સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નવા સત્રથી સ્પોર્ટ્સની આંતર કોલેજ કક્ષાની તમામ સ્પર્ધાઓનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે કરવાનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ગિરીશ ભીમાણી દ્વારા કરાયો છે.
કુલપતિ પ્રો. ગીરીશ ભીમાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ રમતગમતમાં આગળ આવે અને પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી પોતાને ગમતી રમતોમાં ભાગ લઈ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ ઉજાગર કરે એવા શુભ આશયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.
કેમ્પસ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમિંગ પૂલ, ટર્ફ હોકી ગ્રાઉન્ડ, લોન ટેનિસ ગ્રાઉન્ડ, જ્યાં રણજી ટ્રોફી રમાઈ છે એવું સિઝન ક્રિકેટ ગ્રાઉન્ડ, સ્વામી વિવેકાનંદ ઈન્ડોર સ્ટેડિયમ, એથ્લેટિક્સ રમતોનું ગ્રાઉન્ડ જેવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પોર્ટ્સ ફેસિલિટી ઉપલબ્ધ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતગમતના મેદાનોમાં પોતાનું કૌવત બતાવવાનો અવસર પ્રાપ્ત થાય અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઓલિમ્પિક કક્ષાની રમતોમાં ભાગ લે એવી આશા સાથે આ વિદ્યાર્થીલક્ષી મહત્ત્વનો નિર્ણય કરવામાં આવેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.