અમે ‘માનવ’ છીએ, આ અમારી ‘માનવતા’:જેતપુરના ખેડૂતે પોતાના ઘરને હોસ્પિટલ બનાવી, 16 દર્દીને ઓક્સિજન આપ્યો, 65 દર્દીને સાજા કર્યા

રાજકોટ6 મહિનો પહેલા
કોરોનાના દર્દીઓની સારવાર કરતો જેતપુરનો પરિવાર
  • ઓક્સિજન લેવલ ઓછું હોય તેવા દર્દીઓ માટે ઓક્સિજન સાથેની સેવા આપે છે
  • પરિવાર પરિવાર બધાને જમાડે પણ છે

ગુજરાતની પ્રજા જરૂર પડે ત્યારે પોતાનું ખમીર બતાવવામાં પીછેહઠ કરતી નથી. આ વાતનો પુરાવો રાજકોટની નજીક જેતપુર ગામના ખેડૂત જેઠસુરભાઈએ આપ્યો છે. તેમણે પોતાનું ત્રણ માળનું આખું મકાન જ કોરોનાના દર્દીઓની સેવા માટે સમર્પિત કરી દીધું છે. પ્રથમ માળે દર્દીઓ, બીજા માળે દર્દીના સગાઓ અને ત્રીજા માળે ખેડૂત પરિવાર રહે છે. પરિવાર દર્દીઓને ભોજન અને ઓક્સિજન આપે છે.

માત્ર માસ્ક પહેરીને કરે છે દર્દીઓની સેવા
65 કિલોમીટર દૂર જેતપુરની અમરધામ સોસાયટીમાં 110 વારમાં 3 માળનો બંગલો. બહારથી નજર કરી તો પાર્કિંગ અને નીચેના હોલમાં 16 જેટલા કોરોના દર્દીઓને ઓક્સિજન આપવામાં આવી રહ્યુ હતું. પ્રથમ દ્રષ્ટિએ હોસ્પિટલ શરૂ થઈ હોય તેવુ લાગે પરંતુ નહિ જેતપુરના જેઠસુરભાઈ વાળાનું આ ઘર છે. ઓક્સિજન અને હોસ્પિટલમાં બેડ ન મળતા દર દર ભટકતા કોરોનાના દર્દીઓને તેઓ પોતાના ઘરમાં સાચવી રહ્યા છે. મકાનમાં દર્દીઓની સેવા કરતા આ લોકોએ પીપીઈ કિટ નથી પહેરી, નથી ગ્લોવ્ઝ પહેર્યા. માત્ર માસ્ક પહેરીને સતત દર્દીઓની આસપાસ રહે છે. એટલુ જ નહિ કોઇ અશક્ત હોય તો તેમને ટેકો આપી તેને બાથ ભીડી અંદર સુધી લઈ જાય છે.

અત્યાર સુધીમાં 65 દર્દીને સાજા કર્યા.
અત્યાર સુધીમાં 65 દર્દીને સાજા કર્યા.

65 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે
13 દિવસ પહેલાની વાત છે, મારા કાકાના દિકરા બાઘાનો મને ફોન આવ્યો, ઓક્સિજનનો બાટલો જોઈએ છે. મે અને મિત્રોએ મહેનત કરી ક્યાંય મળ્યો નહિ. મે મારા ગુરૂ ઈન્દ્રભારતીબાપુને ફોન કર્યો કે બાપુ લોકો બહુ તકલીફમાં છે. અત્યારે મદદનો સમય છે. બાપુએ કહ્યુ સેવા શરૂ કરો, પણ તમારૂ પણ ધ્યાન રાખજો. બસ પહેલા નોરતે સેવાનુ અનુષ્ઠાન શરૂ કરવાનો નિર્ણય લીધો અને મારા મિત્ર જગાભાઈ સાગે મળીને ઓક્સિજનના સિલિન્ડરની વ્યવસ્થા કરી. ઘરના ગ્રાઉન્ડ ફ્લોરમાંથી સામાન હટાવી દીધો અને ત્યાં ગાદલા પાથરી દર્દીઓ માટે વ્યવસ્થા કરી દીધી. અમે જેનુ ઓક્સિજન લેવલ ઓછુ હોય તેની સેવા કરીએ છીએ. ડોક્ટરને બોલાવ્યા સિલિન્ડરનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજી લીધું. અત્યાર સુધીમાં 65 દર્દીઓ અહિ આવ્યા છે તેમાંથી બેના મોત થયા બાકી બધા સ્વસ્થ થઈને ઘરે ગયા છે.

પરિવાર જ દર્દીઓ માટે રસોઈ બનાવે છે
જેઠસુરભાઈએ જણાવ્યુ હતુ કે બપોરે અને સાંજે દર્દીઓની માગ મુજબ જમવાની વ્યવસ્થા રાખી છે. મારો પરીવાર જ રસોઈ બનાવે છે. દરરોજ 30થી 35 લોકો જમે છે. વધુ માણસો થઈ જાય તો બહારથી મંગાવી લઇએ છીએ. આ ઉપરાંત મારા મિત્રો પણ જમવાની વ્યવસ્થા કરે છે.

ઓક્સિજન સાથે દર્દીને સારવાર અપાય છે.
ઓક્સિજન સાથે દર્દીને સારવાર અપાય છે.

દ્વારકા, રાજકોટથી દર્દીઓ આવે છે
12 દિવસથી ચાલી રહેલા સેવાના આ સેવાયજ્ઞની સુવાસ સૌરાષ્ટ્રભરમાં પ્રસરી છે. હવે માત્ર આસપાસ જ નહિ દ્વારકા, ગીર સોમનાથ, રાજકોટ સહિતના જિલ્લાઓમાંથી દર્દીઓ અહિં ઓક્સિજનની સારવાર લેવા આવે છે.

અન્ય સમાચારો પણ છે...