જુદી જુદી વીમા કંપનીઓ તેમના પોલિસી ધારકોને વળતર ન ચૂકવવા માટે યેનકેન પ્રકારે વાંધાઓ બતાવી રકમ આપવાનો નનૈયો કરી દેવામાં આવે છે. આવા અનેક બનાવો જિલ્લા ગ્રાહક સુરક્ષા કમિશન સુધી પહોંચ્યા છે. જેમાં ફોરમ દ્વારા અગાઉ અનેક વીમા કંપનીઓને ટકોર કરી ગ્રાહકની તરફેણમાં ચુકાદા આપ્યા છે. ત્યારે વધુ એક કેસમાં જિલ્લા ગ્રાહક સુરક્ષા કમિશન પ્રમુખ જજ વાય.ડી.ત્રિવેદી, સભ્ય એ.પી.જોશીની બેંચે વીમા કંપની નવી કોઇ શરત લાગુ પાડી શકે નહિ.
પોલીસ દ્વારા ફરિયાદ ન નોંધવામાં આવે તો પોલિસીની શરતોની ઉપરવટ વાંધો લઇ શકાય નહિ અને વીમો ચૂકવવાની જવાબદારીમાંથી છટકી શકાય નહિ તેવું જણાવી પોલિસીધારકના બે ક્લેમની રૂ.4.66 લાખની રકમ વાર્ષિક છ ટકા વ્યાજ અને ફરિયાદ ખર્ચ સાથેની રકમ એક મહિનામાં ચૂકવી આપવા ન્યૂ ઇન્ડિયા એન્શ્યોરન્સ કંપનીને હુકમ કરી બેંક અને વીમા કંપનીને નોટિસ ફટકારી છે. હાઇટેક ટ્રાન્સપાવર પ્રાઇવેટ લિ. નામની કંપનીએ તેના સોલાર પ્રોજેક્ટ અંતર્ગત ન્યૂ ઇન્ડિયા એન્શ્યોરન્સ કંપનીની મરિન કમ ઇરેક્શન વીમા પોલિસી લીધી હતી.
જેમાં છ કરોડ, 50 લાખનો સમ ઇન્શ્યોર્ડ સાથેના વીમામાં અલગ અલગ જોખમોનો સમાવેશ થાય છે. દરમિયાન કંપની દ્વારા તેમના સ્ટોકની ગણતરી કરવામાં આવતા સામાનની ચોરી થઇ હોવાનું જણાયું હતું. જેથી પોલીસમથકે જઇ ફરિયાદ લખાવવા પ્રયત્નો કર્યા હતા, પરંતુ પોલીસે ગમે તે કારણોસર ફરિયાદ લીધી ન હતી. જેથી સમગ્ર બનાવની લેખિત ફરિયાદ રજિસ્ટર એડીથી મોકલી અપાઇ હતી. બાદમાં ચોરાયેલા સામાનનો વીમો હોય વીમા કંપનીમાં સામાન ચોરી થયા અંગેના નુકસાનના વળતર માટે ક્લેમ કર્યો હતો.
ત્યારે વીમા કંપનીએ તેના સર્વેયર દ્વારા તમામ સરવે કર્યો હતો. જેમાં સામાનની ચોરી થઇ હોવાનું અને નુકસાનીની આકારણી કરવામાં આવી હતી. સર્વેયર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાઇ ન હોવાથી વીમો ચૂકવી શકાય નહિ અને ચોરાયેલ સામાન પ્રોજેક્ટ અંતર્ગત સમાવિષ્ટ ન હોય નુકસાનીનું વળતર વીમા હેઠળ ચૂકવી શકાય નહીં.
સર્વેયરના રિપોર્ટના આધારે વીમા કંપનીએ ક્લેમ ચૂકવવાનો નનૈયો ભણી દેતા નારાજ વીમાધારકે એડવોકેટ ગજેન્દ્ર જાની મારફત ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી હતી. ફરિયાદને પગલે પુરાવાઓ, દલીલને સાંભળ્યા બાદ ફોરમે વીમા કંપનીની છટકબારીની નીતિ સામે વીમાધારકની તરફેણમાં ચુકાદો આપ્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.