રાજકોટમાં ભાજપ શાસિત જિલ્લા પંચાયતમાં છેલ્લા કેટલાક વખતથી વિવાદો ચરમસીમાએ જોવા મળી રહ્યા છે. આગામી તા.16મી જૂને સામાન્ય સભા યોજાય તે પહેલા મોભીઓ વચ્ચે મતભેદનો ઉકળતો ચરૂ જોવા મળી રહ્યો હોય જે મામલો રાજકોટ ખાતે આવેલા જિલ્લા ભાજપના પ્રભારી પાસે પહોંચતા તેમજ પક્ષના જ સભ્યોએ પ્રમુખ સહિતના લોકો સામે રજૂઆતો કરતા એક તબક્કે પક્ષની આબરૂ ખરડાઇ રહી હોય તેવા માહોલ વચ્ચે આ મુદ્દો રાજકીય સ્તરે ટોક ઓફ ધી ટાઉન બની ગયો છે.
રાજકોટ જિલ્લા પંચાયતમાં બે ત્રણ ચેરમેનોને બાદ કરતા મોટાભાગની ચેમ્બરો ખાલ્લીખમ્મ હોય છે, તો સંકલનની બેઠકોમાં સંકલનનો જ અભાવ હોય તેવું બની રહ્યું છે. અગાઉની બેઠકમાં મહિલા સભ્યોના પતિદેવો બેસી જતા તેઓને ચાલુ બેઠકે ઉઠાડી બહાર મોકલવા પડ્યા હતા, પ્રમુખ પોતે પણ નિયમિત હાજર નથી હોતા. આ પ્રકારના છાશવારે સર્જાતા વિવાદ વચ્ચે શુક્રવારે આ તમામ બાબતોને લઇને રાજકોટ ખાતે આવેલા જિલ્લા ભાજપ પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયાને રજૂઆતો કરવામાં આવતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
જિલ્લા પંચાયતમાં સોમવારે અને ગુરૂવારે અચૂકપણે આવતા હોવાનો દાવો કરનારા સિનિયર ચેરમેને જણાવ્યું હતું કે, પ્રભારીને તમામ સભ્યોએ મળી પ્રમુખની વર્તણૂક સામે રોષ ઠાલવી રજૂઆતો કરી હતી. પ્રભારીએ દરેક સભ્યોને વન ટુ વન મળ્યા હતા, દરેકની રજૂઆત સાંભળ્યા બાદ તમામ જવાબદારોને એક સાથે બેસાડી સારી રીતે કાર્ય કરવા સૂચન કર્યું હતું. સભ્યોના રોષ સામે પ્રભારીએ સંકલન મજબૂત બનાવવા ટકોર કરી હતી. પ્રભારીને રજૂઆત કરતી વખતે કેટલાક મહિલા સભ્યોના પતિદેવો પણ જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.