• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • 'The Judge Became A Judge, But The Hand Started Bleeding Right After The First Paper Was Written... Although The Blood Decreased, I Did Not Let My Courage Decrease!'

આને કહેવાય 'દી' ઉજાળનારી દીકરી!:'જજ તો બની, પણ પહેલું પેપર પત્યું ત્યાં જ હાથમાં બ્લીડિંગ થવા લાગ્યું... લોહી ઘટી ગયું છતાં હિંમત ના ઘટવા દીધી!'

રાજકોટ21 દિવસ પહેલા

હીરેન હીરપરા. જામનગર:‘સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય’.. પણ જામનગરની આ દીકરી તો લોહી નીતરતી હાલતમાં પરીક્ષા આપીને જજ બની છે. પાર્વતીના પિતા દેવરામ મોકરિયા શાકભાજીની લારી ચલાવતા હતા. અનેક અડચણો, આર્થિક સંકડાશ વચ્ચે પુત્રી પાર્વતીની ફીના પૈસા ભેગા કર્યા. પાર્વતી પણ તપસ્યા કરવામાં પાછી ન પડી અને સંઘર્ષ કરીને ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સિવિલ જજની પરીક્ષામાં 35મા ક્રમે આવી. આ સિદ્ધિ સાથે પાર્વતી હાલ અનેક યુવતીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે. પરંતુ આ સફર એટલી સરળ નહોતી. પાર્વતી મેઇન એક્ઝામ આપી રહી હતી ત્યારે પહેલું પેપર પુરૂ થતા જ હાથમાં બ્લિડીંગ શરૂ થયું હતું. છતાં હિમ્મત હારી નહીં અને પરીક્ષા પૂરી કરી હતી.

મુશ્કેલીને મન પર આવવા નહીં થવા દેવાની
પાર્વતી મોકરીયાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સંઘર્ષ વગર પરીક્ષા પાસ કરવી ખૂબ જ અઘરી છે અને શરૂઆતથી લઈને જ્યારથી પ્રિલિમ સ્ટાર્ટ થઈ ત્યારથી ઓરલ સુધીની એક જે જર્ની કહેવાય તે એક એક દિવસ યાદ છે. ઘણી વખત એવું પણ બનતું સિલેબસ એટલો હતો કે પૂરો કરવામાં મુશ્કેલી પડતી. પ્રશ્નો એવા આવતા હોય કે એમાં થોડીવાર મૂંઝવણ થાય, પણ ગોલ એવો હતો કે ગમે તે આવે પણ પરીક્ષા સફળ તો કરવી જ છે, જે પરિબળો હતા તે મન પર હાવિ નહીં થવા દેવાના.

પ્રાથમિક અભ્યાસ કેશોદ ગામમાં કર્યો
પાર્વતીએ વધુમાં જણાવ્યું હતું કે, સંઘર્ષ માટે તો પહેલી ફાયનાન્સિયલ પરિસ્થિતિ એવી હતી કે, ઘર માટે ઘર ચલાવવું ટફ બની ગયું હતું, એ બધુ પાર કરીને મક્કમ મન બનાવી ગોલ વ્યવસ્થિત પકડી રાખી આગળ વધી રહી હતી. મારા સિવાય મારા માતા-પિતાના અમુક પ્રશ્નો હતા, માનસિક સંઘર્ષ ઘણો બધો હાર્ડ હતો. જ્યારે મેન્ટાલીટી એવી હતી કે, માણસ માનસિક રીતે જ પડી ભાંગે. મેં મારો પ્રાથમિક અભ્યાસ કેશોદ ગામમાં કર્યો હતો જે ખંભાળિયા તાલુકામાં છે. બાદમાં ધો.12 સુધી મેં સોઢા હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ કે.પી. શાહ કોલેજમાં કોમર્સ કર્યું અને લો પણ કે.પી શાહ લો કોમર્સ કોલેજમાં કર્યું હતું.

પિતા શાક વેચવા સાથે છૂટક મજૂરી પણ કરતા
પાર્વતીએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે મારા પિતા ફક્ત બે ચોપડી ભણેલા છે અને શાકભાજી વેચતા હતા. જ્યારથી કોરોના આવ્યો ત્યારથી શાકભાજીના ધંધામાં પૂરું ન થઈ શકતું એટલા માટે ક્યારેક ક્યારેક તો છૂટક મજૂરી પણ કરતા હતા. ઘરનો મેઈન સપોર્ટ તો હું જ હતી, એટલે બધું ટેકઓવર કરીને ચાલવું પડતું હતું અને આ બધુ હાર્ડ હતું પણ અશક્ય નહોતું.મારા પિતા શાકભાજી વેચતા હતા અને જ્યારે મારું લો ચાલુ હતું એ ટાઈમમાં પણ હું જોબ કરતી હતી. ત્યારે મારું એક સપનું હતું કે, પિતાએ મને ધો.12 સુધી ભણાવી. મારા બીજા પણ ભાઈ-બહેન છે અને એમને પણ ભણાવવાના હોય મેં ખુદ જોબ કરી હતી. હવે હું કોઈ પણ વસ્તુ માટે એમના પર ડિપેન્ડ રહેતી નથી. મારો ખર્ચો જાતે કાઢી બને તેટલી હું ઘર માટે હેલ્પ કરી રહી છું.

વકીલોએ પણ સારો સપોર્ટ કર્યો
પાર્વતીએ વધુમાં જણાવ્યું હતું કે, મારા માતા-પિતા અને તે સિવાય મારા સિનિયર છે જે એડવોકેટ અનિલ મહેતા જેમની ઓફિસમાં હું 2016થી પ્રેક્ટિસ કરું છું. કાયદાકીય બાબતમાં ગમે ત્યારે કાંઈ ક્વેરી, કાંઈ જરૂર હોય તો તેમનો સપોર્ટ વધારે રહ્યો છે. જ્યારે આ એક્ઝામનું નોટિફિકેશન આવ્યું હતું ત્યારે બાર એસોસિયેશનના પ્રમુખ, ઉપપ્રમુખ અને બધા વકીલોએ સારો એવો સપોર્ટ કર્યો છે અને ગાઈડન્સ પણ આપ્યું છે

પડકાર તો ઘણા હતા, પણ કોઈ રોકી શક્યું નહીં
પાર્વતીએ વધુમાં જણાવ્યું હતું કે, આ સપનું પુરુ કરવા માટે બધા મને પોઝિટિવ સપોર્ટ કરી પ્રેરણા આપતા હતા. જે હકારાત્મક અભિગમે હમેશાં મારું મનોબળ પ્રબળ કર્યું છે.પડકાર તો ઘણા બધા હતા, આર્થિક પણ ઘણા હતા અને એક સ્ત્રી તરીકે તરીકે જે સ્ટેટસ હોય છે સોસાયટીમાં તેનો પણ સામનો કરવાનો હોય છે. કોઈના સપોર્ટ વગર અધૂરું રહી જાય છે. કોઈ પણ સ્ત્રી માટે આગળ વધવું હોય તો ઘણું બધું જોઈએ, જ્યારે આપણું મનોબળ મજબૂત હોય તો કોઈ પણ રોકી શકતું નથી

પેપર પૂરું થતાં એકદમ બ્લીડિંગ થવા માંડ્યું
પાર્વતીએ વધુમાં જણાવ્યું હતું કે, જર્ની સ્ટાર્ટ થઈ ત્યારથી એક જ ધ્યેય હતો કે હું 2022માં પરીક્ષા તો પાસ કરીશ જ. એમાં પણ જ્યારે પ્રીલિમ્સ આવી ત્યારે થોડી તબિયત ખરાબ હતી. છતાં પણ હું અટકી નહીં અને મેઇન એક્ઝામનું પહેલું પેપર પૂરું થયા બાદ હાથમાં એકદમ બ્લીડિંગ થવા માંડ્યું હતું. મને ખુશી એ વાતની હતી કે, મારુ પેપર સારું ગયું છે અને હું સમય પર તેને પૂરું કરી શકીશ. આ જ જુસ્સા સાથે હું ઓરલ ઇન્ટરવ્યૂ આપવા ગઈ હતી. જામનગરથી નીકળી ત્યારબાદ કલાક પછી જ મને ઊલટી શરૂ થઈ ગઈ હતી અને અમદાવાદ સુધી સતત ઊલટીઓ થઈ. બીજા દિવસે સવારે મારો ઇન્ટરવ્યૂ હતું, પણ ત્યાં સુધીમાં સારું થઈ ગયું હતું.

સવારે મમ્મી મારી પહેલાં જાગી જતાં
પાર્વતીએ વધુમાં જણાવ્યું હતું કે, મમ્મીનો સપોર્ટ તો પહેલેથી જ રહ્યો, જ્યારે હું ધો.10માં હતી ત્યારે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. જ્યારે વાંચવાનું હોય ત્યારે રાતે હું મમ્મીને કહું કે મારે ચાર વાગ્યે જાગવું છે ત્યારે મારી પહેલા ઉઠી જતા અને દરરોજ એ રીતે મને જગાડતા હતા. મારા મમ્મી ભલે અભણ છે છતાં પણ મારું જે વાંચવાનું હતું એમાં એની ધગસ મારા કરતાં પણ વધારે હતી. નાનપણથી મને સ્પીચનો શોખ હતો, બોલવું વધારે ગમતું અને બીજું લખવાનું અને વાંચવાનો શોખ હતો.

લોકો મારી મદદ કરતા હતા
પાર્વતીએ વધુમાં જણાવ્યું હતું કે, આ શ્રેય મારા પરિવારનો છે. જજની પરીક્ષા મેં પાસ કરી છે પણ પરિવાર જ મારા સપોર્ટમાં રહ્યો છે. એ બધા વગર તો હું અધૂરી છું અને એકથી તો આ જર્ની શક્ય નથી. મારા માતા-પિતા, મારા ભાઈ-બહેન, ભાભી, મારા બા, દાદા અને મારું સમગ્ર કુટુંબ એ સિવાય મારા સિનિયર એડવોકેટ અને મારા મિત્રો સર્કલે મને સપોર્ટ રહ્યો છે. જ્યારે પણ મારે કાંઈ કામ હોય તો એ લોકો મને હેલ્પ કરતા અને બુક્સનું અરેન્જમેન્ટ કરી આપતા. આખરે ભગવાનની કૃપા વગર શક્ય જ નહોતું.

વાંચનમાં તકલીફ પડતી હતી
પાર્વતીએ વધુમાં જણાવ્યું હતું કે, સ્લમ વિસ્તારમાં રહેવાથી વાંચનમાં તો ઠીક અને જ્યાં હું રહું છું ત્યાં ચોમાસામાં આવા જવા માટે ઘણા પ્રોબ્લેમ થતા. પાણી ભરાય જતા અને વાંચવામાં અમારે કોઈ પણ જાતની સગવડ નહોતી કે હું અલગ રૂમમાં વાંચી શકું. ત્યારે મારા બા એમના રૂમમાં બોલાવતા અને એમ કહેતા હતા કે, તું અહીંયા થોડીવાર માટે બધા કામ મૂકીને વાંચવા બેસી જા.

દરેક કામમાં જુસ્સો દાખવો
પાર્વતીએ વધુમાં જણાવ્યું હતું કે, બસ હું એક જ વસ્તુ કહેવા માગું છું કે શિક્ષણનું મહત્વ નાનું હોતું નથી. કોઈ પણ વ્યક્તિ ધારે તો કોઈ પણ પોઝિશન સુધી પહોંચી શકે છે, પણ એક ધ્યેય હોવો જોઈએ અને ધ્યેય પાર કરવા માટે ધગસ હોવી જોઈએ. આ જ ધગશ માટે ધીરજ રાખવી જોઈએ. જ્યારે શિક્ષણ એક એવી વસ્તુ છે કે તમે ગમે એરિયામાં રહેતા હોય ગમે એ વિસ્તારમાં રહેતા હોય કે ગમે તેવી પોઝિશન હોય જો તમે ધારો તો તમને મદદ કરવા માટે ભગવાન સામેથી આવે છે. કંઈ પણ એવું અશક્ય નથી, બસ આમાં જુસ્સો હોવો જોઈએ કે બસ મારે આ કરવું જ છે અને હું ઉપાડી લઈશ તો મને મદદ કરવાવાળા બધા મળી જશે.

હીરીબેન મોકરિયા-દાદી
હીરીબેન મોકરિયા-દાદી

અત્યારે તો મારું હૈયું ઉભરાય છે: દાદા
જ્યારે પાર્વતીના દાદા વશરામભાઈ મોકરિયાનો હરખ એટલો ઉભરાઈ ગયો કે થોડીવાર માટે આંખમાં આંસુ આવી ગયા અને કાંઈ પણ બોલી શક્યા નહીં. આંસુ પાડતા પાડતા કહેતા હતા કે, જ્યારે પાર્વતી ભણતી હતી ત્યારે કહેતી હતી કે, મારે કાંઈક બનવું છે. એવી વાત કરતી ત્યારે અમે અહીં ભાડે રહેતા હતા. પછી ભાડે રહી રહીને છોકરી ભણવા જતી હતી. છોકરી મહેનત બહુ કરતી હતી અને એની મહેનતથી આગળ આવી ગઈ. જ્યારે એ ભણવા જાતી ત્યારે હું એને મૂકવા જતો હતો, ત્યારે મને કહેતી હતી કે, બાપા મારે વકીલ બનવું છે. પણ આજે વકીલ બનીને જજ બની જતા આજે મારું હૈયું ઉભરાઈ જાય છે અને આ મારા હરખના આંસુ છે.

દાદા વશરામભાઈ મોકરિયાનો હરખ એટલો ઊભરાઈ ગયો કે આંખમાં આંસુ આવી ગયાં.
દાદા વશરામભાઈ મોકરિયાનો હરખ એટલો ઊભરાઈ ગયો કે આંખમાં આંસુ આવી ગયાં.

કુટુંબને સંભાળવાની સાથે પરીક્ષા પાસ કરી: માતા
માતા ડાઈબેન મોકરિયાએ જણાવ્યું હતું કે, હું એને ચાર વાગ્યે ઊઠવું હોય તો હું ત્રણ વાગે ઉઠાડતી હતી. અરે... અમારી પરિસ્થિતિ નબળી હતી તો તેના પિતા શાકભાજી વેચવા જતા હતા. આજે જજ બની જતા અમને ખુશીનો પાર નથી. પિતા દેવરામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું કે, દીકરી જજ બનીને અમારા આખા કુટુંબને તારી દીધું છે. હું શાકભાજીનો ધંધો કરતો હતો અને શાકભાજીમાં માન સન્માન ન હોય. પણ આજે દીકરી જજ બનતા માન-સન્માન મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...