલ)
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.