ઐતિહાસિક ફાંસીના ચુકાદાથી યાદ તાજી થઈ:ગુજરાતમાં છેલ્લે 33 વર્ષ પહેલા ત્રિપલ હત્યાનાં આરોપીને રાજકોટ સેન્ટ્રલ જેલમાં ફાંસી અપાઈ હતી, જલ્લાદને પૂનાથી બોલાવાયો હતો

રાજકોટ7 મહિનો પહેલા
  • ફાંસી અપાઈ તે આરોપીએ 2 વર્ષની બાળકી સહિત ત્રણની હત્યા કરી હતી
  • રાજકોટની આ જેલમાં ફાંસી ખોલીની હાલ હેરિટેજ જાળવણી કરાઈ રહી છે

અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં 38 દોષિતોને ફાંસી આપતો ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. ગુજરાતમાં છેલ્લે રાજકોટની જેલમાં ત્રિપલ હત્યાનાં આરોપીને ફાંસી આપવામાં આવી હતી તે ઘટના તાજી થઈ છે. 33 વર્ષ પહેલા ગુજરાતમાં છેલ્લી ફાંસી આપવામાં આવી એ રાજકોટની જિલ્લા જેલ 127 વર્ષ જૂની છે. રાજકોટની જિલ્લા જેલમાં 1989માં વેરાવળના શશિકાંત માળીને ફાંસી આપવામાં આવી હતી. રાજકોટમાં જ્યારે શશિકાંત માળીને ફાંસી આપવામાં આવી ત્યારે તેને ફાંસી આપવા પૂનાથી જલ્લાદને બોલાવવામાં આવ્યો હતો.

ગુજરાત જેલ તંત્ર પાસે જલ્લાદ નથી
રાજકોટની જિલ્લા જેલમાં 1989માં વેરાવળનાં ત્રિપલ હત્યાનો આરોપી શશિકાંત માળીને ફાંસી આપવામાં આવી હતી. 17-10-1980નાં રોજ તેના પર બે વર્ષની બાળકી સહિત ત્રણની હત્યાનો આરોપ હતો. રાજકોટમાં જ્યારે શશિકાંત માળીને ફાંસી આપવામાં આવી ત્યારે તેને ફાંસી આપવા પૂનાથી જલ્લાદને બોલાવવામાં આવ્યો હતો. હાલ રાજકોટ કે ગુજરાતનાં જેલ તંત્ર પાસે જલ્લાદ નથી. આવા કેસમાં મહારાષ્ટ્ર અથવા તો ઉતરપ્રદેશથી જલ્લાદને બોલાવવામાં આવે છે. શશીકાંતને ફાંસી આપવામાં આવી ત્યારે એક ચોક્કસ પ્રક્રિયા અને નિયમો હતા. જેમાં ફાંસી આપતી વખતે કોઈ અવરોધ ન આવે તે માટે આરોપીનાં વજન જેટલું એક પૂતળુ બનાવીને ટ્રાયલ કરવામાં આવતી. દોરડાને પણ ઓઈલ લગાવવામાં આવતું હતું.

શશિકાંત માળી પર ત્રિપલ મર્ડરનો આરોપ હતો
શશિકાંત માળી પર ત્રિપલ મર્ડરનો આરોપ હતો. રાજકોટનાં મઝદૂર સંઘનાં જાણીતા વકીલ હસુભાઈ દવેનાં પરિવારનાં ત્રણ સભ્યોની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં એક મહત્વનો કાનૂની મુદ્દો એ હતો કે, જેમની હત્યા કરવામાં આવી હતી તે ત્રણેય હુમલાનો પ્રતિકાર કરવા સક્ષમ નહોતા. 72 વર્ષીય ગૌરીશંકર દવે, આશાબહેન નિરંજનભાઈ દવે અને માત્ર બે વર્ષની બાળકીની હત્યા કરવામાં આવી હતી.

ડિસેમ્બર 1989માં શશિકાંતને અંતે ફાંસી અપાઈ
17 ઓક્ટોબર, 1980નાં દિવસે બનેલી આ ઘટના બાદ 1981માં અદાલતે શશિકાંત માળીને ફાંસી આપવાનો ચુકાદો આપ્યો હતો. ફાંસીના હુકમ સામે સુપ્રિમ કોર્ટ સુધી કાનૂની લડત લડવામાં આવી હતી. આઠેક વર્ષ સુધી આ કેસ જુદા-જુદા સ્તરે ચાલતો રહ્યો હતો. અંતે શશિકાંત માળીનું ડેથ વોરંટ નીકળ્યું હતું. શશિકાંત માળીને રાજકોટ જેલમાં રખાયો હતો. રાજકોટ જેલમાં ખાસ બનાવાયેલી ફાંસી ખોલી ઊભી કરવામાં આવી હતી. રાજકોટની જેલમાં ડિસેમ્બર 1989માં શશિકાંતને અંતે ફાંસી અપાઈ હતી.

આઝાદી પછી રાજકોટ જેલમાં 5ને ફાંસી અપાઈ
આઝાદી પછી રાજકોટની જેલમાં પાંચને ફાંસી આપવામાં આવી છે, જેમાં ડાકુ બચુભા, ચૂનીલાલ જાદવજી, બટુક રાઘવ, કે.જે.સોની અને શશિકાંત માળીને ફાંસી અપાઈ છે. ડાકુ બચુભા સૌરાષ્ટ્રનાં એક કુખ્યાત ડાકુનો જમણો હાથ હતો. ચૂનીલાલે એક સ્ત્રીનું ખૂન કર્યું હતું. બટુક રાઘવે પોતાની પ્રેમિકાની ધોળા દિવસે હત્યા કરી હતી. 2-6-1965નાં રોજ કે.જે. સોની, 31-3-1965નાં રોજ બટુક રાઘવભાઈ રાજપુત અને 11-11-1963નાં રોજ ચુનિલાલ માધવજીભાઈ જાદવને ફાંસી આપવામાં આવી હતી.

રાજકોટ સેન્ટ્રલ જેલ રાજવીનાં સમયની
રાજકોટની સેન્ટ્રલ જેલમાં ગુજરાતમાં છેલ્લી ફાંસી આપવામાં આવી હતી. હાલ જેલમાં આ જૂની ફાંસી ખોલી છે. રાજકોટ સેન્ટ્રલ જેલ અધિક્ષકનાં જણાંવ્યા મુજબ જિલ્લા જેલમાં એક નાની ચાલીની અંદર બાદ ફાંસી ખોલી છે અને તેને મોટાભાગે બંધ જ રાખવામાં આવે છે. સરકારની સુચના મુજબ હેરિટેજનાં રૂપમાં ફાંસી ખોલીની જાળવણી કરવામાં આવી રહી છે. તેના માટે કોઈ અલગથી સ્ટાફ નથી. વર્ષો પહેલાની જે સ્થિતિમાં છે તે મુજબ જ રાખવામાં આવી છે. ભલે વર્ષોથી આ ખોલીમાં કોઈને ફાંસી આપવામાં આવી ન હોય, પણ ફાંસી ખોલી અને માંચડાનું નિયમિત મેન્ટેનન્સ કરવામાં આવે છે. રાજકોટમાં પોપટપરા વિસ્તારમાં આવેલી જેલ રાજવીનાં સમયની છે. રાજકોટ સેન્ટ્રલ જેલ તંત્ર પાસે ફાંસી આપનાર જલ્લાદ નથી. આવા કેસમાં મહારાષ્ટ્ર અથવા તો ઉતરપ્રદેશથી જલ્લાદને બોલાવવામાં આવે છે.

રાજકોટ સેન્ટ્રલ જેલ 127 વર્ષ જૂની.
રાજકોટ સેન્ટ્રલ જેલ 127 વર્ષ જૂની.

ફાંસી માટેના રસ્સાને આ રીતે માખણ કે તૈલી પદાર્થ લગાવાય છે
જલ્લાદ આરોપીને ફાંસીના માંચડે લટકાવવા ખાસ પ્રકારના વણેલા દોરડાનો ઉપયોગ કરે છે. આ દોરડાને માખણ કે તૈલી પદાર્થ લગાવે છે. જેથી ગળામાં દોરડું બરોબર ફિટ બેસી જાય અને છેલ્લી ઘડીએ કોઈ મુશ્કેલી ઊભી ન થાય. ફાંસી આપવા માટે એક માંચડો ઊભો કરવામાં આવે છે. એક માહિતી મુજબ નીચેના રૂમમાંથી ઉપર જવાય તે રીતના બે રૂમ હોય છે. ફાંસી વખતે ઉપરના રૂમમાં અપરાધીને ઉપર લઈ જવામાં આવે છે અને ત્યાં પાટિયા પર આરોપીને ઊભો રાખવા માંચડો તૈયાર હોય છે. ફાંસીનાં સમય વખતે આરોપીને મોઢા પર કાળું કપડું ઓઢાડીને ઊભો રાખવામાં આવે છે. પછી જ્યારે હુકમ મળે એટલે સેકન્ડોમાં ધડામ જેવા અવાજ સાથે જલ્લાદ દોરડું ખેંચે છે. આરોપીનાં પગ નીચેથી પાટિયું ખૂલી જાય છે અને તે લટકતી હાલતમાં નીચેના રૂમમાં પડે છે. ફાંસી જ્યારે આપવામાં આવે ત્યારે જેલર, મેડિકલ ઓફિસર અને જિલ્લા વહીવટી તંત્રના પ્રોટોકોલ મુજબના જ અધિકારી હાજર રહી શકે છે.

જલ્લાદને લગભગ બે-ત્રણ દિવસ અગાઉ બોલાવી લેવામાં આવે છે
ફાંસી માટે જેલ મેન્યુઅલમાં કેટલાક ખાસ નિયમો છે. અધિકારીઓના કહેવા મુજબ જે કોઈ આરોપી સામે ડેથ વોરંટ જાહેર કરવામાં આવે ત્યારબાદ તેને અલગ ખોલીમાં રાખવામાં આવે છે. આરોપીનાં વજન અને ઊંચાઈ મુજબનું એક પૂતળું બનાવીને તેને પહેલાં ફાંસીએ લટકાવીને એક ટ્રાયલ કરવામાં આવે છે. જેથી છેલ્લી ઘડીએ કોઈ મુશ્કેલી ન આવે. સામાન્ય રીતે એક કોથળામાં આરોપીના વજન જેટલી રેતી ભરીને પૂતળું તૈયાર કરાય છે. જલ્લાદને લગભગ બે-ત્રણ દિવસ અગાઉ બોલાવી લેવામાં આવે છે.

પહેલા આરોપીનાં વજન મુજબ પૂતળું બનાવી ટ્રાયલ કરવામાં આવે છે (પ્રતિકાત્મક તસવીર)
પહેલા આરોપીનાં વજન મુજબ પૂતળું બનાવી ટ્રાયલ કરવામાં આવે છે (પ્રતિકાત્મક તસવીર)

સિરીયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો
બે દિવસ પહેલા અમદાવાદમાં 26 જુલાઈ 2008ને શનિવારની સાંજે થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ગુજરાત હાઇકોર્ટે ચુકાદો જાહેર કર્યો હતો. જેમાં ગુજરાત જ નહીં સમગ્ર માનવજાતના દુશ્મન એવા આ કેસના 49 દોષિતમાંથી સ્પેશિયલ કોર્ટે 38ને ફાંસી અને 11ને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કેદની સજા સંભળાવી હતી. આ દોષિતોને 302 કલમ, રાજદ્રોહ અને UAPA(અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ) હેઠળ સજા ફટકારવા આવી છે.

રાજકોટ સેન્ટ્રલ જેલની અંદર ફાંસી ખોલીની જાળવણી કરવામાં આવી રહી છે.
રાજકોટ સેન્ટ્રલ જેલની અંદર ફાંસી ખોલીની જાળવણી કરવામાં આવી રહી છે.

દેશના ઇતિહાસમાં પહેલીવાર 38ને ફાંસીની સજા
દેશના ઇતિહાસમાં પહેલીવાર એકસાથે 38ને ફાંસીની સજા આપવામાં આવી છે. આ પહેલાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં 26ને ફાંસીની સજા આપવામાં આવી હતી. હાલમાં આરોપીઓ અમદાવાદ, મધ્યપ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રની જેલમાં બંધ છે. ઉલ્લેખનીય છે કે 8 ફેબ્રુઆરી, 2022ના રોજ ચુકાદા માટે સુનાવણી શરૂ થઈ હતી અને 18 ફેબ્રુઆરીએ સજા જાહેર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...