સાધનાથી કોરોનાને ભગાવવા પ્રયાસ:કોરોના મહામારીનો અંત આવે તે માટે રાજકોટના મહંતે 40 ડિગ્રી તાપમાનમાં 7 ધૂણી ધખાવી તપસ્યાનો પ્રારંભ કર્યો

રાજકોટએક વર્ષ પહેલા
લોધિકા તાલુકા પાસે આવેલા ચાંદલી ગામે ઘંટેશ્વર મહાદેવ મંદિરના મહંત તપસ્યામાં બેઠા.
  • 21 દિવસ સુધી મૌન વ્રત પાળશે, દર્શન કરવા લોકો ઉમટી રહ્યાં છે

રાજકોટ સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. તેમાંય ભારત દેશને કોરોએ અજગર ભરડામાં લીધો છે. કોરોનાને કારણે દેશમાં રોજ મોટી સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યાં છે. તેમજ કુદકેને ભુસકે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. ત્યારે રાજકોટમાં એક મહંતે કોરોનારૂપી મહામારીનો અંત આવે અને લોકોનું જીવન ફરી ધબકતું થાય તે માટે 40 ડિગ્રી તાપમાનમાં 7 ધૂણી ધખાવી ખુલ્લામાં તપસ્યાનો પ્રારંભ કર્યો છે.

લોકો મહંતના દર્શન કરવા ઉમટી રહ્યાં છે
સમગ્ર વિશ્વ કોરોના મહામારીના ભરડામાં છે. ત્યારે સામાન્ય જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. એવામાં રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકા પાસે આવેલા ચાંદલી ગામે ઘંટેશ્વર મહાદેવ મંદિરના મહંત મહેશ્વરીનાથજી દ્વારા વિશ્વમાં ચાલી રહેલી કોરોના મહામારીના શાંતિ અર્થે 21 દિવસ સુધી મૌન વ્રત પાળી 7 ધુણી તપસ્યાનો પ્રારંભ કર્યો છે. જેને લઈને મોટાભાગના ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા લોકો પણ આ ધાર્મિક કાર્યક્રમના દર્શનનો લાભ લેવા આવી રહ્યાં છે.

21 દિવસ સુધી મૌન વ્રત પાળશે
મહંત મહેશ્વરીનાથજી દ્વારા આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. ત્યારે કોરોના મહામારીથી લોકોને છૂટકારો મળે અને વિશ્વ શાંતિ માટે 21 દિવસ સુધી મૌન વ્રત ધારણ કરી 7 ધૂણી તપસ્યા શરૂ કરી છે. હાલ ગુજરાતમાં ઉનાળાની શરુઆત થઈ ગઈ છે. તેમજ 40 ડીગ્રીથી વધુનું તાપમાન દરરોજ નોંધાઇ રહ્યું છે. ત્યારે રાજકોટના મહંત દ્વારા આકરા તાપની વચ્ચે પણ લોકોના સુખાકારી માટે 7 ધૂણી તપસ્યા શરૂ કરવામાં આવી છે.

ચારેય બાજુ ધૂણી ધખાવી મહંત તપસ્યા કરવા બેઠા.
ચારેય બાજુ ધૂણી ધખાવી મહંત તપસ્યા કરવા બેઠા.

રાજકોટ જિલ્લામાં આજે મોતનું તાંડવ
રાજકોટમાં કોરોનાથી મોતનું તાંડવ જોવા મળી રહ્યું છે. રોજ પોઝિટિવ કેસની સાથોસાથ મોતની સંખ્યામાં પણ ધરખમ વધારો થઇ રહ્યો છે. શહેરમાં દર એક કલાકે 2થી વધુ દર્દીના મોત નીપજી રહ્યાં છે. 24 કલાકમાં રાજકોટમાં રેકોર્ડબ્રેક 59 દર્દીના મોતથી આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મૂકાઇ ગયું છે. શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં 146 દર્દીના મોત નીપજ્યા છે.

અન્ય સમાચારો પણ છે...