સૌરાષ્ટ્રમાં 15% કોળી સમાજની વોટબેંક:લેઉવા પટેલ પછી સૌથી મોટો સમાજ, આ 14 બેઠક પર વર્ચસ્વ, યોગ્ય લીડરના અભાવે આખા સમાજે ભોગવવું પડે છે

રાજકોટ9 દિવસ પહેલા

વિધાનસભાની ચૂંટણી આ વર્ષે યોજાનાર છે ત્યારે સૌરાષ્ટ્રમાં વર્ષોથી જ્ઞાતિના સમીકરણો પર રાજકારણ રમવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં લેઉવા પટેલ સમાજ બાદ કોળી સમાજનું પ્રભુત્વ વધારે છે. સૌરાષ્ટ્રની 14 જેટલી બેઠક પર કોળી સમાજના મતદારો નિર્ણાયક સાબિત થાય છે. સૌરાષ્ટ્રના 6 જિલ્લા રાજકોટ, જૂનાગઢ, ગીરસોમનાથ, ભાવનગર, સુરેન્દ્રનગર અને અમરેલીમાં કોળી સમાજની વોટબેંક છે. સૌરાષ્ટ્રમાં 15 ટકા કોળી સમાજની વોટ બેંક છે. તેમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કોળી સમાજમાં બાવળિયા અને ફતેપરાનો કોળી સમાજમાં ખાસ્સો એવો રૂતબો છે. પરંતુ યોગ્ય નેતાના અભાવે આખરે આખા સમાજને ભોગવવાનો વારો આવે છે.

કોળી સમાજમાં યોગ્ય પ્રતિનિધિત્વને લઇને અંદરોઅંદર ખટરાગ
ચૂંટણી પૂર્વે ધીરે ધીરે રાજકીય સોગઠાબાજી ગોઠવાઇ રહી હોય તે પ્રકારની ચહલપહલ હવે કોળી સમાજમાં પણ જોવા મળી રહી છે. એક સમયે કોંગ્રેસના દિગ્ગજ ગણાતા અને હાલ ભાજપમાં કામ કરી રહેલા કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરાએ કોળી સમાજના પ્રતિનિધિત્વને લઇને સવાલો ઉભા કર્યા છે. સૌરાષ્ટ્રમાં કોળી સમાજના મતદારોએ ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો. લોકસભામાં ભાજપની સાથે રહેલા કોળી મતદારો વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે જોવા મળ્યાં હતાં. ત્યારે હવે કોળી સમાજના યોગ્ય પ્રતિનિધિત્વને લઈને કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરાએ ભાજપ સામે સવાલો ઉભા કર્યા છે.

ભાજપમાં કોળી સમાજના પ્રતિનિધિત્વને લઈને માગ ઉઠી
આ વર્ષના અંત સુધીમાં ગુજરાતની નવી વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થઇ ચૂકી હશે અને અને વિધાનસભા કામ કરતી જોવા મળશે. ત્યારે ચૂંટણી પૂર્વે જ્ઞાતિ જાતિનું રાજકારણ વધુ એક વખત ચૂંટણીના વર્ષમાં ચરમસીમા પર જોવા મળી રહ્યું છે. થોડા સમય પૂર્વે પાટીદાર સમાજે રાજ્યના મુખ્યપ્રધાનને લઈને જે માગ કરી હતી તેને કારણે સત્તાધારી પક્ષ ભાજપે નેતૃત્વ પરિવર્તન કરીને પાટીદાર મુખ્યપ્રધાન બનાવ્યા હતાં. ત્યારે હવે ગુજરાતની વિધાનસભાની ચુટણીના સમયે સૌથી મહત્વનો અને સૌથી વધારે મતદારો ધરાવતો કોળી સમાજ પણ ભાજપમાં પ્રતિનિધિત્વને લઈને સામે આવી રહ્યો છે.

પાટીલે કોળી સમાજના સંગઠનને લઇ બેઠક કરી હતી
એક સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરા હાલ ભાજપમાં કામ કરી રહ્યા છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ બન્ને સિનિયર આગેવાનો ભાજપમાં કોળી સમાજને યોગ્ય નેતૃત્વ મળતું નથી. તેને લઈને પ્રદેશ ભાજપ પ્રમુખે પણ સંગઠનમાં કામ કરતાં કોળી સમાજના અગ્રણી અને કુંવરજી બાવળિયા સાથે સમાજની બેઠક કરી હતી. જેમાં પણ વિરોધનો સૂર જોવા મળ્યો અને દેવજી ફતેપરાએ તેમની નારાજગી વ્યક્ત કરી હતી

ભાજપના દબદબાવાળી સીટ ગત વિધાનસભામાં કોંગ્રેસે કરી હતી કબ્જે
અમરેલી જિલ્લાની રાજુલા વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્ય હિરાભાઇ સોલંકી વર્ષોથી ચૂંટાતા આવતા હતાં. આ બેઠકમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના અમરીશ ડેરે હીરાભાઈ સોલંકીને સજ્જડ પરાજય આપ્યો હતો. આ પરાજય ભાજપ માટે આજે પણ સમજવો ખૂબ મુશ્કેલ છે. તેવી જ રીતે સોમનાથ વિધાનસભા બેઠક પર પણ ભાજપના દિગ્ગજ નેતા જસાભાઇ બારડનો કોંગ્રેસના યુવાન કોળી ઉમેદવાર વિમલ ચુડાસમા સામે સજ્જડ પરાજય થયો હતો. આ બંને બેઠક ભાજપના દબદબાવાળી હતી અને આ બંને બેઠક પર કોળી મતદારો ખૂબ જ નિર્ણાયક હતા. આવી પરિસ્થિતિમાં આ બંને બેઠક કોંગ્રેસે જીતીને કોળી સમાજના મતદારો તેમના તરફથી છે તેવું વર્ષ 2017માં સાબિત પણ કરી આપ્યું હતું. હવે જ્યારે 2022ની વિધાનસભાની ચૂંટણી નજીક છે. ત્યારે ફરી એક વખત ભાજપના સિનિયર આગેવાનો દ્વારા કોળી સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ નહીં મળવાને લઈને સવાલો ઉભા કર્યા છે તેને લઈને ભાજપની ચિંતા વધી શકે છે.

સોરઠની કોળી મતદારો ધરાવતી સીટો પર કોંગ્રેસનો દબદબો
સોરઠની વિધાનસભા બેઠકો પર કોળી સમાજના દબદબાવાળી સીટો પર આજે પણ કોંગ્રેસનો કબ્જો જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લાની રાજુલા ગીર-સોમનાથ જિલ્લાની ઉના સોમનાથ કોડીનાર અને તાલાલા જૂનાગઢ જિલ્લાની માંગરોળ કોંગ્રેસ પાસે તો કેશોદ બેઠક ભાજપ પાસે છે. વધુમાં જિલ્લાની વિસાવદરને બાદ કરતા તમામ સીટો પર કોળી મતદારો કોઈ પણ સમયે નિર્ણાયક બની શકે છે. આવી પરિસ્થિતિમાં ચૂંટણીના વર્ષમાં કોળી સમાજને પૂરતું પ્રતિનિધિત્વ નથી મળતું તેવા વિરોધ સાથે કુંવરજી બાવળીયા અને દેવજી ફતેપરા સામે આવ્યાં છે તેને લઈને ભાજપના 182ના અભિયાનને ધક્કો લાગી શકે છે.

અન્ય સમાચારો પણ છે...