તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:નશાખોર મહિલાએ અકસ્માત સર્જી પોલીસની ઓળખ આપી ધમાલ કરી

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા અગાઉ હત્યા કેસમાં પણ પોલીસ ચોપડે ચડી ચૂકી છે

શહેરના ઢેબર રોડ પર અકસ્માતમાં ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવેલી મહિલાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, આ મહિલાએ નશાખોર હાલતમાં પોતાનું વાહન ચલાવી અકસ્માત સર્જયો હતો તેમજ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હોવાનું ખુલતાં પોલીસે મહિલા સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી. ઢેબર રોડ પર બોમ્બે પેટ્રોલ પંપની સામે શુક્રવારે રાત્રીના આઠ વાગ્યાના અરસામાં વંદના ખાંભલા નામની (ઉ.વ.28) મહિલા ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી.

મહિલા પોતાનું સ્કૂટર સ્લીપ થતા પટકાઇ હતી, ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા અને મહિલાને 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. વંદનાએ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફ સમક્ષ પોતાની ઓળખ મહિલા પોલીસ તરીકે આપી હતી. ઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસ દોડી ગઇ હતી, જોકે પોલીસ પહોંચી તે પૂર્વે વંદના નાસી ગઇ હતી. ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ઝાલા સહિતના સ્ટાફે આ બનાવ અંગે તપાસ કરતાં વંદનાએ ઢેબર રોડ પર એક વાહન ચાલકને ઠોકરે લીધા બાદ તેનું સ્કુટર સ્લીપ થયું હતું.

અકસ્માતનો ભોગ બનનાર વાહન ચાલકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, વંદના નશાખોર હાલતમાં હતી અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપતી હતી. પોલીસે મુળ વિરમગામની અને હાલમાં રાજકોટ રહેતી વંદના પરષોતમ વાઘેલા સામે અકસ્માત અને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપવાનો ગુનો નોંધ્યો હતો. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, વંદના અગાઉ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યા કેસમાં પણ પોલીસ ચોપડે ચડી ચુકી છે.

અન્ય સમાચારો પણ છે...